ભારતીય ટીમમાં મુકેશ, રજતને દક્ષિણ આફ્રિકા સામે વન-ડે શ્રેણી માટે મળી તક

દક્ષિણ આફ્રિકા સામે આગામી ૬ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી વન-ડે શ્રેણી માટે રવિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લખનૌમાં સૌપ્રથમ વન-ડે રમાશે. વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમમાં બે નવા ચહેરા મુકેશ કુમાર અને રજત પાટિદારને તક આપવામાં આવી છે. રજત પાટિદાર આઈપીએલમાં સ્ટાર બેટ્સમેન તરીકે ઉભર્યો હતો જ્યારે ઝડપી બોલર મુકેશ કુમાર અનકેપ્ડ ખેલાડી છે. મૂળ બિહારનો મુકેશ બંગાળ તરફથી રમે છે અને તેણે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ એ સામે રમતા ત્રણ મેચમાં નવ વિકેટ ઝડપી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. આ ઉપરાંત ચાલુ વર્ષે રણજી સિઝનમાં તેણે બંગાળ માટે ૨૦ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત હાલમાં રાજકોટમાં રમાઈ રહેલી ઈરાની ટ્રોફીમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા તરફથી રમતા તેણે ચાર વિકેટ ઝડપીને જીતની આશા ઉજ્જવળ બનાવી છે. શિખર ધવનને વધુ એક વખત ૧૬ સભ્યોની ટીમનો સુકાની બનાવાયો છે. ટી૨૦ વર્લ્ડ કપ માટે બેકઅપમાં રહેલા શ્રેયસ ઐયર અને દીપક ચાહર પણ વન-ડે ટીમનો હિસ્સો છે. જ્યારે આવેશ ખાન, શાર્દૃુલ ઠાકુરનો પણ સમાવેશ કરાયો છે. દક્ષિણ આફ્રિકા સામે ભારત બીજી વન-ડે ૯ ઓક્ટોબરે રાંચીમાં જ્યારે ત્રીજી અને અંતિમ વન-ડે ૧૧ ઓક્ટોબર દિલ્હીમાં રમશે. દક્ષિણ આફ્રિકા સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમમાં કેપ્ટન શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર (વાઈસ કેપ્ટન), રજત પાટિદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટ કીપર), સંજૂ સેમસન (વિકેટ કીપર), શાહબાઝ અહેમદ, શાર્દૃુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્ર્નોઈ, મુકેશ કુમાર, આવેશ ખાન, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.