દિલીપ સંઘાણી ભાજપમાં જેમને લાવ્યા છે તે રાઠવાનો જબરો દબદબો છે

ભાજપના પાયામાં રહેલા દિગ્ગજ આગેવાન દિલીપ સંઘાણીએ કાઠીયાવાડથી દુર દુર છોટા ઉદેપુરમાં જબરદસ્ત ઓપરેશન કરી કોંગ્રેસના મહારથીને ભાજપમાં લાવવામાં સફળતા મેળવી છે પણ આ મોહનસિંહ રાઠવા કોણ છે તેની સૌરાષ્ટ્રને ઓછી ખબર છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બચ્યા છે અને ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યાં કોંગ્રેસને બહુ મોટો આંચકો મળી ગયો. ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત વિધાનસભામાં સતત 10 ટર્મ સુધી ધારાસભ્ય રહેલા છોટાઉદેપુર બેઠકના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને કાયમ માટે રામ રામ કરી દીધા. મોહનસિંહ રાઠવાએ એકાએક કોંગ્રેસને અલવિદા કરી ભાજપની ટોપી પહેરીને સૌને હતપ્રભ કરી નાંખ્યા છે.
રાઠવાએ કોંગ્રેસીઓને તો આંચકો આપ્યો જ છે પણ રાજકારણની સામાન્ય સમજ ધરાવતા લોકોને પણ આંચકો આપી દીધો છે કેમ કે છેલ્લાં પાંચ દાયકાથી વિધાનસભામાં ચૂંટાતા મોહનસિંહ રાઠવા કોંગ્રેસ છોડશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. 1972થી સતત 11 ટર્મ સુધી ચૂંટણી લડીને 10 વખત જીતનારા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસનો અત્યંત ખરાબ સમય પણ જોયો. છેલ્લાં 27 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં જીતતી નથી એ જોતાં રાઠવા બહુ પહેલાં કોંગ્રેસ છોડીને જઈ શક્યા હોત પણ તેમણે કોંગ્રેસમાં જ રહેવાનું પસંદ કર્યું. તેના કારણે મોહનસિંહ કોંગ્રેસમાંથી જાય એવું કોઈ વિચારી પણ નહોતું શકતું તેથી આ નિર્ણય ચોંકાવનારો છે જ.
જો કે રાઠવાની વિદાય અંગે એક વાત યાદ રાખવા જેવી છે. મોટા ભાગનાં લોકો માને છે કે, રાઠવા ચુસ્ત કોંગ્રેસી છે પણ આ માન્યતા ખોટી છે. રાઠવા કોંગ્રેસી તો બહુ પછી બન્યા. તેમણે રાજકીય કારકિર્દી સંસ્થા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે શરૂ કરેલી ને પછી જનતા પાર્ટીમાં ગયા હતા. જનતા પાર્ટી જનતા દળમાં ભળી પછી જનતા દળમાં ગયા ને જનતા દળનું કોંગ્રેસમાં વિલીનીકરણ થઈ જતાં કોંગ્રેસમાં આવ્યા.
મોહનસિંહના આગમનથી ભાજપની આદિવાસી પટ્ટામાં તાકાત વધી છે તેમાં બેમત નથી કેમ કે મોહનસિંહ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે. મોહનસિંહની રાજકીય કારકિર્દી સાડા પાંચ દાયકા જૂની છે. 1965ની સાલમાં સટુન જૂથ ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં વિજય મેળવીને પોતાની ઝળહળતી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા મોહનસિંહે પંચમહાલ જીલ્લામાં સર્વોદય યોજનાના કાર્યકર તરીકે કામ કરેલું. સર્વોદય યોજના અંતર્ગત ગામડે ગામડે ફરીને મફત સાંકળ, મફત કૂવા બનાવી આપવાનું કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી. મોહનસિંહે સિંચાઈને લગતા ચામડાના કોસ પણ મફતમાં આપ્યા હતા. આ વિસ્તારમાં સહકારી પ્રવૃત્તિનો પાયો પણ મોહનસિંહ નાંખેલો.મોહનસિંહ 1972માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાવી જેતપુર બેઠક પર લડ્યા હતા ને જીત્યા હતા. 1974ના નવનિર્માણ આંદોલન પછી 1975માં ફરી વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે કિસાન મઝદૂર લોક પક્ષ (કીમલોપ)ની સ્થાપના કરી હતી. ચીમનભાઈ પટેલ જેતપુર વિધાનસભા મત વિસ્તારમાંથી સંસ્થા કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા સામે લડ્યા હતા. આ ચૂંટણીમાં મોહનસિંહ રાઠવાએ ચીમનભાઈ પટેલને પચીસ હજાર જેટલા જંગી મતોથી હરાવીને હાહાકાર મચાવી દીધો હતો. મોહનસિંહના આ પરાક્રમના કારણે બાબુભાઇ જશભાઈ પટેલની સરકારમાં મોહનસિંહ રાઠવાને કેબિનેટ કક્ષાના મત્સ્યોધ્યોગ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. રાઠવાએ એ પછી પાછું વળીને જોયું નથી. રાઠવા 2002માં હિંદુત્વની લહેર વખતે હાર્યા હતા પણ પછી ભવ્ય પુનરાગમન કરીને ત્રણ વાર જીત્યા છે.
મોહનસિંહ રાઠવા 1995થી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા છે. 2002માં ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા બાદ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના નવાસવા વેચાત બારીયાની સામે હારી ગયા હતા. એ વખતે મોહનસિંહે 30 વર્ષ બાદ પહેલી વખત વિધાનસભામાં હારનો સ્વાદ ચાખ્યો હતો પણ 2007માં ફરીથી કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે જીત્યા.મોહનસિંહ રાઠવા ખર્યું પાન છે એવું ઘણ માને છે પણ તેમની લાંબી રાજકીય કારકિર્દી જોતાં ભાજપને ફાયદો કરાવશે તેમાં શંકા નથી. કોંગ્રેસને તો તેમની વિદાયથી નુકસાન છે જ એ કહેવાની જરૂર નથી. કમનસીબે કોંગ્રેસને આ વાત સમજાતી નથી તેથી જ એક પછી એક નેતા જઈ રહ્યા છે.