હીરા બજારની તુલનામાં સુરતનો કાપડ ઉદ્યોગ ઝડપથી બેઠો થશે

સુરતમાં હીરા ઉદ્યોગે હજુય મંદીના ચકરાવાની બહાર પગ મૂક્યો નથી. પરંતુ કાપડ ઉદ્યોગે પોતાનો રસ્તો કરી લીધો છે. અમરેલીમાં સુરત જઈને હીરાને બદલે ટેક્સ્ટાઇલ બજારમાં ઝંપલાવનારા બહુ ઓછા. જે જમાનામાં સુરત જવાનો વાયરો ઉપડ્યો હતો એ વખતે પણ પાંચ ટકા લોકો કાપડ ઉદ્યોગમાં જતા અને પંચાણું ટકા તો હીરાની ઘંટીએ જ બેસી જતા. અર્થતંત્રમાં કૃષિ પછી બીજા ક્રમે આવતું ટેક્સ્ટાઇલ ક્ષેત્ર કોરોનાના બીજી લહેરે તેની ધીંગી તાકાત વડે માત કરી રહ્યું છે. ઉદ્યોગ માટે પડકારો ટૂંકા અને મધ્યમ ગાળાના છે પણ વિકાસના અવસર મધ્યમ અને લાંબા ગાળાના છે. મહામારીની ત્રીજી લહેર બારણે ટકોરા મારી રહી હોવાના વર્તારા છે ત્યારે તેનો લાંબા ગાળાનો વિકાસ ટકાવી રાખવા માટે સરકાર અને ઉદ્યોગના સહિયારા પ્રયાસોની આવશ્યકતા છે.
ઉદ્યોગે પહેલી લહેરનો સફળતાથી સામનો કર્યો હતો. સુરતમાં જડબેસલાક લોકડાઉન હતું. હવે તો લોકડાઉનનો પાકો અનુભવ છે. સરકાર અને બેન્કોના સહિયારા પ્રયાસોને કારણે ઉદ્યોગની નાણાં પ્રવાહિતાની સ્થિતિ પહેલાં કરતાં સારી છે. નિકાસ માગનો ટેકો છે પણ તેને વધારવાની જરૂર છે. સ્થાનિક માગ લોકડાઉનનાં નિયંત્રણોને કારણે દબાયેલી છે પણ આ નિયંત્રણો હળવા થવા લાગશે ત્યારે તે ઉછળશે. પ્રમાણમાં ઓછા પડકારોનો સામનો કરી રહેલા ટેક્સ્ટાઇલ ઉદ્યોગે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે અત્યારથી સજ્જ થવું જોઈએ. મહત્વનું એ છે કે, તેની શરૂઆત સરકાર તરફથી થવી જોઈએ જેથી અત્યારે વિકાસના માર્ગમાં રહેલા નડતર દૂર થાય.
માત્ર ટેક્સ્ટાઇલ ઉદ્યોગ નહીં, તમામ ઉદ્યોગોને અસર કરતો મુદ્દો એ છે કે સરકારની વિવિધ યોજનાઓ વચ્ચે પરસ્પરનું સંકલન બરાબર જળવાઈ રહેવું જોઈએ. પરિણામે, તેના પ્રયાસો અધૂરા રહેવાનું જોખમ ઊભું ન થાય. ગયા વર્ષના લોકડાઉન દરમિયાન બેન્કોએ ઔદ્યોગિક ક્ષેત્ર માટે દેવાં મોકૂફીની અને ક્રેડિટ ગેરંટીની યોજનાઓ જાહેર કરી તેના કારણે ઘણા ઉદ્યોગોને સમયસરનો નાણાંકીય આધાર મળી ગયો. તો વળી બીજી તકલીફ એ છે કે સરકારે ઘણા ઉદ્યોગો માટે ઉત્પાદન વૃદ્ધિની પ્રોત્સાહન યોજનાઓની વિગતો મહિનાઓથી જાહેર કરી નથી. ટેક્સ્ટાઇલ ઉદ્યોગ તેની અસર ઝીલી રહ્યો છે. અધૂરા સંકલનને કારણે ઉદ્યોગોને બહેતર નાણાંકીય સ્થિતિમાં લાવવાના આ ક્ષેત્રના પ્રયાસો ધીમા હોય એવું લાગે પણ ખરેખર એવું નથી. હીરા બજારની તુલનાએ કાપડ ઉદ્યોગમાં લપ બહુ ઝાઝી હોય છે.
કાપડ ઉદ્યોગને નિકાસ પ્રોત્સાહનો વધારવાની માગણી બે વર્ષથી અધ્ધરતાલ છે. નિકાસ કરવામાં આવતા માલ પરની ડ્યુટી અને ટેક્સનું રિફંડ આપવાની જ વાત કરીએ તો તે છેલ્લા કેટલાય મહિનાથી અટવાઈ પડ્યું છે. નિકાસપાત્ર માલની ઉત્પાદન ક્ષમતા વધે અને પરિણામે નિકાસ વધે તે માટે સરકારે આ વર્ષની 1 જાન્યુઆરીથી ડ્યુટી અને ટેક્સને રિફંડ આપવાની યોજનાને તમામ માલની નિકાસને લાગુ કરી હતી પણ નિકાસકારો માટે આ અનુભવ ઉલમાંથી ચૂલમાં પડવા જેવો સાબિત થયો છે. અગાઉ આ રિફંડના નાણાં સમયસર મળી જતાં હતાં જે હવે મળતાં નથી. સરકારે વિવિધ ક્ષેત્ર અને તેની પ્રોડક્ટ્સ માટે રિફંડના દર હજી જાહેર કર્યા નહીં હોવાના લીધે તેમના હક્કના નાણાં મળતા નથી.
સરકારે મેન મેડ ફાઈબર ઉદ્યોગ માટે 2020ના નવેમ્બરમાં પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટીવ્સ યોજના જાહેર કરી હતી અને સાથે આવતા પાંચ વર્ષમાં રૂા. 10,683 કરોડના રોકાણ સાથે દેશભરમાં ટેક્નિકલ ટેક્સ્ટાઇલ પાર્કસ સ્થાપવાની જાહેરાત કરી અને આ વર્ષના બજેટમાં મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ્ટાઇલ પાર્ક્સ સ્થાપવાની યોજના જાહેર કરી હતી. આ રોકાણ પાંચ વર્ષમાં કરવાનું છે. આવી યોજનાઓ આમ તો ઘણી આકર્ષક છે અને લાંબા ગાળે તે સમૃદ્ધ ફળ આપે તેવી પણ છે. સવાલ તેનો સમસયરના અમલનો છે. અમલ થાય તે જોવાની સહિયારી જવાબદારી ઉદ્યોગ અને સરકારની છે.
અત્યારે સ્થિતિ એવી છે કે યોજનાઓના અમલ હોય કે પ્રોત્સાહનોની જાહેરાત, સરકાર તરફથી થતા વિલંબને કારણે ઉદ્યોગમાં નવું રોકાણ આવતું ઓછું થયું છે. સરકારે અત્યારથી સતર્ક બનવાનો આ નિર્દેશ છે. કોરોનાને કારણે લોકડાઉન નિયંત્રણો અથવા નાણાંકીય સંસાધનોની સમસ્યા હોય તો તેને વટાવીને પણ નિકાસવૃદ્ધિના માર્ગમાં જે અવરોધો હોય તો તે દૂર કરવા જોઈએ.
ભારતીય ટેક્સ્ટાઇલ ઉદ્યોગની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ઊંચી છે, પણ તેનો પૂરો ફાયદો લેવા માટે ઉદ્યોગે ટેક્નોલોજીથી રોકાણ ક્ષેત્રે પરિવર્તન કરવું પડશે. વિસ્તૃત રીતે જોઈએ તો યાર્નની નિકાસનું પ્રમાણ વધુ છે પણ મૂલ્યવૃદ્ધિ આપતા ફેબ્રિક અને તૈયાર વસ્ત્રોની નિકાસનું પ્રમાણ ઓછું છે. તૈયાર વસ્ત્રોની નિકાસમાં પણ કોટનનાં વસ્ત્રોનું પ્રમાણ 70 ટકા અને મેન મેઈડ ફાઇબરના વસ્ત્રોનું 70 ટકા છે. આંતરરાષ્ટ્રીય પ્રમાણ આનાથી બિલકુલ ઉલટું છે. ઉદ્યોગે આ પ્રમાણ બદલવા માટે મેન મેઈડ ફાઈબરની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે મોટા પાયે રોકાણ કરવું પડશે અને આ માટે તેણે લાંબા ગાળાનો વ્યૂહ બનાવવો પડશે.ઉદ્યોગ આ કરી બતાવે તો અર્થતંત્રમાં તેનું પ્રદાન નોંધપાત્ર વધી શકે અને રોજગારની તક પણ વધે. ભારતે મુખ્ય પ્રતિસ્પર્ધી ચીનને પછાડવાનું છે. ચીને 2012થી મેઈડ-અપ્સ, ફેબ્રિક અને એપરલ્સનું ઉત્પાદન અને નિકાસ વધારવા ઉપર પ્રયાસો કેન્દ્રિત કર્યા તેથી તેનો વિશ્વ બજારમાં હિસ્સો વધ્યો છે. ચીને માર્ગ ચીંધ્યો છે તો તેનું અનુકરણ કરવા વિષે ઉદ્યોગમાં તંદુરસ્ત ચર્ચા થવી જરૂરી છે. કોરોનાની આ મહામારી વિકાસનો એક અવસર લાવી છે એમ સમજીને આયોજન કરાય તો ઉદ્યોગમાં 30 ટકાનો ફાળો આપતા નિકાસ ક્ષેત્રનું પ્રમાણ લાંબા ગાળે વધશે અને આ મહામારીના બીજા- ત્રીજા તોફાનમાં પણ બહુ વાંધો નહીં આવે એવું કાપડ બજારના જૂના જોગીઓનું માનવું છે.