10 વર્ષની બાળાના બળાત્કારી-હત્યારાને ફાંસીની સજા માટે વડાપાંઉ કારણભુત બન્યા

સુરત,
પાંડેસરા પોલીસ મથકની હદમાં એક ઘટના એવી બની હતી કે જેમાં 10 વર્ષીય બાળકી ગુમ થયા બાાદદ તેના પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનારો હત્યારો જ્યારે પોલીસના હાથમાં આવ્યો ત્યારે તેણે બાળકીનો મૃતદેહ બતાવ્યો ને પોલીસે તપાસ આગળ ધપાવી. આ ઘટનામાં આરોપી સુધી પહોંચવામાં પોલીસને વડાપાંઉ મદદરૂપ બન્યું હતું. બાળકીનું અપહરણ કર્યા બાદ આરોપી એક વડાપાંઉની દુકાન પર વડાપાંઉ ખરીદવા ઊભો રહે છે. આ ઘટના સીસી ટીવી કેમેરામાં આબાદ કેદ થઈ જાય છે. જેમાં બાળકી સાથે આરોપીનો સ્પષ્ટ ચહેરો જોવા મળ્યો હતો. પરિણામે સ્થાનિક લોકોની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. આ કેસ પૂર્ણ થયો ને આરોપીને ફાંસીની સજા જાહેર કરવામાં આવી.પાંડેસરાની પ્રેમનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારની 10 વર્ષની બાળકી ઘર આંગણે રમતી હતી ત્યાંથી વડાપાંઉ ખવડાવવાની લાલચ આપી અપહરણ કરાયું. અપહરણકારે રસ્તા વચ્ચે એક દુકાન પરથી વડાપાંઉની ખરીદી પણ કરી. તે વખતે બાળકી સાથે અપહરણકારનો ચહેરો સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગયો. આ ફુટેજ લઈ પોલીસે સ્થાનિક લોકોને બતાવવાનો પ્રારંભ કર્યો. જેમાં એક વ્યક્તિએ અપહરણકારને ઓળખી બતાવ્યો. એ સાથે જ પોલીસની ટીમ પ્રેમનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા આરોપીના ઘરે પહોંચી. જ્યાંથી દિનેશ દશરથ બૈસાણે (ઉ.વ.24)ને દબોચી લીધો હતો. મદદનીશ પોલીસ કમિશનર જે.કે. પંડ્યાના માર્ગદર્શન તળે પાંડેસરાના પોઈ અલ્પેશ ચૌધરી અને તેમની ટીમના હરીશ પવાર, હેમંત, રાજુ દેવા વગેરેએ દિનેશની ઉંડાણપૂર્વક અને આકરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો ને ગુનાની કબૂલાત કરી હતી. એ સાથે જ પોલીસની એક ટીમ દિનેશને સાથે લઈ બીઆરસી કમ્પાઉન્ડ, લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ખુલ્લી જગ્યાએ પહોંચી. જ્યાં બાળકીનો મૃતદેહ પડ્યો હતો.પ્રેમનગર ઝૂંપડપટ્ટીમાંથી બાળકીને લઈ દિનેશ આ જગ્યાએ પહોંચ્યો હતો. જ્યાં દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો. પણ બાળકીની વય 10 વર્ષની હોવાથી તેમે પ્રતિકાર કર્યો. એ સાથે જ ગુસ્સે થયેલા દિનેશે ઇંટના ઉપરાછાપરી ઘા માથામાં મારી બાળકીને કાયમ માટે પોઢાડી દીધી હતી. બાળકીના મૃત્યુ પછી દુષ્કર્મ આચરવાનું આ નરાધમે છોડ્યું ન હતું.આ ઘટનામાં પોલીસે માત્ર તેર જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધું હતું. પરંતુ કોરોનાના કારણે સાક્ષીઓને તપાસવામાં વિલંબ થતાં ચુકાદો તા. 16-12-21ના રોજ આવ્યો હતો. જેમાં દિનેશને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી.