૧૧ અને ૧૨ સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ૧૧ અને ૧૨ સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨૧ ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૩૦ સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલું રહી શકે છે. ઓગસ્ટ મહિનાની સાથે રાજ્યમાંથી જાણે ધોધમાર વરસાદે પણ વિરામ લઈ લીધો હોય તેમ દિવસે ગરમીનો વર્તારો શરૂ થઈ ગયો છે. એક મહિના સુધી રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેવા છતાં બફારો અને ઉકળાટ ઓછો થતો નથી.
ત્યારે ભાદરવાની આ ગરમી વચ્ચે ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ૧૦મી સપ્ટેમ્બરને ગુરુવારથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થશે. હળવા વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, તા.૧૦મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર,
સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડશે. તા.૧૧ સપ્ટેમ્બરના રોજ દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડશે. તા.૧૨ સપ્ટેમ્બરના રોજ દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દીવ, કચ્છ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.