હોળી-ધૂળેટીના પર્વને લઇ ઇમરજન્સી સેવા 108એ એક્શન પ્લાન તૈયાર કર્યો

હોળી અને ધુળેટીનો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ તહેવાર પણ ક્યારેક અનેક લોકો માટે પીડાદાયક બને છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦૮ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. રાજ્યમાં મોટા શહેરો માટે આ એક્શન પ્લાનને અમલમાં મુક્યો છે.

ગુજરાતમાં હોળીનો તહેવાર ઉજવાય છે ત્યારે કોઈ મોટી ઘટના કે ઇમર્જન્સીના આવી પડે તે માટે ૧૦૮ દ્વારા આગોતરું આયોજન કરાયું છે. રાજ્યભરમાં ૬૦૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. આ સમય દરમ્યાન ખાનગી હોસ્પિટલમાં પણ રજા હોય છે જેથી વધારે સ્થળોએ ૧૦૮ ઉપલબ્ધ કરાવીએ છીએ. ખાસ કરીને રાજ્યના ટ્રાઇબલ વિસ્તારોમાંથી હોળી અને ધુળેટીના દિવસ દરમ્યાન વધારે કોલ આવતા હોય છે. તેના માટે અમે અત્યારથી તૈયારી કરી છે.

સામાન્ય દિવસોમાં ૧૦૮ સેવા માટે અંદાજે ૨૭૦૦ જેટલા કોલ્સ આવતા હોય છે જેમાં હોળીના દિવસે ૧૦ ટકા જેટલો વધારો થાય છે કોલની સંખ્યા અંદાજે ૩૦૦૦ કરતા વધુ જઈ પહોંચે છે જ્યારે ધુળેટીના દિવસે સામાન્ય દિવસની તુલનાએ કોલમાં ૪૩ ટકા જેટલો વધારો થાય છે અને કોલ્સ ૪૦૦૦ ની આસપાસ નોંધાતા હોય છે. પડવાથી વાગવાના કેસો હોળી અને ધુળેટીના દિવસે વધારે આવતા હોય છે. આણંદ, સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, મહીસાગર, સુરત, વલસાડ, દાહોદ, સાબરકાંઠા, ખેડા, મહિસાગરમાંથી વધુ કેસો આવતા હોય છે.