૨૦૨૦ની સરખામણીમાં આ વર્ષે ઓછો વરસાદ : જળાશયો હજી અડધા ખાલી

રાજકોટના તરઘડીયા સ્થિત સુકી ખેતિ સંશોધન કેન્દ્રની યાદી મુજબ ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલી હવામાન માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાં આગામી ૧થી ૫ સપ્ટેમ્બર દરમિયાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું રહેશે અને ૧, ૪ અને ૫ સપ્ટેમ્બરના રોજ મધ્યમ અને ૨ અને ૩ સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમિયાન ૨૮-૩૧ ડિગ્રી સેલ્શિયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રિ દરમિયાન ૨૨-૨૪ ડિગ્રી સેલ્શિયસ જેટલું રહેવાની સંભાવના છે.આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૪-૯૧ અને ૫૨-૭૨ ટકા રહેશે. પવનની દિશા પશ્ર્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૧૭થી ૨૧ કિમી રહેવાની શક્યતા છે.છેલ્લા પાંચ વર્ષમાં ઓગસ્ટ માસમાં સૌથી ઓછો વરસાદ આ વખતે માત્ર ૧.૨૪ ઈંચ, જ્યારે સૌથી વધુ વરસાદ ગત વર્ષે ૨૭.૪૮ ઈંચ થયો હતો. ૨૦૧૫થી ૨૦૨૧ સુધીના ઓગસ્ટ માસમાં ૨૦૧૫ માં ઓગસ્ટ માસમાં ૧.૩૨ ઈંચ, ૨૦૧૬ માં ૭.૪૨ ઈંચ, ૨૦૧૭માં ૭.૭૨ ઈંચ , ૨૦૧૮ માં ૬.૭૨ ઈંચ, ૨૦૧૯ માં ૨૧.૦૨ ઈંચ, ૨૦૨૦માં ૨૭.૪૮ ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ૨૦૧૫થી ૨૦૨૦ સુધીનો સીઝનનો કુલ વરસાદ અનુક્રમે ૭૯૬ મીમી, ૫૫૯ મીમી, ૧૨૯૫ મીમી, ૫૩૯ મીમી, ૧૩૬૧ મીમી અને ૧૨૪૬ મીમી વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયો પૈકી ગઇકાલે ભાદર ડેમ પર ૮ મી.મી. વરસાદ સાથે જળ સપાટી ૧૯.૯૦ ફૂટ, મોજ ડેમ પર ૧૦ મી.મી. વરસાદ સાથે ૩૫.૯૦ ફૂટ, વેણુ-૨ ડેમ પર ૫ મી.મી. વરસાદ સાથે ૧૪.૯૦ ફૂટ, સુરવો પર ૩૦ મી.મી. વરસાદ સાથે ૪.૪૦ ફૂટ, વાછપરી પર ૫ મી.મી. વરસાદ, ન્યારી-૧ ડેમની જળ સપાટી ૧૭.૧૦, છાપરાવાડી-૨ માં ૨ મી.મી. વરસાદ સાથે ૦.૮૦ ફૂટ, ઈશ્ર્વરિયા ૧૦ મી.મી. વરસાદ સાથે જળ સપાટી ૧.૩૦ ફૂટ, ભાદર- ૨ ડેમમાં ૧૪ મી.મી. વરસાદ સાથે જળ સપાટી ૧૧ ફૂટ, કર્ણકી ૫૦ મી.મી. વરસાદ સાથે જળ સપાટી ૯.૨૦ ફૂટ સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમાં સરેરાશ ૩૧.૧૬ ટકા પાણી વર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે. રાજકોટ મહાનગરમાં ચાલુ વર્ષે ચોમાસુ અટકી ગયું છે. આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ આગાહી વચ્ચે ગઇકાલે બે ઈંચ વરસાદ રાજકોટમાં પડ્યો હતો. હજુ ડેમોમાં પાણીની આવક થાય એવા વરસાદના કોઇ સંજોગો દેખાતા નથી. નર્મદા નીર આવવાની તૈયારી થઈ ગઈ છે. ત્યારે ગત વર્ષના ઓગષ્ટ મહિનાની સરખામણીએ ચાલુ વર્ષે ઓછો વરસાદ પડ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન હેઠળની ફાયર શાખામાં નોંધાયેલા આંકડા મુજબ આ વર્ષે ઓગષ્ટ મહિનો પૂરો થઈ ગયો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ૪૫.૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વર્ષે માત્ર ૨૩ ઇંચ વરસાદ નોંધાતા ૨૨ ઇંચની ખાધ પડી છે. રાજકોટ જિલ્લાના જળાશયોમાં સરેરાશ ૩૧.૧૬ ટકા જ પાણી છે. આથી જળસંકટ રાજકોટ પરથી હટ્યું નથી.૨૦૧૭માં ૨૫ ઓગષ્ટે આજી અને ન્યારી તથા ૨૦૧૯માં ન્યારી ડેમ ઓવરલો થઇ ગયા હતા. પરંતુ હાલ કોઇ જળાશયમાં પૂરા ત્રણ મહિનાનું પાણી પણ ન હોય, સરકાર સૌની યોજના હેઠળ ક્યારે નર્મદા નીર ઠાલવશે તેની તંત્રવાહકો રાહ જોઇ રહૃાાં છે. આગામી બે-ત્રણ દિવસમાં જ નર્મદા નીર આવશે તેવું સત્તાધિશોએ જણાવ્યું છે. કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા મુજબ ૨૦૧૬ના વર્ષમાં ઓગષ્ટ સુધીમાં ૧૭ ઇંચ વરસાદ પડ્યો હતો. પરંતુ ૨૦૧૭માં આ સમયગાળા સુધીમાં ૧૧૬૪ મિમિ એટલે કે ૪૬ ઇંચથી વધુ પાણી પડી ગયું હતું અને આજી-ન્યારી બંને ડેમ છલકાય ગયા હતા. ૨૦૧૮માં આ અરસામાં ૫૩૫ મિમિ પાણી પડ્યું હતું તો ૨૦૧૯માં ૩૮ ઇંચથી વધુ એટલે કે ૯૬૦ મિમિ વરસાદ પડી જતા ન્યારી ડેમ ઓવરલો થયો હતો અને તહેવારોની રોનક વધી ગઇ હતી.માત્ર ગત વર્ષની સાથે સરખામણી કરીએ તો ૪૫.૪ ઇંચ વરસાદ પડ્યો હતો. આ વખતે ૫૭૫ મિમિ એટલે કે ૨૩ ઇંચ વરસાદ પડ્યો છે. જે ગત વર્ષથી ૨૨ ઇંચ ઓછો છે. હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજકોટમાં માંડ બે ઇંચ વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ દિવસ હજુ આગાહી છે. સારો વરસાદ પડે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહૃાાં છે. ડેમોની સ્થિતિ જોઇએ તો ૨૯ ફૂટના આજી ડેમનું લેવલ ૧૬ ફૂટ, ૨૫ ફૂટના ન્યારી ડેમની સપાટી ૧૭.૮૮ ફૂટ અને ૩૪ ફૂટના વિશાળ ભાદર ડેમનું લેવલ ૧૮ ફૂટ રહૃાું છે. તેમાં પણ છેલ્લા વરસાદથી ભાદરમાં ત્રણ ફૂટ પાણી આવ્યું હતું. હવે વરસાદ પહેલા આજી અને ન્યારી ડેમમાં સૌની યોજનાના પાણી આવશે અને રાજકોટની પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેવું શાસકો કહી રહૃાાં છે.