૫ રાજ્યોમાં રસીના સર્ટિફિકેટ પરથી વડાપ્રધાન મોદીના ફોટા હટાવવા આદેશ

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારને લઈને આકરૂ વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને જે રાજ્યોનાં ચૂંટણી યોજાવવાની છે ત્યાં કોરોનાની વેક્સીનના સર્ટિફિકેટમાંથી પીએમ મોદીની તસવીર હટાવવાનો આદેશ આપ્યો છે.

કેરળ, પુડુચેરી, અસમ, પશ્ર્ચિમ બંગાળ અને તમિળનાડુ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને જ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.

ચૂંટણી પંચે આ રાજ્યોમાંથી વેક્સીન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાનો આદેશ આપતા ચૂંટણી પંચે કહૃાું હતું કે, જે રાજ્યોમાં આચાર સંહિતા લાગુ છે ત્યાં પીએમ મોદીનો ફોટાનો ઉપયોગ ના કરી શકાય. તૃણમૂલ કોંગ્રેસે આ બાબતે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. આ મામલે સંજ્ઞાન લઈ ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ આપતા કહૃાું હતું કે, તે ચૂંટણીના નિયમોનું અક્ષરસ: પાલન કરે.

સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલવામાં આવેલા પત્રમાં ચૂંટણી પંચે આચાર સંહિતાની કેટલીક જોગવાઈઓનો હવાલો આપ્યો હતો. આ જોગવાઈ સરકારી ખર્ચે જાહેરાત પર પ્રતિબંધ મુકતી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચે કોઈ વ્યક્તિ કે હસ્તીનો હવાલો નથી આપ્યો પણ સ્વસ્થ્ય મંત્રાલયને કહૃાું છે કે, તે આચાર સંહિતાની જોગવાઈઓનું અક્ષરસહ પાલન કરે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્વાસ્થ્ય મંત્રાલયે સંભવત: હવે ફિલ્ટરનો ઉપયોગ કરવો જ પડશે જેથી કરીને પશ્ર્ચિમ બંગાળ, અસમ, તમિળનાડુ, કેરળ અને પુડુચેરીમાં કોરોના વેક્સીનના સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રીની તસવીર ના છપાય. સિસ્ટમમાં આ ફિલ્ટરને અપલોડ કરવામાં સમય લાગશે.

પશ્ર્ચિમ બંગાળમાં સત્તારૂઢ ટીએમસીએ ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો હતો કે, પશ્ર્ચિમ બંગાળ અને અન્ય રાજ્યો કે જ્યાં ચૂંટણી યોજાવવાની છે ત્યાં કો-વિન પ્લેટફોર્મ દ્વારા મળતા કોરોના વેક્સીનેશનના સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીનો ફોટો હોવો આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. પાર્ટટીની તસવીરને પ્રધાનમંત્રી દ્વારા સત્તાવાર દુરૂપયોગ ગણાવ્યો છે. આ પાંચેય ચૂંટણી રાજ્યોમાં ૨૬ ફેબ્રુઆરીથી આદર્શ આચાર સંહિતા અમલી બની છે.