૨૦ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં કાતિલ ઠંડી પડવાની વકી

અમદાવાદમાં છેલ્લા અઠવાડિયામાં ઠંડા પવનની અસરથી લઘુતમ તાપમાન ૧૬થી ૧૭ ડિગ્રી આસપાસ પહોંચ્યું છે. ત્યારે ૨૦ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં કાતિલ ઠંડી પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. જો કે, છેલ્લાં શિયાળાની સિઝનમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરીના ૨૦ વર્ષનાં આંકડા મુજબ, અમદાવાદમાં વર્ષ ૨૦૦૦- ૨૦૦૧માં ૧૦ ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન નોંધાતાં કાતિલ ઠંડી પડી હતી.

આ વર્ષે પણ ૨૦ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી દરમિયાન શહેરમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, આ વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળાની સિઝન દરમિયાન ૨૦ ડિસેમ્બરથી લઇને ૧૦ જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર વધવાની શક્યતા છે. તેમાંય ખાસ કરીને ડિસેમ્બરના અંતથી લઇને જાન્યુઆરીના પહેલાં અઠવાડિયામાં ઠંડીનો પારો ગગડીને ૧૦થી ૧૨ ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હોવાથી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.

કારણ કે, ડિસેમ્બર મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ આવે છે, લોકલ લેવલે વાતાવરણમાં મોટા પાયે ફેરફાર થાય છે. શિયાળાની સિઝનમાં જાન્યુઆરી સૌથી ઠંડા મહિનો હોય છે. કારણ કે, જાન્યુઆરીનું એવરેજ મિનિમમ તાપમાન ૧૨.૪ ડિગ્રી જયારે ડિસેમ્બરનું એવરેજ તાપમાન ૧૩.૪ ડિગ્રી હોય છે.