દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે બીજા સીરો સર્વેનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ૨૯ ટકા દિલ્હીવાસીઓમાં એન્ટીબોડી મળી આવી છે. એટલે કે દિલ્હીમાં લગભગ ૫૮ લાખ લોકોમાં કોરોનાની સામે એન્ટીબોડી બની ગઈ છે.
સત્યેન્દ્ર જૈને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, દિલ્હીમાં ૧થી ૭ ઓગસ્ટ સુધી સીરો સર્વે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી ૨૯.૧ લોકોમાં આ વખતે એન્ટીબોડી મળી આવી છે. આ બીજા રાઉન્ડનો સીરો સર્વે રિપોર્ટ છે. ગયા વખત સેમ્પલ સાઈઝ ૨૧,૩૮૭ હતી, આ વખતે ૧૫,૦૦૦ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દિલ્હીની વસ્તી લગભગ ૨ કરોડ છે.
બીજા રાઉન્ડના સીરો સર્વેમાં ૨૮.૩ ટકા પુરુષોમાં અને ૩૨.૨ મહિલાઓમાં એન્ટીબોડી મળી આવી છે. સર્વેમાં ૧૮ વર્ષથી ઓછી વયના લોકોમાં ૩૪.૭ ટકા એન્ટીબોડી મળી આવી છે. ૧૮થી ૪૯ વયના લોકોમાં ૨૮.૫ ટકા લોકોમાં અને ૫૦ વર્ષથી વધારે વયના લોકોમાં ૩૧.૨ ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવી છે.