જેલમાંથી મુક્ત થયેલા બિકિની કિલર ચાર્લ્સ શોભરાજની જિંદગીની ઝલક

બિકીની કિલર’ ચાર્લ્સ શોભરાજ ચુંબકીય વ્યક્તિત્વ સાથે અવતર્યો છે. જીવનના દરેક તબ્બકે તેને અઢળક નામના મળી છે. આમ તો ચાર્લ્સ કાળકોટડીમાં રહેવા નહિ પરંતુ કોટડી તોડવા માટે કુખ્યાત છે. ચાર્લ્સ છે કોણ? માનુનીઓને મોતને ઘાટ ઉતારનાર હત્યારો, ચોર, લૂંટારુ અને હવે તો વૃદ્ધાવસ્થામાં છાનગપતિયાં કરતો વિકૃત વૃદ્ધ. છતાં સમૂહ માધ્યમોએ તેને એટલો પ્રખ્યાત કરી દીધો કે તેના નિર્માલ્ય જીવન પર પુસ્તક, ફિલ્મ અને બે વેબ સિરીઝ બની ગઈ. ભારતની જેલમાંથી ૩ વખત ફરાર થયા બાદ નેપાળમાં ચાર્લ્સને ચૈતન્ય મળ્યું. તેના વિશે વિશ્વભરના મીડિયાએ ભરી ભરીને લખ્યું પરંતુ તેનો અપરાધ કેટલો ગંભીર છે તેનું ગાંભીર્ય અહેવાલમાં પ્રદર્શિત ન થયું.

એ પણ ત્યાં સુધી કે જ્યારે નેપાળ સરકારે સજા ઓછી કરીને તેને જેલમુક્ત કર્યો ત્યારે પણ ભારતની નામાંકિત ચેનલોમાં ધ શેડો ઓફ કોબરા, ધ સર્પેન્ટ, ધ સર્પન્સ, સ્પિક્સ, વિટનેસ, બિકીની કીલર, કૌન હૈ શોભરાજ, અબ ચાર્લ્સ ક્યા કરેગા? સહિતના ડોકયુડ્રામા રજૂ કરવામાં આવ્યા અને હજુ ચેનલ તેના પર પ્રાઇમ ટાઈમનો શો રજૂ કરે છે. તો શું ચાર્લ્સ વિશ્વનો એકલો વિકૃત હત્યારો હતો? તેના જ જીવનમાં ગુનાખોરીની ભ્રષ્ટતા, કુત્સિતતા અને રોમાંચ છે? ચાર્લ્સ ચંબલના ડાકુઓ અને સોરઠી બહારવટિયાઓથી લઈને દાઉદ ઇબ્રાહીમ અને ઓસામા બિન લાદેન જેવા ભયંકર અપરાધીઓ કરતા પણ ખૂંખાર છે? તેના જીવનને આ હદે ગ્લેમરાઇઝ કરવાનો શું અર્થ છે? આ કળિયુગની તાસીર છે જ્યાં અપરાધીઓને ‘સેલિબ્રિટી સ્ટેટસ’ મળી જાય છે અને સત્યનો સાથ આપનાર એકલો પડી જાય છે. નેપાળની જેલમાથી તો ચાર્લ્સ મુક્ત થઇ ગયો અને હવે તેને ફ્રાંસની જેલમાં ખસેડવાની તજવીજ ચાલે છે, પરંતુ ચાર્લ્સનો ઘૃણાસ્પદ આત્મા ક્યારે કેદ થશે? ના. અહી ભૂતપ્રેતની વાત નથી. એ બિહામણા સત્યની રજૂઆત છે જેનાથી વિશ્વ અજાણ છે.

છેલ્લા ૩ સપ્તાહમાં શ્રધ્ધા, આરાધના, આયુષી સહિતની એક ડઝન યુવતીઓની નિર્મમ હત્યાની હૃદયદ્રાવક કથાઓ સામે આવી. દરેક આરોપીનું એક જ રટણ ‘દ્રશ્યમ ફિલ્મ પરથી પ્રેરણા લીધી’ એટલે શું દ્રશ્યમમાં વિકૃત હત્યાઓની તાલીમ આપવામાં આવી છે? એ તો સદંતર કાલ્પનિક કથાનક છે. છતાં પોલીસના સવાલોથી છટકવા અપરાધી આવું નિવેદન આપે, મીડિયામાં ફિલ્મ ચમકે, લોકો ટીકા કરે અને આ બનાવને વીસરી જાય. પરંતુ ચાર્લ્સ તો આ જ મોડેસ ઓપરેન્ડીથી હત્યા કરતો હતો. એ તરફ કોઈનું ધ્યાન ન ગયું? ચાર્લ્સ મૃતદેહને ફ્રિઝમાં સાચવી રાખતો, લાશ સાથે લાલિત્ય પૂર્ણ વાતો કરતો એવી કબૂલાત ખુદ તેણે મીડિયા સમક્ષ કરી છે. આશ્ચર્યની વાત છે કે આજના હત્યારોઓ આ જ પ્રકારે હત્યા કરી રહ્યા છે. તો તેને ચાર્લ્સનો ચેપ કઈ રીતે લાગ્યો?

ભારતમાં પોલીસ તપાસ દરમિયાન ચાર્લ્સના મનોવિકૃત મગજનો અભ્યાસ કરવા એક લેડી પોલીસને તિહાર જેલમાં મોકલવામાં આવી હતી. નિર્લેપ ભાવે પોલીસે તેની સાથે વાતચીત કરી ત્યારે ફલિત થયું કે ચાર્લ્સ સેડેસ્ટિક પ્લેઝર ધરાવતો હતો. અપરાધ આચરવામાં તો તેને ખાસ રસ ન હતો. પરંતુ સુંદરીઓ સાથે દેહસુખ માણતી વેળાએ યુવતીઓ સાથે વિકૃત રમત રમવામાં સુખ અનુભવતો હતો. મેરી નામની પેરિસની એક યુવતી સાથે ચાર્લ્સએ પ્રેમલગ્ન કર્યા. પોલીસની નજરથી બચવા ચાર્લ્સ એશિયામાં ઘૂસવા માગતો હતો એટલે પ્રેગ્નન્ટ પત્ની સાથે યુરોપના પૂર્વીય દેશોમાં રખડપટ્ટી કરતો. બન્ટી અને બબલીની આ જોડી બીજા ટૂરિસ્ટો સાથે દોસ્તી કરતી. ચાર્લ્સ કયારેક ઇઝરાયલી સ્કોલર બની જતો, કયારેક લેબનીઝ વેપારી તો કયાંક બીજો કંઈક.

સહપ્રવાસીઓને ભરોસો બેસે એટલે લાગ જોઈને એમના પાસપોર્ટ અને માલમતા લૂંટી લેતાં. નકલી પાસપોર્ટના આધારે ફરી પ્રવાસ પર નીકળી પડતાં. લૂંટ અને છતરપિંડી એક વસ્તુ છે, હત્યા તદ્દન જુદી બાબત છે. ચાર્લ્સે હત્યાકાંડનો સિલસિલો શરૂ કર્યો ત્યારે પોર્નોગ્રાફી નિહાળીને યુવતીઓની હત્યા કરવા નીકળતો તેવું ખુદ પોલીસે પોતાની ચાર્જશીટમાં ફાઇલ કર્યું છે. ૭૦-૮૦ના દાયકામાં અશ્લીલ ફિલ્મો સરળતાથી ઉપલબ્ધ ન થતી અને મળે તો કેસેટ. જેને નિહળવા માટે અલાયદું વીસીઆર જોઈએ. ચાર્લ્સ દરેક ચીજો વસાવીને રાખતો હતો.

આજે સ્માર્ટફોનના બ્રાઉઝર પર સરળતાથી મળતી પોર્નોગ્રાફી અને ઓટીટી પ્લેટફોર્મ પર સેક્સ પીરસતી વેબ સિરીઝે નવરાં લોકોના મન પર કબજો જમાવેલો છે. આવા લોકોના મન પર સેક્સનું ફેન્ટસી કવર ચઢેલું છે. આ બધા ચાર્લ્સના જ માનસ પુત્રો છે. ટાઉન લેવલના ઔદ્યોગિક વિસ્તારોમાં નાના થિયેટરોમાં પોર્નોગ્રાફી ફિલ્મો બતાવાય છે. પરપ્રાંતના લોકો તે જોવા ઉમટે છે અને પછી બળાત્કારના વિચારોમાં ખોવાઇ જાય છે. તેમની નજર એકલ દોકલ યુવતીઓને શોધતી હોય છે. ગભરૂ છોકરીઓને તે જાળમાં ફસાવે છે અને પોતાનું ઘાર્યું કરતા હોય છે. યુવતીઓને ફસાવીને તેને પરેશાન કરવાને બહાદુરી સમજતો એક વર્ગ સૌની વચ્ચે રહે છે પરંતુ કોઇ તેને ઓળખી શકતું નથી. આવા લોકો પોતાના મનસૂબામાં સફળ થવા માટે જાળ બિછાવતા હોય છે અને જેમ જાળમાં પક્ષીઓ ફસાઇ જાય છે એમ ભોળી યુવતીઓ ફસાઇ જાય છે.

સામુહિક બળાત્કારની ઘટનાઓ અટકાવવાના ઉકેલ આસાન નથી. એકલ દોકલ યુવતી દેખાઇ નથી કે બળાત્કારીઓ માનવમાંથી પશુ બની જાય છે. યુવતીનો દેહ અભડાવ્યા બાદ યુવતી ફરિયાદ ન કરે એટલે તેની હત્યા પણ ચાર્લ્સની વિકૃત પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે. આ બળાત્કારીઓ નર રાક્ષસ બનતા જાય છે. પોતે જે શરીરને ભોગવ્યું હોય તેના ટુકડા કરનારાઓને કઇ કેટેગરીમાં મુકવા? ૧૦ પિશાચો ભેગા મળીને એક યુવતી પર બળાત્કાર ગુજારીને ભાગી જાય છે. તેમના મનમાં અબળા પર બળજબરી કરવાનો આનંદ હોય છે તો અસરગ્રસ્ત યુવતી માટે આભ તૂટી પડયા જેટલું દુખ હોય છે. એનિમલ લાઇફની ચેનલમાં જેમ બકરાની ઉપર ચાર સિંહો તૂટી પડે અને બકરાના જે હાલ થાય તેવા હાલ બળાત્કારીઓ વચ્ચે ફસાયેલી છોકરીના થાય છે. ગામડામાં બળાત્કારની ફરિયાદો ઓછી થાય છે જ્યારે ટાઉન લેવલે તે વધુ જોવા મળે છે. બળાત્કારની ઘટના પછી તેની ફરિયાદ ન થાય અને ઘરમેળે સમાધાન થઇ જાય તે માટે પ્રયાસો કરાતા હોય છે. જો સમાધાન કરવા અસરગ્રસ્ત કુટુંબ તૈયાર ન થાય તો તેને મારી નાખવાની ધમકીઓ શરૂ થાય છે. અસરગ્રસ્તને થોડા પૈસા આપીને ઘટનાનું પિલ્લું વાળી દેવામાં આવ્યું હોય એવા અનેક કિસ્સાઓ છે.

બહુચર્ચિત નિર્ભયા હત્યાકાંડ કેસ વખતે જોવા મળેલી જાગૃતિ થોડા સમય પછી ભૂલાઇ ગઇ હતી. નિર્ભયાના મમ્મી આશાદેવી વારંવાર કહેતાં આવ્યાં છે કે બળાત્કારની ઘટનાઓ બે દિવસ સુધી સંવેદના ઊભી કરી શકે છે પછી લોકો ભૂલી જાય છે. નિર્ભયાના કેસમાં જાગૃતિ જોવા મળી હતી. કેન્ડલ માર્ચ વગેરેથી લોકોનું ધ્યાન ખેંચવામાં આવ્યું હતું. પરંતુ બળાત્કાર જેવી ગંભીર બાબતો પણ લોકો ભૂલી જતા હોય છે. તેમના શબ્દો યથાર્થ થઇ રહ્યા છે. સોશીયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવાથી બળાત્કાર કે મનોવિકૃતી અટકી નથી જવાની પરંતુ તેનો વિચાર કરે કોણ? દુ:ખની વાત છે લોકો આ બધુ જાણે છે છતાં આવા વિષમકાળમાં પરિવર્તન લાવવા તૈયાર નથી. મીડિયા ચાર્લ્સ શોભરાજના વિસ્મયકારી વ્યક્તિત્વને રજૂ કરવામાં વ્યસ્ત છે અને સમાજ તદન અસ્ત-વ્યસ્ત છે. આજે ચાર્લ્સ મુક્તપણે વિહરી રહ્યો છે કદાચ થોડા દિવસમાં ફ્રાંસની જેલમાં કેદ પણ થઈ જાય પરંતુ તેની સેડેસ્ટિક પ્લેઝર કોરોનાની જેમ ભારતમાં ફેલાઈ ગઇ છે. તેનો આવો વિકૃત આત્મા ક્યારે કેદ થશે?