ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા જ ખુદ રાજકીય પક્ષો માટે અઘરો વ્યાયામ છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કેન્દ્રના શિક્ષણ મંત્રાલયનો પીજીઆઈ રિપોર્ટ સામે આવ્યો છે. વર્ષ ર૦ર૦-ર૧ નો દેશના તમામ રાજ્યોનો પરફોર્મન્સ ગ્રેડીંગ રિપોર્ટ આવ્યો છે, જેમાં ગુજરાતે વર્ષ ર૦૧૭ ની તુલનામાં શૈક્ષણિક ગ્રોથ તો જાળવી રાખ્યો છે, પરંતુ કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ અને ચંદીગઢ જેવા રાજ્યોએ વિવિધ માપદંડોમાં સ્કોર વધારતા ગુજરાત અને રાજસ્થાન પાંચમા ક્રમે રહ્યા છે. જો કે, ગુજરાત વર્ષ-ર૦૧૭-૧૮ ની સરખામણીમાં ગુજરાતનો સ્કોર વધ્યો હોવા છતાં વર્ષ-ર૦ર૦-ર૧ માં થોડું પાછળ ધકેલાઈને પાંચમાં ક્રમે રહ્યું છે.

પરંતુ રાજસ્થાને વર્ષ ર૦૧૭ની સરખામણીમાં આગેકૂચ કરી છે. આ રિપોર્ટના વિવિધ અર્થઘટનો સાથે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાઓને મુલવવામાં આવી રહી છે. પોતાના શિક્ષણ મોડલને દેશભરમાં શ્રેષ્ઠ ગણાવતા રાજ્યો ટોપ-ફાઈવમાં ચાર વર્ષ પહેલા પણ નહોતા અને વર્ષ ર૦ર૦-ર૧ માં પણ નહોતા, તેથી વર્તમાન સમયમાં દેશના રાજ્યોની શૈક્ષણિક સ્થિતિ જાણવા હવે વર્ષ ર૦રર-ર૩ નો પીજીઆર જાહેર થાય, તેની જ રાહ જોવી રહી. આ રિપોર્ટના તારણો અને અર્થઘટનો હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પડઘાશે તેમ જણાય છે.

બીજી તરફ ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલી રહેલા ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી માટે બે ઘોડા પર સવાર થવા જેવો ઘાટ સર્જાયો છે, અને ‘આપ’માટે કદાચ આ સ્થિતિ પડકારરૃપ થવા જઈ રહી હોય તેમ જણાય છે. દિલ્હીમાં ત્રણ એમસીડી (મ્યુનિસિપલ કોર્પોરેશન) હતા, તેના એકકીરણ પછી પૂર્વવત એક જ વિરાટ મ્યુનિ. કોર્પોરેશન બન્યું છે અને આ નવરચિત એમસીડીની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે, તેથી એક જુની કહેવત મુજબ ‘હવેલી લેવા જતા ગુજરાત ખોવા’ નો વારો હવે કોનો આવે છે, તે જોવાનું રહ્યું.

ગઈકાલે આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રીપદ માટે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરતાં જ તેના પ્રત્યાઘાતો પડ્યા અને પુનઃ પક્ષપલટા, રિસામણાં, મનામણાંનો દોર શરૃ થઈ ગયો. રાજકોટના એક દિગ્ગજ નેતા તો આમ આદમી પાર્ટીને ટૂંકા સમયમાં જ છોડીને પુનઃ કોંગ્રેસમાં જોડાયા હોવાના અહેવાલોએ હલચલ મચાવી દીધી, જ્યારે કેટલાક અન્ય મહત્વાકાંક્ષી નેતાઓના હાવભાવ પણ બદલાઈ રહેલા જણાય, તો બીજી તરફ કોંગ્રેસે ગઈકાલે ૪૩ ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી પણ તેના પ્રત્યાઘાતો પડવા લાગ્યા, અને જ્ઞાતિના સમીકરણો તથા ઉમેદવારોની ક્ષમતા વગેરેના સમીકરણોને ધ્યાને લેવામાં આવ્યા હોવા છતાં કેટલાક સ્થળે કેટલોક અસંતોષ ઊભો થશે તેવી હિલચાલ જણાયા. જામનગર અને રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી તથા પરિમલભાઈની તાજેતરની રાજકીય પાર્ટીઓને ઉદ્ેશીને અપાયેલી સલાહ પછી હવે ભાજપ આ બેઠકો પર કોંગ્રેસ અને આપની સામે કોને ઉતારશે, તેની રસપ્રદ ચર્ચા પણ થવા લાગી હતી. તે પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે.

કોંગ્રેસે ૪૩ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી અને આમ આદમી પાર્ટીએ પણ તબક્કાવાર મોટાભાગની બેઠકો માટે ઉમેદવારો નક્કી કરી લીધા છે, તો બીજી તરફ ભાજપની સેન્સપ્રક્રિયા અને પેનલો હાઈકમાન્ડને મોકલાયા પછી હવે કોને કોને ટિકિટ મળશે, તેની ઉત્કંઠા વધી રહી છે. જો કે, આજે આ આતુરતાનો અંત આવી જશે. તેવી અટકળો થઈ રહી છે, એક વખતે ભાજપના દિગ્ગજ નેતા ગણાતા વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપ સાથે છેડો ફાડ્યો હોવાની ચર્ચા પછી ઉત્તર ગુજરાતમાં થનારી અસરો અંગે અટકળો થઈ રહી છે.

કોંગ્રેસે ગઈકાલે જાહેર કરેલી ૪૩ ઉમેદવારોની યાદી એવી બેઠકોની છે, જ્યાં મોટાભાગે અત્યારે કોંગ્રેસના ધારાસભ્યો નથી. આ યાદીમાં ઘણાં જુના અને પીઢ નેતાઓને તક અપાઈ છે, તો કેટલાક નવા અને યુવાન ચહેરાઓ પણ સમાવાયા છે. ગઈકાલની ૪૩ બેઠકોના ઉમેદવારો જાહેર થયા પછી તેના પ્રત્યાઘાતો પણ સામે આવવા લાગ્યા હતાં, અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો પૈકી કેટલા રિપિટ કરાશે અને કોની કોની ટિકિટ કપાશે તેની અટકળો પણ થવા લાગી હતી.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં એન્ટી-ઈન્કમ્બન્સીનો લાભ લઈને તથા દિલ્હીનું મોડલ આગળ ધરીને ચૂંટણીઓ જીતવા લોક-લુભાવન વાયદાઓ કરી રહી છે, અને મુખ્યમંત્રી પદનો ગુજરાતી ચહેરો જાહેર કરીને પંજાબ ફેઈમ વિજય મેળવીને ગુજરાતમાં સત્તાપ્રાપ્તિનો દાવો કરી રહી છે, પરંતુ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર થયા પછી રાજયકક્ષાએ અગ્રીમ હરોળમાં પ્રદેશ સંગઠનના નેતાઓમાં સંભવિત નારાજગી તેમજ ગુજરાતના મતદારોનું અકળ વલણ ‘આપ’ ની રાષ્ટ્રીય નેતાગીરી માટે પડકારરૃપ જણાય છે, તો બીજી તરફ ‘આપ’ કિંગ બનશે કે કિંગ મેકર બનશે, અને કોને ફાયદો કે નુકસાન કરશે, તેની ચર્ચા પણ થઈ રહી છે.

આ વખતે ચૂંટણી પ્રક્રિયા એટલી ઝડપથી થઈ રહી છે કે હવે પોલિટિકલ પાર્ટીઓને ઝડપભેર નિર્ણયો લેવા પડી રહ્યા છે અને ચૂંટણીલક્ષી રણનીતિઓ બદલવી પણ પડી રહી છે. કોંગ્રેસ પછી હવે ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ બન્ને રાષ્ટ્રીય પક્ષોમાં પણ કયાં કયાં અને કેટલા પ્રમાણમાં નારાજગી દેખાય છે, અને રિસામણાં-મનામણાં પછી અંતિમ ચોકઠા કેવા ગોઠવાય છે, તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી રહેવાની છે.

ગુજરાતમાં અત્યારે રાજ્યવ્યાપી ચર્ચા એવી છે કે આમ આદમી પાર્ટી દ્વારા આ વખતે જોરશોરથી પ્રચાર ઝુંબેશ સાથે અપાઈ રહેલા પડકાર પછી ભાજપ અને કોંગ્રેસ પર તેની કેવી અને કેટલી અસરો પડશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હોવાની દાવો કરીને ગુજરાતમાં ‘આપ’ ના શાસનનો દાવો કરી રહી છે, તો ભાજપ ૧પ૦ પ્લસ બેઠકો મેળવવાનો દાવો કરે છે. આ સંજોગોમાં કોંગ્રેસ આ વખતે કાંઈક અલગ જ રણનીતિ સાથે ભાજપના શાસન સામે મક્કમ લડત આપીને પુનઃ સત્તાપ્રાપ્તિનો વ્યૂહ અપનાવી રહી હોય તેમ જણાય છે. હવે તમામ ઉમેદવારો જાહેર થયા પછી જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે, તેમ જણાય છે.