હોનારતનાં ત્રીજા દિવસે શ્રી મોદી મોરબી પહોંચ્યા : અસરગ્રસ્તોની મુલાકાત લીધી

મોરબી, મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાના ત્રીજા દિવસે પીએમ શ્રી મોદી મોરબી પહોંચ્યા છે. અહીં તેમણે ઘટનાસ્થળ પર પહોંચી તેનું નિરીક્ષણ કર્યું હતું. પીએમની સાથે સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય અધિકારીઓ અને મંત્રીઓ પણ હાજર હતા. 30 ઓક્ટોબરે પુલ તૂટ્યો ત્યારે પણ પીએમ મોદી ગુજરાતમાં જ હતા, ઘટનાના બીજા દિવસે તેમના કેવડિયા અને બનાસકાંઠામાં કાર્યક્રમ પણ થયા હતા, જેમાં તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજે સવારે જાંબુઘોડામાં એક કાર્યક્રમમાં સામેલ થયા બાદ પીએમ સાંજે ચાર વાગ્યાની આસપાસ મોરબી પહોંચ્યા હતા.બ્રિજ પડ્યો હતો તે સ્થળનું નિરીક્ષણ કરીને પીએમ મોદી મોરબી સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા હતા. અહીં તેમણે આ ઘટનામાં ઘવાયેલા અને હજુય સારવાર હેઠળ રહેલા દર્દીઓની મુલાકાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા. પીએમે રેસ્કયુ ઓપરેશનમાં લાગેલા જવાનો ઉપરાંત મોરબીના સામાજીક અગ્રણીઓ અને સાધુ-સંતોની પણ મુલાકાત લીધી હતી. પીએમે મોરબી એસપીની કચેરીમાં સમીક્ષા બેઠક હાથ ધરી હતી, જેમાં અધિકારીઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહૃાા હતા. ઘટનાસ્થળ પરથી મોરબી સિવિલ હોસ્પિટલ 4 કિલોમીટર જેટલા અંતરે આવેલી છે. પીએમના આગમન પહેલા મોરબી સિવિલ હોસ્પિટલમાં રાતોરાત રિનોવેશન કામ હાથ ધરી રંગરોગાન તેમજ પેવર બ્લોક નાખી દેવાતા પણ વિરોધ પક્ષોએ તેના પર સવાલ ઉઠાવ્યો હતો.
મોરબીની દુર્ઘટનામાં અત્યારસુધી 135 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. જોકે, દુર્ઘટનાનો ભોગ બનેલા બે લોકો હજુય ગુમ છે. જેમને શોધવા માટે ત્રીજા દિવસે પણ મચ્છુ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સવાર પડતાં જ આર્મી, નેવીની ટીમો નદીની અંદર ગુમ થયેલા લોકોની શોધખોળ કરવાનું શરુ કરી દે છે, અને આ કામગીરી સાંજ સુધી ચાલતી રહે છે.
ઝૂલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં પોલીસે નોંધેલી ફરિયાદમાં નવ આરોપીઓની ધરપકડ કરાઈ છે. જોકે, ફરિયાદમાં કોઈના નામનો તેમજ ઓરેવા કંપનીનો ઉલ્લેખ કરાયો જ નથી. જે નવ લોકોની ધરપકડ કરાઈ છે તેમાં સિક્યોરિટી ગાર્ડ, ટિકિટ બારીના ક્લાર્ક અને ઓરેવાના બે મેનેજરનો સમાવેશ થાય છે. જોકે, જયસુખ પટેલ ક્યાં છે તેની પોલીસને પણ હજુ સુધી ખબર નથી.