સુરતમાં ૯ વર્ષની બાળાની છેડતીમાં આરોપીને સાત વર્ષની સજા ફટકારી

ચાર વર્ષ અગાઉ લિંબાયતમાં નવ વર્ષની બાળકી સાથે અડપલાં કરનારા આરોપીને કોર્ટે સાત વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર પક્ષે એપીપી દિપેશ દૃેવેએ દલીલો કરી હતી. પીડિત બાળકીને વળતરરૂપે રૂપિયા ૨૫ હજાર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. કેસની વિગત મુજબ તા. ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ આરોપી પ્રેમચંદ મંડળ ઘર નજીક રહેતી સાત વર્ષની બાળકીને પંખો રિપેર કરવાના બહાને લઈ ગયો હતો અને રસ્તામાં અવાવરુ જગ્યાએ લઇ જઈ તેની સાથે અડપલાં કર્યા હતા. આ વાતની જાણ બાળકીના પરિજનો થતા આરોપી સામે લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં દલીલો બાદ આરોપીને સાત વર્ષની સજા, રૂપિયા દસ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.