૧ ઓગસ્ટથી રાત્રી કરફ્યુ, જિમ ખુલશે, સ્કૂલ-થિયેટર પર પ્રતિબંધ

  • અનલોક-૩ની ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી
  • રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા, સ્થાનિક સ્તરે સ્વતંત્રતા દિવસ સમારોહને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મંજૂરી: કોલેજો-થિયેટર્સ પર ૩૧ ઓગસ્ટ સુધી પ્રતિબંધ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક -૩ માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. પહેલી ઓગસ્ટથી દેશભરમાં રાત્રિ કરફ્યુ દૂર થશે. ૫ ઓગસ્ટથી જીમ પણ ખોલવામાં આવશે. જો કે, ૩૧ ઓગસ્ટ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે. મેટ્રો, સિનેમા, સ્વિિંમગ પૂલ પણ હાલ ખુલશે નહીં. કોરોનાને કારણે છેલ્લા ચાર મહિનાથી દેસભરમાં ચાલી રહેલા લોકડાઉનમાં હવે બહુ મોટી રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે તમામ રીતે રાહતો આપતાં હવે આર્થિક ગતિવિધિ શરૂ થઈ શકે છે. ગૃહમંત્રાલયે બુધવારે એક નવી ગાઈડલાઈન જારી કરી હતી જે અન્વયે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-૩ કે જે ૧લી ઓગસ્ટથી અમલી બનશે તેને તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુન:શરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તેમ જ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સાથે વ્યાપક ચર્ચા વિચારણા કર્યા બાદ તેમની પાસેથી જે અભિપ્રાયો કે મંતવ્યો મળ્યા છે તેને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ગૃહમંત્રાલયના અધિકારીઓએ કહૃાું હતું. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનમાં પ્રતિબંધો ચાલુ રહેશે જે ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધી હળવા કરવામાં આવશે નહીં. ભીડ એકઠી થતી હોય એવા સામાજિક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક અથવા મનોરંજન સંબંધિત કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને સામાજિક અંતર અને અન્ય આરોગ્ય પ્રોટોકોલ્સ (જેમ કે માસ્ક પહેરવા) સાથે મંજૂરી છે. કન્ટેનમેન્ટ ઝોન્સમાં લોકડાઉન ૩૧ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ ઝોનમાં ફક્ત જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, જિલ્લા અધિકારીઓ કન્ટેન્ટમેન્ટ ઝોન નક્કી કરશે. ૬૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, જેઓ પહેલાથી જ ગંભીર બીમારીથી પીડાય છે, સગર્ભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી નીચેના બાળકોને પહેલાની જેમ ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આ કેટેગરીના લોકોને સલાહ આપવામાં આવી છે કે જ્યારે કોઈ જરૂરિયાત હોય અથવા આરોગ્યને લગતી સમસ્યા હોય ત્યારે જ ઘરની બહાર જાય. જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત છે. ભીડ કરનારી પ્રવૃત્તીઓ પર પ્રતિબંધ છે. વૈવાહિક કાર્યક્રમોમાં ૫૦ થી વધુ અતિથિઓની મંજૂરી નથી. એ જ રીતે, ૨૦ થી વધુ લોકોને અંતિમ વિધિમાં ભાગ લેવાની મનાઈ છે. પાન, ગુટખા, તમાકુ અથવા આલ્કોહોલ પીવું જાહેર સ્થળોએ પ્રતિબંધિત છે.