પ્રથમ વન-ડેમાં ઇંગ્લેન્ડે આયર્લેન્ડને ૬ વિકેટે હરાવ્યું

સાઉધમ્પ્ટનના રોઝ બાઉલ ખાતે રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડે ગુરુવારે આયર્લેન્ડને ૬ વિકેટે હરાવ્યું હતું. ડેવિડ વિલી આ વિજયનો હીરો રહૃાો હતો. તેણે ૮.૪ ઓવરમાં ૩૦ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. આ વિજય સાથે ઇંગ્લેન્ડે ૨૦૧૬થી સાઉધમ્પ્ટનમાં એકેય મેચ નહી હારવાનો સિલસિલો જાળવી રાખ્યો હતો. આ ઉપરાંત તેણે આ વિજય સાથે ત્રણ મેચની સિરીઝમાં ૧-૦ ની લીડ પણ હાંસલ કરી લીધી છે. સિરીઝની બીજી વનડે પહેલી ઓગસ્ટે આ મેદાન પર રમશે. ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગને ટોસ જીતીને આયર્લેન્ડને બેિંટગ માટે આમંત્રણ આપ્યું હતું.
તેનો નિર્ણય સાચો સાબિત થયો અને આયર્લેન્ડની ટીમ ૪૪.૪ ઓવરમાં ૧૭૨ રન બનાવીને પેવેલિયન ભેગી થઇ ગઈ હતી. ટીમના સાત બેટ્સમેન દસના આંકડાને સ્પર્શ પણ કરી શક્યા ન હતા. ડેબ્યૂ મેચમાં હેરી ટેક્ટર શૂન્યમાં પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે કર્ટિસ કેમ્ફર ૫૯ રને અણનમ રહૃાો હતો. તેણે ૧૧૮ બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારનારો કર્ટિસ કેમ્ફર આયર્લેન્ડનો ત્રીજો બેટ્સમેન છે.
૧૭૩ રનના ટારગેટ સામે રમતાં ઇંગ્લેન્ડે ૨૭.૫ ઓવરમાં ચાર વિકેટે ૧૭૪ રન બનાવીને મેચ જીતી લીધી હતી. સેમ બિલિંગ્સએ ઇંગ્લેન્ડનો ટોપ સ્કોરર રહૃાો હતો. તેણે ૫૪ બોલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૬૭ રન ફટકાર્યા હતા. મોર્ગને ૪૦ બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૦ રન બનાવ્યા હતા. મોર્ગન અને બિલિંગ્સે પાંચમી વિકેટ માટે અણનમ ૯૬ રનની ભાગીદારી નોંધાવી હતી. સાઉધમ્પ્ટનમાં પાંચમી વિકેટ માટે તે બીજી સૌથી મોટી ભાગીદારી છે. પોલ કોલિંગવુડ અને જેમી ડેલરિમ્પલે ૨૦૦૬માં પાકિસ્તાન સામે પાંચમી વિકેટ માટે ૧૦૧ રનની ભાગીદારી નોંધાવી હતી.