૨૦૨૧નો નવો મંત્ર ‘દવા પણ, કડકાઈ પણ: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં નિર્માણ પામનારી AIIMS હોસ્પિટલનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું છે. ખંઢેરી પાસે ૧૧૯૫ કરોડના ખર્ચે વિશાળ હોસ્પિટલ નિર્માણ પામવાની છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં વિશાળ હોસ્પિટલનું નિર્માણ થઈ જશે. વડાપ્રધાન મોદીએ ૨૦૨૦ તકલીફોથી ભરેલું રહૃાું હોવાની વાત કરી અને ૨૦૨૧માં આશાઓ દેખાઈ રહી હોવાની વાત કરી. તેમણે કહૃાું કે, ભારતમાં રસી આવતા વાર નહીં લાગે પણ દવા આવ્યા પછી પણ સુરક્ષાનું પાલન કરવા લોકોને સૂચન કર્યું છે. વેક્સીનને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવાની પણ મોદીએ સલાહ આપી છે.

ભારતમાં કોરોના વેક્સીન માટે ચાલી રહેલી અંતિમ તૈયારી અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહૃાું, “વેક્સીનને લઈને ભારતમાં તમામ જરુરી તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં બનેલી વેક્સીન ઝડપથી તમામ જરુરી વર્ગ સુધી પહોંચાડાશે, તેના માટેની તમામ કોશિશો અંતિમ તબક્કામાં છે. દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાન માટે ભારતમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જે રીતે પાછલા વર્ષે સંક્રમણને રોકવા માટે આપણે એક થઈને પ્રયાસ કર્યા તે જ રીતે રસીકરણને સફળ બનાવવા માટે એકતા સાથે આગળ વધવાનું છે.” વડાપ્રધાન એમ પણ કહૃાું કે આપણાં ત્યાં કેટલાક લોકો અફવાનું વાતાવરણ ગરમ રાખવા પ્રયાસ કરતા હોય છે, પરંતુ આ પ્રકારની ભ્રામક બાબતોથી ગેરમાર્ગે દૃોરાવવું ના જોઈએ અને સોશિયલ મીડિયા પર આવતી માહિતીને સાચી માનીને સીધી શેર કરવાના બદલે તેની ચકાસણી જરુર કરવી જોઈએ.

કાર્યક્રમને સંબોધિત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું કે, આ વર્ષ પડકારોથી ભરેલું રહૃાું છે. વર્ષનો આ અંતિમ દિવસ ભારતના લાખો ડૉક્ટર્સ, હેલ્થ વોરિયર્સ, સફાઈ કર્મચારીઓ, દવાની દુકાનોમાં કામ કરનારા લોકો અને બીજા ફ્રન્ટ લાઈન વોરિયર્સને યાદ કરવાનો છે. કર્તવ્ય પથ પર જે સાથીઓએ પોતાનો જીવ આપ્યો છે, તેમને નમન કરું છું. વડાપ્રધાને કોરોના સામે આખું લડાઈ લડી તેને યાદ કરીને એમ પણ કહૃાું કે વર્ષ ૨૦૨૦માં આપણે એ શીખીને જવાનું છે કે સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે.

વડાપ્રધાને કહૃાું કે, વર્ષ ૨૦૨૦માં સંક્રમણની નિરાશા હતી, ચિંતાઓ હતી, ચારે તરફ સવાલ ઉઠતા હતા, પરંતુ ૨૦૨૧ સારવારની આશા લઈને આવી રહૃાું છે. વેક્સીનને લઈને ભારતમાં જરુરી તૈયારી ચાલી રહી છે. તેમણે એમ પણ કહૃાું કે, ભારતે એક થઈને જરુરી પગલા ભર્યા, તેનું આ પરિણામ છે કે આપણે સારી સ્થિતિમાં છીએ. જે દેશમાં ૧૩૦ કરોડ કરતા વધારે લોકો છે, વસ્તી ગીચતા છે, ત્યાં લગભગ ૧ કરોડ લોકો બીમારી સામે લડીને જીત્યા છે.

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણના અંતમાં ગુજરાતીમાં રાજકોટવાસીઓ અને ગુજરાતના લોકોને કોરોના સામે લડવા માટે એક રહેવા માટે જણાવ્યું હતું. આ સાથે તેમણે લોકોને કહૃાું કે ૨૦૨૦માં સૂત્ર હતું કે દવા નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં પરંતુ ૨૦૨૧નો નવો મંત્ર હશે- દવા પણ, કડકાઈ પણ. તેમણે કહૃાું કે દવા આવી જાય એટલે નિશ્ચિત થઈ જવાની જરુર નથી પરંતુ સુરક્ષિત રહીને આગળ વધવાની જરુર છે.

આયુષ્યમાન ભારત યોજનાથી ગરીબોના ૩૦ હજાર કરોડ રૂપિયા બચ્યા છે. કેન્સર, હાર્ટ, કિડનીની સમસ્યા હોય તેવા ગરીબોની સારી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર મળી છે. દેશમાં ૭ હજાર જનઔષધિ કેન્દ્રો ગરીબોની દવા ફ્રીમાં આપવા વિચાર કરી રહૃાાં છીએ. આ કેન્દ્રો પર દવા ૯૦ ટકા સુધી સસ્તી હોય છે. સાડા ત્રણ લાખથી વધુ દર્દીઓ રોજ જનઔષધિ કેન્દ્રોનો લાભ લે છે.

રાજકોટમાં આકાર પામનારી AIIMS ના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્ર્વિની ચૌબે ઉપસ્થિત રહૃાા હતા.