હિસાબ આપો અમે મૂર્ખ નથી: પાકવીમા મુદ્દે ખેડૂતોનો ખેતરોમાં બેનરો લગાવી વિરોધ

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ખેડૂતોએ પાકવીમા મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં બેનરો લગાવી રોષ વ્યક્ત કર્યો છે. આ સાથે જ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. લાઠી તાલુકાના ખેડૂતોને પાકવીમો ન મળતા બેનરો લગાવી સરકાર સામે વિરોધ કર્યો છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે હિસાબ આપો અમે મુર્ખ નથી.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ખેડૂતોને પાકવીમો ન મળતા વિરોધ નોંધાવ્યો છે. ભાલવાવ, ઠાંસા, ધામેલ, હજીરાધાર અને દામનગર સહિતના ગામોમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં બેનરો લગાવીને વિરોધ કર્યો છે. આ સાથે જ ખેડૂતોએ સવાલ કર્યા હતા કે, પાક વીમાના આંકડાઓ સંતાડી સરકાર કેમ બેઠી છે?, અમારા ખેતરોનો છેલ્લા ૫ વર્ષનો વીમો લૂંટારૂઓ લૂંટી ગયા કે સરકાર ખાઈ ગઈ ? આંકડાઓ જોવા દો, ગણવા દો અમે મુર્ખ નથી તેવા અનેક સવાલો કર્યો હતા. અમરેલી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ નરેશ વિરાણી તેમજ તાલુકાના ખેડૂતોએ સરકાર સામે ઝુંબેશ ઉપાડી છે અને આખા તાલુકામાં બેનરો લગાવવાની ચીમકી ઉચ્ચારી છે.