૮ જાન્યુઆરીએ દેશના તમામ જિલ્લામાં બીજી વેક્સિન ડ્રાય રન યોજાશે

દેશમાં રસીકરણ શરૂ થતાં પહેલાં ૮ જાન્યુઆરીએ દેશના તમામ જિલ્લામાં દ્વિતીય વેક્સિન ડ્રાય રન યોજાશે.  હરિયાણા અને ઉત્તર પ્રદેશને બાદ કરતા સમગ્ર દેશમાં બીજી ટ્રાયલ યોજાશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રસીકરણ અંગેની તૈયારીઓનું ફરીથી સરવૈયું લેવા માટે આ ડ્રાય રન યોજવામાં આવશે. આ ઉપરાંત મંત્રાલયે એમ પણ જણાવ્યું કે, ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન દેશના તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે પણ રસીકરણ અંગે બેઠક કરશે. બીજી તરફ દેશમાં બુધવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના નવા ૧૮,૦૮૮ કેસ નોંધાતા અત્યારસુધીમાં સંક્રમિત થયેલા કુલ સંખ્યા ૧,૦૩,૭૪,૯૩૨ને આંબી ગઇ છે.

૨૪ કલાકમાં કુલ ૨૪૬ લોકોના મૃત્યુ નોંધાતાં દેશનો મૃત્યાંક વધીને ૧,૫૦,૧૧૪ થયો છે. કોરોનામાં સાજા થયેલા લોકોની સંખ્યા પણ એક કરોડને પાર પહોંચી ચૂકી છે. રીકવરી રેટ ૯૬.૩૬ ટકા નોંધાયો છે. મૃત્યુદર ૧.૪૫ ટકા છે. રીકવરી રેટ પર નજર નાખવામાં આવે તો વિશ્ર્વના ટોચના ૨૦ સંક્રમિત દેશોને મુકાબલે ભારતનો રીકવરી રેટ સૌથી ઉંચો છે. દેશના કેટલાક રાજ્યોમાં શાળાઓને મર્યાદિૃત રીતે શરૂ કરવા પ્રયાસ થઇ રહૃાા છે.

તે દરમિયાન કર્ણાટકમાં ૫૦ જેટલા શિક્ષકો પોઝિટવ માલુમ પડતાં સંખ્યાબંધ શાળાઓ ફરી બંધ થઇ છે. કર્ણાટકમાં ૧લી જાન્યુઆરીથી શાળાઓ ફરી શરૂ થયા પછી મંગળવારે શાળાઓના ૫૦ જેટલા શિક્ષકો પોઝિટિવ હોવાનું સામે આવતાં રાજ્યના શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો હતો. બેલાગાવી ખાતે ૨૨ શિક્ષકો પોઝિટિવ માલુમ પડતાં તેમને હોમક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે શિક્ષકોના કોરોના ટેસ્ટ થયા હતા. જેમને કોરોનાના લણ માલૂમ પડયા છે તેમને શાળાએ ના આવવા સૂચના આપવામાં આવી છે.