ભારતે ગુવાહાટી ખાતે રમાયેલી બીજી ટી૨૦માં દક્ષિણ આફ્રિકાને ૧૬ રને હરાવતા સૌપ્રથમ વખત ઘરઆંગણે પ્રોટીઝ સામે શ્રેણી વિજય મેળવ્યો હતો. ભારતના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને કે એલ રાહુલે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. ભારતે ત્રણ ટી૨૦ની શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે નિર્ધારિત ઓવરમાં ત્રણ વિકેટે ૨૩૭ રન કર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૨૧ જ કરી શકી હતી. અંતિમ ઓવરમાં ડેવિડ મિલરે ઝંઝાવાતી બેટિંગ કરીને ૧૦૬ રનની અણનમ ઈનિંગ રમી હતી પરંતુ તે એળે ગઈ હતી. ઓપનર ક્વિન્ટન ડી કોક ૬૯ રન કરી અણનમ રહૃાો હતો. ભારત તરફથી અર્શદીપ સિંઘે બે વિકેટ જ્યારે અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી. કે એલ રાહુલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આફ્રિકા હવે અંતિમ અને ઔપચારિક ત્રીજી ટી૨૦ ઈન્દૃોરમાં રમાશે. ગુવાહાટીની બેટ્સમેન માટે સ્વર્ગ સમાન પીચ પર ભારતને પ્રથમ બેટિંગનું નિમંત્રણ મળતા ઓપનર કે એલ રાહુલે ૨૮ બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૫૭ રન ફટકાર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ (૪૩) પણ તેનો સાથ આપ્યો હતો અને બન્ને વચ્ચે ૯૬ રનની પ્રથમ વિકેટની ભાગીદારી રહી હતી. વિરાટ કોહલી ૨૯ બોલમાં ૪૯ રન કરી અણનમ રહેતા એક રનથી અડધી સદી ચૂક્યો હતો. સૂર્યકુમાર યાદવે વધુ એક વખત દક્ષિણ આફ્રિકા સામે તોફાની બેટિંગ કરતા ૨૨ બોલમાં ૬૧ રન ઝૂડ્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને તેટલાજ છગ્ગાનો સમાવેશ થયો હતો. કાર્તિકે ૧૭ રનની અણનમ ઈનિંગ રમતા ભારતનો સ્કોર ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૦૦ને પાર ગયો હતો. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટર બોલર ભારત સામે એક પણ વિકેટ ઝડપી શક્યા નહતા. કેશવ મહારાજે બે વિકેટ મેળવી હતી. ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી૨૦માં મેદાનની અંદર સાપ જોવા મળતા તેમજ લડ લાઈટ બંધ થતા મેચમાં વિક્ષેપ પડ્યો હતો. ભારતીય ટીમની બેટિંગ દરમ્યાન સાતમી ઓવરમાં મેદાનમાં સાપ ઘૂસી જતા મેચ થોડીવાર માટે રોકવાની ફરજ પડી હતી. ગ્રાઉન્ડ સ્ટાફે બાદમાં સાપને બહાર કાઢ્યો હતો જેને પગલે દક્ષિણ આફ્રિકાના ફિલ્ડરોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. દક્ષિણ આફ્રિકાની બેટિંગ વખતે પ્રારંભિક ઓવર બાદ લડ લાઈટ એકાએક બંધ થતા મેચ સ્થગિત રાખવાની ફરજ પડી હતી. જો કે બાદમાં ફલ્ડ લાઈટ ફરી શરૂ થતા મેચ પુન: શરૂ થઈ હતી.