હિન્દુ, ખ્રિસ્તી અને મુસ્લિમ રાજકીય પક્ષોનું હવે કુરુક્ષેત્ર બની ગયું છે કેરળ

પશ્ચિમ બંગાળની રાજકીય હિંસાની વાતો હજુ લોકો ભૂલ્યાં નથી ત્યાં કેરળની રાજકીય હિંસાએ લોકોને ખળભળાવી મૂક્યાં છે. કેરળના અલપુઝા જિલ્લામાં શનિવાર-રવિવારના વીકએન્ડના 12 કલાકના ગાળામાં જ બે નેતાઓની હત્યાઓએ આખા દેશને ચોંકાવી દીધો છે. પહેલી ઘટનામાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા નામના રાજકીય પક્ષના કેરળ પ્રદેશ એકમના મંત્રી કે.એસ. શાન ઉપર શનિવારે રાત્રે કેટલાક લોકોએ હુમલો કર્યો ને તેમને મોતને ઘાટ ઉતાર્યા. શાન પોતાનું કામ પતાવીને સમી સાંજે પોતાની બાઇક પર ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે એક કારે તેમને ટક્કર મારીને ઉડાવ્યા ને પછી કારમાંથી ઉતરેલા હુમલાખોરોએ તેમના પર છરી વડે ઉપરાછાપરી વાર કરીને અધમૂઆ કરી નાંખ્યા. શાનની બૂમાબૂમથી લોકો ભેગાં થઈ ગયાં તેમાં હુમલાખોરો ભાગી ગયા પણ એ પહેલાં શાનને એ હદે ઘાયલ કરીને ગયેલા કે એ બચી જ ન શકે. લોકો શાનને ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લઈ તો ગયા પણ તેમને બચાવી ન શકાયા.

આ હુમલાના કારણે અલપુઝા જિલ્લામાં તણાવનો માહોલ થઈ ગયો હતો કેમ કે આ વિસ્તારમાં એસડીપીઆઈનું વર્ચસ્વ છે. બાકી હતું તે એસડીપીઆઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયં સેવકોએ શાન પર પર હુમલાનું કાવતરું ઘડીને હત્યા કરવાનો આરોપ મૂકી દીધો. તેના કારણે એસડીપીઆઈ સમર્થકો ભડકી ગયેલા ને તણાવનો માહોલ થઈ ગયેલો. આ તણાવના કારણે કે પછી બીજા કોઈ કારણે, શનિવારે સવારે અલપુઝા જિલ્લામાં રાજકીય હિંસાની બીજી ઘટના બની ગઈ. આ વખતે હુમલાનો ભોગ બનીને જીવ ગુમાવનારા નેતા ભાજપના છે. ભાજપ ઓબીસી મોરચાના પ્રદેશ મંત્રી એડવોકેટ રણજિત શ્રીનિવાસના ઘરે કેટલાક લોકો ઘૂસી ગયા ને રણજિત શ્રીનિવાસનને લટકાવીને પતાવી દીધા. શ્રીનિવાસન મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે જ ઘરમાં ઘૂસેલા હુમલાખોરો રણજિત શ્રીનિવાસન જીવતા ન રહે તેની ખાતરી કરીને પછી જ ગયા. રણજિત તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા હતા પણ હારી ગયા હતા એ જોતાં એ ટોચના નેતા હતા એ કહેવાની જરૂર નથી.

આ બંને હત્યાની ઘટનાના કારણે એક તરફ રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે ત્યારે બીજી તરફ દેશના સૌથી શિક્ષિત રાજ્યોમાંના એક એવા કેરળમાં રાજકીય હિંસાનો પ્રભાવ કઈ હદે છે તેનો પણ લોકોને પરચો મળ્યો છે. આ હત્યાઓ માટે ભાજપ અને એસડીપીઆઈ એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે. એસડીપીઆઈના પ્રમુખ એમ.કે. ફૈઝીએ ટ્વીટ કર્યું કે, આ ઘટનાઓ રાજ્યમાં કોમવાદી હિંસા ફેલાવીને કોમી સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો એક ભાગ છે. ભાજપે એસડીપીઆઈને રણજિતની હત્યા માટે જવાબદાર ગણાવ્યું છે. સાથે સાથે સીપીએમને પણ લપેટમાં લઈ લીધું છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સીટી રવિએ આક્ષેપ મૂક્યો છે કે, પિનારાયી વિજયનની કેરળ સરકારે  ભગવાનના દેશ કેરળને જેહાદીઓના સ્વર્ગમાં ફેરવી દીધું છે. કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને પણ હુમલાની નિંદા કરીને કેરળમાં ગુંડારાજ હોવાનો આક્ષેપ મૂકીને વિજયન સરકારને બરતરફ કરવાની માગ કરી છે.

મુખ્યમંત્રી પિનારાઈ વિજયને આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે સત્તામાં બેઠેલા લોકો વગાડે છે એ ઘસાઈ ગયેલી રેકર્ડ વગાડીને આરોપીઓ જલદી પકડાઈ જશે એવો રાગ આલાપીને દોષિતો સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી છે. વિજયને આ હત્યાઓને અમાનવીય કૃત્ય ગણાવીને કેરળ માટે ખતરનાક ગણાવી છે.વિજયન કહે છે એ રીતે હત્યારા ક્યારે પકડાશે એ ખબર નથી પણ આ ડબલ મર્ડરે કેરળની રાજકીય હિંસાખોરી તરફ ફરી એક વાર દેશનું ધ્યાન દોર્યું છે. અત્યાર લગી કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો અને ડાબેરી પક્ષો વચ્ચેની હિંસાની વાતો આપણે સાંભળતા. હવે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા સહિતના નવા ખેલાડી મેદાનમાં આવ્યા છે. કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ પણ વચ્ચે વચ્ચે નાનું નાનું યોગદાન આપ્યા કરતાં પણ મુખ્ય જંગ ડાબેરી વર્સીસ સંઘ-ભાજપનો હતો. હવે એસડીપીઆઈની એન્ટ્રી થઈ છે. જે રીતે સંઘ હિંદુવાદી રાજકારણ માટે જાણીતો છે એ રીતે એસડીપીઆઈ કટ્ટરવાદી મુસ્લિમ રાજકારણ માટે જાણીતો છે તેથી બંને વચ્ચે ભારે ખૂનામરકી થઈ રહી છે.

એસડીપીઆઈ કેરળના રાજકારણમાં નવો ફૂટી નિકળેલો પણ ઝડપથી ચર્ચાસ્પદ બની ગયેલો પક્ષ છે. તેનું કારણ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સાથે તેનું કનેક્શન છે. એસડીપીઆઈની સ્થાપના 2009માં એમ.કે. ફૈઝીએ કરેલી ને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ની રાજકીય પાંખ તરીકે એ અસ્તિત્વમાં આવેલો પક્ષ છે. પીએફઆઈ વિશે તો કશું કહેવા જેવું છે જ નહીં. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના પીઠ્ઠુ ગણાતા પીએફઆઈને સુન્ની અને શિયા સંગઠનો પણ કટ્ટરવાદી ગણાવે છે. પીએફઆઈ સામે આઈએસઆઈની મદદથી ભારતમાં અરાજકતા ઊભી કરવા પ્રયત્ન કરાતા હોવાના આક્ષેપો સતત થયા કરે છે. આ સંગઠન કર્ણાટક, તમિલનાડુમાં પણ ફેલાયેલું છે પણ  કેરળમાં વધારે સક્રિય છે. કેરળમાં કૉંગ્રેસની સરકાર હતી એ વખતે તેની પર ઉપરાછપરી દરોડા પડેલા. પીએફઆઈ આતંકવાદી પ્રવૃત્તિ કરે છે તેવા આક્ષેપો પણ થયેલા ને તેના પર પ્રતિબંધ પણ મૂકાયેલો પણ હાઈ કોર્ટે એ પ્રતિબંધને ફગાવી દીધેલો.

કેરળ પોલીસે પીએફઆઈને આતંકનો ચહેરો ચિતર્યો તેની સામે આ સંગઠને બદનક્ષીનો કેસ કરેલો. હાઈ કોર્ટે આ કેસમાં પણ પોલીસને માફી માગવાની ફરજ પાડેલી ને 33 લાખ રૂપિયા રકમ ચૂકવવા આદેશ આપેલો. એ પછી પીએફઆઈ આતંકવાદી સંગઠન છે એવા આક્ષેપો જાહેરમાં થતા નથી પણ અંદરખાને બધાં એવું કહે જ છે. પીએફઆઈ અને એસડીપીઆઈના કાર્યકરો સામે ભાજપ જ નહીં પણ કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોના કાર્યકરોની હત્યાના પણ કેસ નોંધાયેલા છે. બીજાંની વાત છોડો પણ મુસ્લિમ લીગના કાર્યકરોની હત્યામાં પણ પીએફઆઈ અને એસડીપીઆઈના કાર્યકરો સંડોવાયેલા છે. તેના પરથી જ આ પીએફઆઈ અને તેની રાજકીય પાંખ એવી એસડીપીઆઈ કેટલી આક્રમક અને કટ્ટરવાદી છે તેનો અંદાજ આવી જાય. ભારતમાં કેરળ અને પશ્ચિમ બંગાળ બે સૌથી શિક્ષિત રાજ્યો ગણાય છે ને જાણીને આંચકો લાગશે કે, રાજકીય હિંસામાં કેરળ અને પશ્ચિમ બંગાળ એ બે રાજ્યો સૌથી મોખરે છે.

એક સમય એવો હતો કે જ્યારે રોજ સવાર પડે ને કેરળ ને પશ્ચિમ બંગાળ એ બે રાજ્યોમાં કોઈ ને કોઈ રાજકીય હત્યાના સમાચાર આવતા. આપણને બિહાર અને ઉત્તર પ્રદેશમાં રાજકારણનું અપરાધીકરણ સૌથી વધારે થયું હોય એવું લાગે છે પણ વાસ્તવમાં કેરળ અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે રાજકીય હત્યાઓ થાય છે. બે વર્ષ પહેલાં તો કેરળ રાજકીય હત્યાઓમાં દેશમાં નંબર વન હતું. કેરળ અને બંગાળની હિંસાથી સામાન્ય લોકોને આશ્ચર્ય થાય છે પણ આ બંને રાજ્યોના રાજકારણની આ ખાસિયત છે. બંગાળનું રાજકારણ કઈ હદે હિંસા આધારિત છે તેની પૂરેપૂરી ફિલ્મ આપણે વિધાનસભાની ચૂંટણી વખતે જોઈ જ છે. બંગાળ વિધાનસભાની ચૂંટણી વખતે તો ભરપૂર હિંસા થઈ જ પણ ચૂંટણી પત્યા પછી પણ જોરદાર હિંસા થઈ. બંગાળની હિંસા વિશે ઘણું બધુ લખી શકાય પણ અત્યારે કેરળની ઘટનાઓ ચર્ચામાં છે તેથી બંગાળની વાત પછી કરીશું. પહેલાં કેરળની રાજકીય હિંસા અને તેના મૂળમાં શું છે તેની વાત કરી લઈએ.

કેરળની રાજકીય હિંસાના મૂળમાં વધારે બંદરો હોવાથી કામદાર યુનિયનોનો પગદંડો અને મુસ્લિમ-ખ્રિસ્તી વસતીની વધારે સંખ્યા છે. કેરળમાં 55 ટકા હિન્દુઓ છે પણ હિન્દુવાદી રાજકારણ ચાલતું નથી. તેનું કારણ એ કે, કેરળમાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસતી નોંધપાત્ર છે. કેરળમાં 26 ટકા મુસ્લિમો અને 18 ટકા ખ્રિસ્તીઓ છે. હિન્દુઓમાં વિભાજન છે અને તેમના મતો વહેંચાઈ જાય છે જ્યારે ખ્રિસ્તી તથા મુસ્લિમ મતો એક તરફ ઢળે છે. તેના કારણે ત્યાં ડાબેરીઓ અને કૉંગ્રેસ વારાફરતી જીતે છે. સંઘ કેરળને હિન્દુત્વના પુનરૂત્થાનની ભૂમિ માને છે કેમ કે હિન્દુ ધર્મને ફરી બેઠો કરનારા આદિ શંકરાચાર્ય કેરળમાં પેદા થયા હતા. આદિ શંકરાચાર્યની અદ્વેતની ફિલોસોફી અત્યારે હિન્દુત્વનાં કેન્દ્રસ્થાને છે. ભગવાન કૃષ્ણની ભક્તિમાં સંગીત બનાવનારા નારાયણ ભટ્ટાહરી કેરળમાં થયા. આ કારણે સંઘ વરસોથી કેરળને હિન્દુત્વના રંગે રંગવા મથે છે પણ ફાવતો નથી. ભાજપની પિતૃ સંસ્થા આરએસએસ કેરળમાં વરસોથી શાખાઓ ચલાવે છે પણ સંઘનું વર્ચસ્વ સ્થપાયું નથી તેથી ભાજપ ત્યાં પગપેસારો કરી શકતો નથી. સંઘની સામે મુસ્લિમ અને ખ્રિસ્તી કટ્ટરવાદી સંગઠનો ઊભા થયાં છે. આ સંગઠનો પોતાનાં હિતો પ્રમાણે કૉંગ્રેસ ને ડાબેરીઓને ટેકો આપે છે. તેના કારણે વરસોથી રાજકીય હિંસા ચાલે છે. હવે મુસ્લિમ કટ્ટરવાદને પોષનારું પીએફઆઈ મેદાનમાં આવ્યું છે તેથી હિંસા વધી છે. અલપુઝાની ઘટના તેનું જ પરિણામ છે