હિન્દુસ્તાન તરીકે ઓળખાતા ભારતનો  મૂળ ધર્મ માત્ર હિન્દુ ધર્મ જ છે કે શું ? 

કર્ણાટકના એક સમયના મુખ્યમંત્રી એસ. આર. બોમ્માઈ ચોરાણુંમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સામે પડ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો. તે કેસ એસ. આર. બોમ્માઈ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા તરીકે ભારતના ન્યાયતંત્રના ઈતિહાસમાં અમર થઇ ગયો. આર્ટીકલ ૩૫૬ ના ગેરઉપયોગની વાત હતી. લો કોલેજમાં આ કેસ તો પ્રાથમિક સ્તરે ભણાવવામાં આવે છે. સ્ટેટ વર્સીસ સેન્ટરના તે ડખામાં બિનસાંપ્રદાયિકતા કેન્દ્રમાં હતી. ભારતના બંધારણમાં પહેલેથી જ ભારતને બિનસાંપ્રદાયિક દેશ કહેવામાં આવ્યો છે. પણ ૧૯૭૬ માં બેતાલીસમાં બંધારણ-સુધારામાં તો સ્પષ્ટ કરવામાં આવ્યું કે ભારત કોઈ એક ચોક્કસ ધર્મ કે નાત કે કોમ્યુનીટીને વરેલો દેશ નથી પણ બિનસાંપ્રદાયિક છે. ભારતના આ બંધારણને પહેલા વડાપ્રધાનથી લઈને વર્તમાન વડાપ્રધાન સુધીના સત્તાધીશે પુરતું સન્માન આપ્યું છે.
કોઈ એક કિતાબમાં શું લખ્યું છે તેનું બહુ મહત્વ ન હોય તો એ  વાત મુકીએ. કાગળ કે સ્ક્રીન ઉપર શું લખ્યું છે તેની વાત નથી કરવી. પણ ભારત દેશમાં રહેતા નાગરીકો એટલે કે ભારતીયોના મનમાં શું છે એ તે વાત કરીએ. સાથે સાથે ભારતની મહાન ભૂમિની પણ વાત કરીએ જ. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં વિશ્વના ત્રણ-ત્રણ પ્રાચીન અને મહાનતમ ધર્મો ઉદભવ્યા. આખી દુનિયા ફેંદી નાખીએ તો પણ આવો જમીનનો ટુકડો નહિ મળે જ્યાં ત્રણ-ત્રણ પુરાતન ધર્મોનો પ્રાદુર્ભાવ થયો હોય- હિંદુ, જૈન અને બૌદ્ધ. શીખ ધર્મ પણ આ જ ધરતી ઉપર પાંગર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાય પણ આ જ ધરતી ઉપર વિકસ્યો. પણ તે બંને પ્રમાણમાં અર્વાચીન ધર્મો કહી શકાય. ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ સાથે પણ હિન્દુસ્તાનને બહુ જ ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે પણ તે બંને ધર્મ ભારતમાં નથી ઉદભવ્યા. પ્લસ, તે બંને ધર્મનો ઉદભવ ભારતમાં આ ત્રણ ધર્મોના ઉદભવ પછી જે તે પ્રદેશમાં થયો.
ભારતીયો કેવા છે? ભારતીયોના લોહીમાં બિનસાંપ્રદાયીકતા વહે છે. કારણ કે ભારતમાં ઉદભવેલા ધર્મો પણ એવા રીજીડ કે કુવા જેવા બંધિયાર નથી. વિષ્ણુના દસ અવતારમાં બુદ્ધ ભગવાન છે અને કૃષ્ણના પિતરાઈ ભાઈ જૈન ધર્મના બાવીસમાં તીર્થંકર નેમિનાથ છે. ગીરનાર પર્વત ઉપર નેમિનાથ દાદા પણ બિરાજે છે અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ એ ત્રણેયના સિંગલ સ્વરૂપ જેવા દતાત્રેય પણ. જૈન ધર્મના પહેલા તીર્થંકર આદિનાથ અને મહાદેવ શંકર પણ એક જ ધાર્મિક કલ્પનાની રેખાના સમાંતર કે એક જ સ્વરૂપ છે એવું અમુક વિદ્વજનો માને છે. એક બહુ જ રસપ્રદ અને મહાન એવ નાથ પરંપરા હિંદુઈઝમમાં છે તો જૈન ધર્મના વર્તમાન ચોવીસ તીર્થંકરમાં મોટા ભાગના તીર્થંકરના નામની પાછળ નાથ પ્રત્યય લાગે છે. રામાયણનું જૈન વર્ઝન પણ ઉપલબ્ધ છે. બૌદ્ધ અને મહાવીર એકબીજાને મળ્યા હતા કે નહિ એની કથાઓ – દંતકથાઓ સદીઓથી ચાલતી આવે છે.
ઘરમાં નજર ફેરવો. પડોશમાં નજર ફેરવો. શો-પીસ તરીકે અથવા તો પ્રવેશદ્વારની સામે જ બૌદ્ધની મૂર્તિ દેખાશે. ગીફ્ટ-આર્ટીકલના શો-રૂમમાં ગણેશજીની આર્ટીસ્ટીક મૂર્તિઓ સાથે બૌદ્ધની મૂર્તિઓની હારમાળા હોય જ છે. નવા નવા બિલ્ડીંગ બને છે એમાં રીસેપ્શન પાસે બૌદ્ધની જાયન્ટ પ્રતિમા મુકવી એ તો જાણે નવો નિયમ બની ગયો છે. આખા રાજ્યમાં કેટકેટલા અન્નક્ષેત્રો ચાલે છે તે બધા મોટા ભાગે હિંદુઓ દ્વારા ચલાવવામાં આવતા હોય છે પણ ત્યાં ભોજન લેવાની એક જ શરત હોય છે કે માણસ ભૂખ્યો હોવો જોઈએ. પછી માણસે ટોપી પહેરી છે કે દાઢી રાખી છે તે જોવામાં આવે છે ખરું? નહિ. અમુક મહિનાઓ દરમિયાન પાણી અને શરબતના સ્ટોલ ખોલવામાં આવે છે તો ત્યાં પાણી પીવડાવતી વખતે ચાંદલો કે તિલક જોવામાં આવે છે? ના. પંચરની દુકાનથી લઈને વૈદ્યરાજ સુધીની દરેક સર્વિસમાં કોઈ એક ચોક્કસ ધર્મના અનુયાયીનું પ્રભુત્વ હોય છે અને તેમાં નાતજાત જોવામાં આવતી નથી. હા, આ જ નાગરિક નવરો પડે કે તેને ઉશ્કેરવામાં આવે કે વર્ષો જૂની અદાવત કે સદીઓ જુના જખ્મોનું વેરઝેર તાજું કરવામાં આવે ત્યારે તે એક ચોક્કસ રંગ પસંદ કરી લે છે. ટ્રેજેડી એ છે કે ભારતના ઝંડામાં કેસરી-સફેદ અને લીલો છે તો ખરા પણ કેસરી અને લીલો પાસેપાસે નથી.
ભારતના ગઠનમાં ધર્મોનો મોટો ફાળો રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને હિંદુ ધર્મનો. ભાષા, લખાણ, સાહિત્ય, પરંપરાઓ, કલાઓ, નૃત્ય, ચિત્રો, શિલ્પો, રીવાજો એ બધામાં ધર્મની સીધી અસર છે અથવા તો ધર્મના નિયમોએ જ આ બધું ઘડ્યું છે. યુરોપમાં હજાર વર્ષ સુધી ચિત્રકારો જીસસ અને બાઈબલના પ્રભાવમાં રહ્યા અને ત્યાં મહાન કલાકારો પેદા થયા. એ જ રીતે હિન્દુઈઝમથી પ્રેરિત થઇને કાલિદાસથી લઈને ભવભૂતિ જેવા પ્રચંડ મેઘાવી સાહિત્યકારો આપણે ત્યાં થયા. ભારતને સમૃદ્ધ કરવામાં જે તે વિચારધારાનો બહુ મોટો ફાળો છે તેમાં હિંદુ મુખ્ય રહી છે. પણ તે વિચારધારા બીજી વિચારધારાઓના પરસ્પરના સહયોગ સાથે સતત વિકસતી રહી. એકબીજા પ્રવાહમાંથી કશુંક અપનાવવાનું શરુ થયું. ધીમે ધીમે તેનું સ્વરૂપ બદલાતું રહ્યું. શ્રદ્ધા અને માન્યતામાં વધુ ઘટ્ટતા આવી. વૈવિધ્ય વધતું ગયું. રંગો ઉમેરાતા ગયા. આ ધરતી રંગીન બનતી ગઈ.
ભારતની મહાનતા તેની બિનસાંપ્રદાયિકતા અને વૈવિધ્યમાં રહેલી છે. ‘વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે’- એવું ફક્ત ગોખવાનું ન હોય પરંતુ સમજવું પણ પડે. શાળાના અભ્યાસક્રમમાં બધા જ ધર્મોનો પ્રાથમિક પરિચય આપવામાં આવે તો પણ બાળક દુનિયાદારીથી નાની ઉમરે વાકેફ થાય અને ઈતિહાસ જાણે. પણ કટ્ટરવાદીઓને આવા ઈશારા નહિ સમજાય. ભારત સાલુકાઈનો દેશ છે. યુદ્ધખોર પ્રજા અહી નથી વસતી. કેસરી સુરજને વંદન કરવાની સાથે પૃથ્વી ઉપર ચોતરફ પથરાયેલી હરિયાળીને પણ પ્રણામ કરવા જોઈએ કે નહિ?