૭૨૦ ઘન સે.મી.ની ગાંઠ સાથે જન્મેલા બાળકને સિવિલે નવજીવન આપ્યું

અમદાવાદ,તા.૨૯
૧૫મી ઓગસ્ટે અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા અમિના ખાતુનના ત્યાં એક બાળક જન્મ થયો હતો. સંપૂર્ણપણે સ્વસ્થ જન્મેલ બાળકને યકૃતમાં કંઇક તકલીફ હોવાના કારણે તેનું સ્તનપાન કરી શકવું ઘણું મુશ્કેલ બની રહૃાું હતું. પ્રિન્ટિંગ ઉદ્યોગમાં કામ કરીને રોજગારી રળતા આ બાળકના પિતા અફરોઝ આલમનું સમગ્ર પરિવાર ચિંતામય બની ગયું. ખાનગી હોસ્પિટલમાં બાળકની તકલીફના નિદૃાન અર્થે જતા ત્યાં એન્ટિનેટલ સ્કેનમાં યકૃતના ભાગમાં વિશાળકાય ફોલ્લો હોવાનું જણાઇ આવ્યું. જેની સર્જરી અતિ ખર્ચાળ હોવાથી આ ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. છેલ્લે તેઓને સિવિલ હોસ્પિટલના દ્વાર ખટખટાવીને આશાનું કિરણ જાગશે તેવી પ્રતિત થઇ અને તેઓ બાળકને લઇને સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. જ્યા સફળતાપૂર્વક સર્જરી બાદ બાળક નવું જીવન મળ્યું છે.
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા સોનોગ્રાફી અને પાછળથી સીટી સ્કેન કરવામાં આવતા ૭૨૦ ઘન સે.મી.ના કદૃની ગાંઠ હોવાનું જણાઇ આવ્યું. ત્રણ દિવસના નવજાત શિશુમાં ગંભીરતા વચ્ચે તેની સર્જરી કરવામાં ન આવે તો બાળકને ચયાપચનની ક્રિયાઓમાં તકલીફ પડવાની સંભાવના રહેતી હોય છે. યકૃતની સાથે, પિતાશય, હોજરી, આંતરડા પર દબાણ ઉદભવતા લાંબા સમયે કેન્સરની ગાંઠમાં પરિણમવાની શક્યતાઓ પણ પ્રબળ રહેલી હોય છે. આ તમામ સંભાવનાઓ વચ્ચે બાળરોગ સર્જરી વિભાગ દ્વારા નવજાત શિશુની શસ્ત્રક્રિયા કરીને આ ગાંઠ કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું.