હોળીના તહેવારને પગલે સોમનાથ મંદિર સવારથી સાંજ ૧૬ કલાક ખૂલ્લુ રહેશે

હોળી ધૂળેટી પર્વે જગવિખ્યાત સોમનાથ મંદિરે આવતા ભાવિકોએ ફરજિયાત માસ્ક પહેરવાની સાથે પાસ મેળવ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. આ સાથે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ પર્વે ભાવિકો માટે સોમનાથ મંદિર સળંગ ૧૬ કલાક ખુલ્લુ રહેશે. જેમાં ભાવિકોએ ચાલતા ચાલતા દર્શન કરીને બહાર નિકળવાનું રહેશે. મંદિર પરીસરમાં હોળી દર્શનનું આયોજન કરાયા છે. આ પર્વે મંદિર પરીસરમાં ભીડ એકત્ર ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના જીએમ વિજયિંસહ ચાવડાએ જણાવ્યું કે, હોળી – ધૂળેટી પર્વે બે દિવસ સોમનાથ મંદિર સવારે ૬ થી રાત્રીના ૧૦ વાગ્યા સુઘી સળંગ ૧૬ કલાક ખુલ્લુ રહેશે. મંદિરમાં આવતા ભાવિકો માટે પાસ સિસ્ટમ છે. જે મુજબ ભાવિકોએ ઓફલાઇન પાસ મંદિર પરીસર પાસેના કાઉન્ટર પરથી મેળવી લેવાનો રહેશે અને ઓનલાઇન પાસ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પરથી મેળવી લેવાના રહેશે.

મંદિરમાં પ્રવેશ સમયે માસ્ક ફરજિયાત પહેરી રાખવાનું રહેશે. મંદિરમાં દર્શન અને આરતીમાં ભાવિકોએ ચાલતા ચાલતા દર્શન કરી બહાર નિકળવાનું રહેશે. મંદિર બહાર પરીસરમાં કયાંય બેસી શકાશે નહીં. મંદિરમાં પ્રવેશ અને દર્શન માટે ટ્રસ્ટ દ્રારા સરકારની સુચના મુજબ જાહેર કરેલા તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.