ઈરાની કપમાં મયંકને માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો

ભારતીય ટીમના ઓપનર અને ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા તરફથી રમી રહેલા મયંક અગ્રવાલને રવિવારે મેચ દરમિયાન માથામાં ઈજા થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મયંકને સૌરાષ્ટ્રની બીજી ઈનિંગ શરૂ થાય તે અગાઉ માથામાં ઈજા થઈ હતી. તેમની ટીમ ફિલ્ડિંગ માટે મેદાનમાં આવી રહી હતી ત્યારે કોઈ ફિલ્ડરે બોલ થ્રો કર્યો હતો અને તે સીધો તેના માથામાં વાગ્યો હતો. મયંકને માથા પર બોલ વાગતા તેને હોસ્પિટલ વધુ તપાસ માટે લઈ જવાયો હતો. સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ તેની ઈજા ગંભીર પ્રકારની નહતી પરંતુ તેમ છતાં તકેદારીના ભાગરૂપે તેને સ્કેનિંગ કરાવવા હોસ્પિટલ ખસેડાયો હતો. તેનો રિપોર્ટ નોર્મલ હોવાનું જણાયું છે અને સદનસીબે મગજમાં અંદરના ભાગે કોઈ ઈજા થઈ નથી. રેસ્ટ ઓફ ઈન્ડિયાના મયંક અગ્રવાલે પ્રથમ ઈિંનગમાં ૧૧ રન કર્યા હતા. સૌરાષ્ટ્ર સામે આરઓઆઈએ ૩૭૪ રન કર્યા હતા. ચેતન સાકરિયાએ પાંચ વિકેટ ઝડપી હતી. સરફરાઝ ખાને ૧૩૮ રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન હનુમા વિહારીએ ૮૨ રન કર્યા હતા. સૌરાષ્ટ્ર પ્રથમ ઈનિંગમાં ૯૮ રન કરીને આઉટ થયું હતું. મુકેશ કુમારે ચાર વિકેટ જ્યારે કુલદીપ સેન અને ઉમરાન મલિકે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્રે બીજી ઈનિંગમાં બે વિકેટે ૪૯ રન કર્યા છે અને ચિરાગ જાની (૩*) તથા ધર્મેન્દ્રિંસહ (૮*) રમતમાં છે.