અધીર અને બહુ ઉતાવળા અધીરરંજનના શબ્દફેરથી ગાજેલી સંસદ હજુ ઠરી નથી?

ભારતમાં રાજકારણીઓ ક્યારે કાગનો વાઘ કરી નાંખે એ નક્કી નહીં. દેશ માટે, દેશનાં લોકો માટે બહું મહત્ત્વ ના કહેવાય એવા મુદ્દે એ લોકો કશું ના બોલે ને જેમાં દમ ના હોય એવા છૂંછા જેવા મુદ્દે આભ તૂટી પડ્યું હોય એવો હોબાળો કરી નાંખે. આ માનસિકતાનો તાજો નમૂનો કૉંગ્રેસના લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ બુધવારે સંસદ સંકુલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ‘રાષ્ટ્રપત્ની’ કહ્યાં એ મુદ્દે મચેલો હોબાળો છે. કૉંગ્રેસે સોનિયા ગાંધીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂછપરછના વિરોધમાં બુધવારે ઉગ્ર દેખાવો કર્યા હતા. એ વખતે કૉંગ્રેસના નેતા રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા. અધીર રંજનને પત્રકારોએ સવાલ કર્યો કે, તમે રાષ્ટ્રપતિ ભવન જઈ રહ્યાં હતા પણ જવા દેવામાં ન આવ્યા તો હવે શું કરશો?

અધીર રંજને જવાબ આપેલો કે, અમે ફરી પણ જવાનો પ્રયત્ન કરીશું કેમ કે ‘રાષ્ટ્રપત્ની’ દેશનાં બધાં લોકો માટે છે.
ભાજપે આ વાત પકડી લીધી અને સંસદમાં હોબાળો કરી દીધો. આ હોબાળા વચ્ચે અધીર રંજને ગુરૂવારે સંસદ બહાર સ્પષ્ટતા કરી કે, મારાથી ભૂલથી મુર્મૂને રાષ્ટ્રપત્ની કહેવાઈ ગયું છે અને એ માટે હવે તમે મને ફાંસી પર ચઢાવવા માંગતા હોવ તો ચઢાવી દો. ભાજપ કાગનો વાઘ કરી રહ્યો છે એવો આક્ષેપ કરીને ચૌધરીએ મુર્મૂને વ્યક્તિગતરીતે મળીને માફી માંગવાની જાહેરાત પણ કરી પણ ભાજપને એટલાથી સંતોષ નહોતો એટલે સંસદમાં ભાજપ તૂટી પડ્યો. લોકસભા અને રાજ્યસભામાં ભાજપના હોબાળાના કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહીને સ્થગિત કરવી પડી.

ભાજપ સાંસદોએ સંસદને માથે લીધી અને ‘સોનિયા માંફી માંગે’ એવા પોસ્ટર સાથે જોરદાર નારેબાજી કરી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હુંકાર કર્યો કે, સોનિયા ગાંધીએ માંફી માંગવી પડશે કેમ કે કૉંગ્રેસે રાષ્ટ્રપતિનું નહિ પણ દેશનું અપમાન કર્યું છે. કૉંગ્રેસે દરેક ભારતીયનું અપમાન કર્યું છે તેથી સોનિયા ગાંધીએ કૉંગ્રેસ તરફથી માંફી માંગવી જોઈએ. કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પત્રકારો સાથે વાત કરતી વખતે આ હોબાળા પહેલાં જ કહી દીધેલું કે, અધીર પહેલાં જ ભૂલનો સ્વીકાર કરી ચૂક્યા છે તેથી આ મુદ્દાને બાજુ પર મૂકવો જોઈએ પણ સ્મૃતિ સહિતનાં ભાજપ સાંસદોએ હોબાળો ચાલુ જ રાખ્યો. કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનું કહેવું હતું કે, અધીર રંજન ચૌધરીએ જે કંઈ કહ્યું એ એક ગ્રામેટિકલ ભૂલ છે અને તેમણે જાણી જોઈને કંઈ કહ્યું નથી.

ભાજપના નેતા આ વાત સ્વીકારવા તૈયાર નહોતા. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લાગલો આક્ષેપ જ કર્યો કે, અધીરની જીભ લપસી નથી પરંતુ ભારતના રાષ્ટ્રપતિનું અપમાન કરવા માટે જાણી જોઈને રાષ્ટ્રપત્નિ શબ્દો વાપર્યા છે. સ્મૃતિ ઈરાનીનો દાવો હતો કે, દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બન્યા ત્યારથી કૉંગ્રેસ તેમની મજાક ઉડાવી રહી છે. કૉંગ્રેસે તેમના માટે કઠપૂતળી, અશુભ અને અમંગળનું પ્રતિક જેવા શબ્દો વાપરીને તેમનું સતત અપમાન કર્યું છે. આ મુદ્દે ભાજપ-કૉંગ્રેસ વચ્ચે તુ તુ મૈં મૈં ચાલુ હતું ને હોબાળો ચાલી રહ્યો હતો ત્યારે હોબાળા દરમિયાન સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાનીની વચ્ચે બોલાચાલી થઈ ગઈ તેમાં પાછો નવો ડખો ઊભો થઈ ગયો. સ્મૃતિનો આક્ષેપ છે કે, સોનિયા ગાંધીએ પોતાને તોછડાઈથી એવું કહ્યું હતું કે મારી સાથે બોલવાની જરૂર નથી. કૉંગ્રેસ ગરીબ અને આદિવાસીઓની વિરોધી છે. પોતાની ભૂલ અંગે માંફી માંગવાની જગ્યાએ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. સામે કૉંગ્રેસનો આક્ષેપ છે કે, સ્મૃતિ સોનિયા ગાંધી સાથે તુમાખીથી વર્ત્યાં હતાં.

સ્મૃતિએ સોનિયાને અપશબ્દો બોલીને કહ્યું હતું કે, તમે મને હજુ ઓળખતાં નથી કે હું કોણ છું. કૉંગ્રેસનો દાવો છે કે, સોનિયા ભાજપનાં સાંસદ રમા દેવી સાથે વાત કરતાં હતાં ત્યારે સ્મૃતિ વચ્ચે કૂદી પડેલાં. સોનિયાએ તેમને શાંતિથી કહેલું કે, હું બીજાં સાંસદ સાથે વાત કરી રહી છું, તમારી સાથે નહીં. આ સાંભળીને સ્મૃતિએ તાડૂકીને સોનિયાને અપમાનજનક શબ્દો કહેલા ને પછી છાસિયું કરીને પોતે કોણ છે તેની ફિશિયારી મારેલી. આ મુદ્દે ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ વચ્ચે ઘમાસાણ જામ્યું છે. આ ઘમાસાણ ભારતના નેતાઓનું માનસિક અને બૌદ્ધિક સ્તર શું છે એ બતાવે છે. આ ડખાની શરૂઆત ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ‘રાષ્ટ્રપત્ની’ કહ્યાં તેના કારણે થઈ છે તેથી ચૌધરી તેના માટે જવાબદાર કહેવાય. ચૌધરીએ એ માટે માફી માંગવી જોઈએ પણ તેના બદલે એ અકડુ બનીને બેસી ગયા છે. ચૌધરીએ એવા શબ્દો પણ વાપર્યા કે, હું દ્રૌપદી મુર્મૂને વ્યક્તિગતરીતે મળીને માફી માંગીશ પણ ભાજપના પાખંડીઓની માફી નહીં જ માગું.

આ વલણ આઘાતજનક કહેવાય. અધીરે જાણી જોઈને કે અજાણતાં, ભૂલ કરી છે તેમાં શંકા નથી. આ ભૂલ માટે સંસદમાં ઊભા રહીને માફી માગવામાં તેમને શું શરમ આવે છે એ જ સમજાતું નથી. સંસદ દેશના જનપ્રતિનિધીઓની સભા છે ને દેશની લોકશાહીમાં સર્વોચ્ચ સંસ્થા છે. તેમાં ઊભા રહીને માફીનાં ચાર વાક્ય બોલવાથી અધીર રંજન નાના બાપના થઈ જવાના નથી. ચૌધરી એવો બકવાસ કરી રહ્યા છે કે, પોતે દ્રૌપદી મુર્મૂને વ્યક્તિગતરીતે મળીને માફી માગશે. અધીરે રાષ્ટ્રપત્નિ શબ્દ વાપરીને બંધારણીય હોદ્દાનું અપમાન કર્યું છે એ જોતાં તેમણે વ્યક્તિગત નહીં પણ સંસદમા જ માફી માગીને આ વિવાદનો નિવેડો લાવી દેવો જોઈએ.

ભાજપ પણ આ મુદ્દે ખોટો છે ને સોનિયા માફી માગે એવી વાહિયાત વાત કરીને હલકી માનસિકતાનું પ્રદર્શન કરી રહ્યો છે. સોનિયાએ મુર્મૂ માટે ખરાબ શબ્દો વાપર્યા નથી તો એ શું કરવા માફી માગે? સોનિયાએ અધીરને માફી માંગવા કહેવું જોઈએ ને અધીર માફી ના માગે તો પગલાં લેવાં જોઈએ પણ સોનિયા જ માફી માગે એવો આગ્રહ ખોટો છે.સ્મૃતિ અને સોનિયા વચ્ચેના ડખાની તો વાત કરવામાં પણ ઔચિત્ય નથી. જેમાં દમ નથી એવી વાતને અહ્મનો મુદ્દો બનાવીને તેણે મને આમ કહ્યું ને તેમ કહ્યું એવી વાતો કરનારાં વિશે શું કહેવું?