૩૯ વર્ષના કેરેબિયન ધુરંધર માર્લોન સૈમુઅલ્સે ક્રિકેટને કહૃાુ અલવિદા

વેસ્ટ ઇન્ડિઝે ક્રિકેટને મહાન ખેલાડીઓ આપ્યા છે. તેમાં ય ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં તો કેરેબિયન ક્રિકેટની ધાક હતી. આ સમયે મહાન ક્લાઇવ લોઇડની ટીમમાં વિવિયન રિચાર્ડસ, ગોર્જન ગ્રિનીજ, ડેસમન્ડ હેઇન્સ, ઝડપી બોલર માલ્કમ માર્શલ, એન્ડી રોબર્ટસ, જોએલ ગાર્નર, માઇકલ હોલ્ડિંગ જેવા ખતરનાક ખેલાડીઓ રમતા હતા. જોકે આ તમામની નિવૃત્તિ બાદ કેરેબિયન ટીમની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેવામાં બ્રાયન લારા, કાર્લ હુપર, રિચી રિચર્ડસન જેવા કેટલાક ખેલાડી આવી ગયા જેમણે ધમાલ મચાવી દીધી હતી. આવા જ એક ખેલાડીનું નામ હતું માર્લોન સેમ્યુઅલ્સ.
માર્લોન સેમ્યુઅલ્સ આક્રમક બેટિંગ કરતો હતો અને તેમાંય ટી૨૦માં તો તે શાનદાર બેટસમેન હતો. માર્લન સેમ્યુઅલ્સે હવે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ૧૯૮૧ની પાંચમી ફેબ્રઆરીએ સેમ્યુઅલ્સનો જન્મ જમૈકાના કિંગ્સ્ટન ખાતે થયો હતો. તેણે ૨૦૦૦ની સાલમાં ટેસ્ટ અને વન-ડે રમવાની શરૂઆત કરી હતી અને ૨૦૧૬માં તે પોતાની અંતિમ ટેસ્ટ શારજાહ ખાતે પાકિસ્તાન સામે રમ્યો હતો. આ ઉપરાંત તેણે ૨૦૧૮ સુધી કેરેબિયન ટીમ માટે વન-ડે રમવાનુ જારી રાખ્યું હતું.
૨૦૧૬ના ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ખરેખર તો સેમ્યુઅલ્સ હીરો હતો. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં કાર્લોસ બ્રાથવેટે છેલ્લે ચાર બોલમાં ચાર સિક્સર ફટકારી હતી પરંતુ એ મેચમાં સેમ્યુઅલ્સ ૮૫ રન ફટકારીને અણનમ રહૃાો હતો. આવી જ રીતે ૨૦૧૨ના ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પણ સેમ્યુઅલ્સે ૭૮ રન ફટકારીને શ્રીલંકા સામે વેસ્ટ ઇન્ડિઝના વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સેમ્યુઅલ્સ વેસ્ટ ઇન્ડિઝ માટે ૭૧ ટેસ્ટ, ૨૦૭ વન-ડે અને ૬૭ ટી૨૦ મેચ રમ્યો હતો.