૫૦ વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીનો લોકમેળો નહીં યોજાય

 • રાજ્યમાં કોરોનાને પગલે જિલ્લા કલેક્ટરની મહત્ત્વની જાહેરાત
 • સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનાના લોકમેળા નહિ યોજાય

  રાજકોટ,
  સૌરાષ્ટ્રભરના લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. જન્માષ્ટમી પર આ વર્ષે લોકમેળો નહિ યોજાય. ૫૦ વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ હોય છે. દર શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ૫ દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં ૫ દિવસમાં ૧૦ લાખ લોકો મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં ૧૦૦ જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા ૫ દિવસ જ્યારે ખાનગી મેળા ૨૦ દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
  સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના ૧૦૦ જેટલા મેળાનું આયોજન ન કરવા સરકાર દ્વારા છેલ્લાં કેટલાક દિવસોથી વિચારણા કરવામાં આવી રહી હતી. ત્યારે આ વર્ષે કોરોનાથી થતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન થતા મેળા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે. રાંધણ છઠ થી શરૂ થતાં ૫ દિવસીય આ લોક મેળામાં કુલ ૧૦ લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખી અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  દર વર્ષે રાજકોટના લોકમેળામાં ખાણી-પીણી તેમજ રમકડાં અને રાઇડ્સ મળી ૩૦૦ થી વધુ પ્લોટ્સની ફાળવણી કરવામાં આવતી હોય છે.
  જેમાં ખાણીપીણીના ૧૫ થી વધુ સ્ટોલ, આઈસ્ક્રીમના ૧૫ થી વધુ સ્ટોલ, રમકડાના ૨૦૦ થી વધુ સ્ટોલ તેમજ નાની મોટી ૫૦ જેટલી યાંત્રિક રાઈડ્સ અને ૪૦ થી વધુ ચકરડી સહિત ૩૦૦ થી વધુ પ્લોટ્સ ફાળવવામાં આવે છે. આ વર્ષે જો મેળાનું આયોજન નહિ થાય તો આ તમામની સાથે રસ્તા પર બેસી પાથરણા પાથરી રમકડાં વેચાણ કરતા હજારો લોકોની રોજીરોટી છીનવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, લોકમેળાની સાથે સાથે ખાનગી મેળાનું પણ આયોજન થતું હોય છે, જે પણ ૨૦ દિવસ સુધી ચાલુ હોય છે.