રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્રનો ૮ વિકેટે પરાજય, રેસ્ટ ઓફ ઇન્ડિયાએ ૨ વિકેટ ગુમાવી મેચ કબ્જે કરી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર રમાયેલી ઈરાની કપની સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચેની મેચમાં સૌરાષ્ટ્રનો આઠ વિકેટે પરાજય થયો હતો. બીજી ઈનિંગમાં સૌરાષ્ટ્રે લડત જરૂર આપી પરંતુ વધુ રનની લીડ ન મેળવી શકતાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ આસાનાથી લક્ષ્યાંક હાંસલ કરીને જીત મેળવી લીધી હતી. બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્ર વતી શેલ્ડન જેક્શન, અર્પિત વસાવડા, પ્રેરક માંકડ અને કેપ્ટન જયદૃેવ ઉનડકટે શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ ચેતેશ્ર્વર પુજારા બન્ને ઈનિંગમાં ફેલ જતાં સૌરાષ્ટ્રને મોટો ઝટકો લાગ્યો હતો. આ મેચમાં સૌરાષ્ટ્રે પહેલાં બેિંટગ કરતાં ૨૪.૫ ઓવરમાં માત્ર ૯૮ રન જ બનાવ્યા હતા. જેના જવાબમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ હનુમા વિહારીના ૮૨ રન, સરફરાઝ ખાનના ૧૩૮ રન અને સૌરભ કુમારના ૫૫ રનની મદદથી પ્રથમ ઈનિંગમાં ૩૭૪ રન બનાવ્યા હતા. આમ સૌરાષ્ટ્ર ઉપર ૨૭૬ રનનું દૃેણું આવ્યું હતું જે ઉતારી બીજી ઈનિંગમાં સૌરાષ્ટ્રની ટીમે ૧૦ વિકેટે ૩૮૦ રન બનાવતાં રેસ્ટ ઓફ ઈન્ડિયાને જીતવા માટે ૧૦૪ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે તેણે માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. બીજી ઈનિંગમાં સૌરાષ્ટ્ર વતી શેલ્ડન જેક્શને ૭૧, પ્રેરક માંકડે ૭૨, જયદૃેવ ઉનડકટે ૮૯ અને અર્પિત વસાવડાએ ૫૫ રન બનાવ્યા હતા. જ્યારે લક્ષ્યાંક હાંસલ કરવા ઉતરેલી રેસ્ટ ઓફ ઈન્ડિયાવતી બીજી ઈનિંગમાં અભિમન્યુ ઈશ્ર્વર અણનમ ૬૩, શ્રીકાર ભરત અણનમ ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા ચેમ્પિયન બનતાં ટીમના કેપ્ટન હનુમા વિહારીને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદૃેવ શાહના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મેન ઓફ ધ મેચ મુકેશકુમારને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહના હસ્તે ચેક આપવામાં આવ્યો હતો.