કુંડલાનાં 10 ગામોમાં ડુંગળીના પાકનો સોથ બોલ્યો

અમરેલી,
કમોસમી વરસાદે ઠેર ઠેર નુકશાની વેરી છે તે મીઠુ પકવતા આગરીયા હોય કે માછલી પકડતા માછીમારો હોય તેનાથી લઇ ઘઉ, ધાણા, ચણા, જીરૂ જેવા પાકોને ભયંકર નુકશાન થયુ છે અને આ નુકશાનીને પગલે સરકારી તંત્ર દ્વારા બે વખત સર્વેના આદેશ પણ થયા છે અને સર્વે શરૂ પણ થયો છે પણ આ સર્વે વચ્ચે ગઇ કાલે ગુરૂવારે સાંજે સાવરકુંડલાના દસેક ગામડાઓ કે જે ડુંગળીઓના પાક માટે વખણાય છે ત્યાં માવઠાએ તારાજી વેરી હતી.
સાવરકુંડલા માર્કેટયાર્ડ અને સંઘના ડાયરેક્ટર શ્રી ધીરૂભાઇ વોરાએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ કે ગુરૂવારે બપોર બાદ હાડીડા, વિજપડી, દાધીયા, ચીખલી, ઘાંડલા, નવાગામ જાંબુડા, મઢડા, મોદા વિસ્તારમાં ડુંગળીનું સૌથી વધ્ાુ વાવેતર થાય છે આ વિસ્તારમાં ખાબકેલા પાંચ ઇંચ ઉપરાંતના વરસાદના કારણે ખેતરોમાં તળાવ ભરાઇ ગયા હતા અને ડુંગળીના પાથરાઓ તણાયા હતા જોગાનુ જોગે અહીં સર્વે ચાલુ હતો ત્યારે જ આ વરસાદ પડયો હતો આ વરસાદ માત્ર દસેક ગામ પુરતો જ હતો.