હિન્દ મહાસાગરમાં ચીનને ઘેરવા ભારતની જાપાન સાથે મહત્વપૂર્ણ સમજૂતિ

  • બન્ને દેશો સશસ્ત્ર દળોને આપૂર્તિ અને સેવાનું પરસ્પર આદાન-પ્રદાન કરશે

ભારત અને ચીન વચ્ચે અંકુશ રેખા પર ચાલી રહેલા તણાવની સાથે ભારતે હિન્દ મહાસાગરમાં પણ ચીનને ઘેરવાની ગતિવિધિ વધારી છે. ભારતે આ માટે જાપાન સાથે બુધવારે કરેલી ઐતિહાસિક રક્ષા સમજૂતિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમજૂતિ અંતર્ગત બન્ને દેશો પરસ્પર સશ્સત્ર દળોને આપૂર્તિ તેમજ સેવાઓનું આદાન-પ્રદાન કરશે. સમજૂતિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જાપાની સમકક્ષ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. રક્ષા મંત્રાલયના સૂત્રોના મતે જાપાન સાથે સશસ્ત્ર દળોને પરસ્પર સેવા પુરી પાડવાને લઈને આ પ્રકારની સમજૂતિ પ્રથમ વખત થઈ છે. બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો પહેલેથી છે. ચીન સાથે ભારતને ઘર્ષણ બાદ આ સમજૂતિને હિન્દ મહાસાગરમાં ચીનને ઘેરવાના દ્રષ્ટિકોણથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતને આનાથી વ્યૂહાત્મક લાભ મળવાની સંભાવના રહેલી છે.

રક્ષા મંત્રાલયના સૂત્રોએ આ સમજૂતિના મુખ્ય મુદ્દાઓને વિસ્તૃત રીતે નથી જણાવ્યા, પરંતુ સમજૂતિ બાદ ભારતીય લશ્કરને જાપાનની સેના પોતાના અડ્ડાઓ પર જરૂરી સામગ્રી પૂરી પાડી શકશે. સાથે જ ભારતીય લશ્કરના રક્ષા સાધનોના સમારકામની પણ સેવા આપશે. આ સેવા ભારતીય લશ્કરી મથકો પર જાપાનની સેનાને પણ ઉપલબ્ધ થશે. યુદ્ધની સ્થિતિ સર્જાઈ તો આ સેવાઓ ઘણી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ભારતે આ પ્રકારની સમજૂતિ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ઓમાન અને સિંગાપુર સાથે પણ કરી છે.

બુધવારે બન્ને દેશો વચ્ચે આ સમજૂતિ થયા બાદ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પોતાના સમકક્ષ શિન્જો આબે સાથે ટેલિફોન પર અડધો કલાક વાતચીત કરી હતી અને રક્ષા સહયોગ મજબૂત બનાવવા આભાર વ્યક્ત કર્યો હતો. બન્ને નેતાઓએ આશા વ્યક્ત કરી કે આ સમજૂતિ બન્ને દેશોના રક્ષા સહયોગને વધુ મજબૂત બનાવશે તેમજ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પણ યોગદાન આપશે.