૨૦૨૧માં રિલીઝ થશે અભિનેતા ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ

બોલિવૂડના દિવંગત અભિનેતા ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ ‘ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમયથી અટકેલી આ ફિલ્મને નિર્માતાઓએ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા આ ફિલ્મનું પ્રીમિયર સ્વિટ્ઝર્લેન્ડમાં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું.
ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શને તેના ટ્વિટર હેન્ડર પર ફિલ્મના મોશન પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, ‘ઇરફાનની છેલ્લી ફિલ્મ ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ ૨૦૨૧ માં રિલીઝ થશે. અનૂપ સિંહ દ્વારા નિર્દૃેશિત આ ફિલ્મને પેનોરમા સ્પોટલાઇટ અને ૭૦એમએમ ટોકીઝે પ્રોડ્યૂસ કરી છે.
પેનોરમા સ્પોટલાઇટના નિર્માતા અભિષેક પાઠકે જણાવ્યું કે અમે આ ફિલ્મને ભારતીય સિનેમાના લોકપ્રિય અભિનેતાને શ્રદ્ધાંજલી તરીકે રજૂ કરીશું. જોકે હાલ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર નથી થઇ. આ ફિલ્મમાં ઇરફાન ખાન ઉપરાંત વહિદા રેહમાન, શશાંક અરોરા, તિલ્લોતામા શોમ અને ગોલશિટેહ ફરાહાની પણ જોવા મળશે. ફિલ્મમાં ઇરફાન ખાન ઊંટના વેપારીની ભૂમિકા નિભાવતા નજરે પડશે.