અમરેલી,
લાંબા સમય બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. 11મી અને 12મી માર્ચ એમ બે દિવસ વડાપ્રધાન અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત ભાજપની લીડરશીપ તડામાર તૈયારીઓ કરી રહી છે.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન 11મી માર્ચે સવારના 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યાંથી તેઓ 10:30 વાગ્યાની આજુબાજુ ગાંધીનગર ખાતે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ જવા રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી તેમનું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવાનું આયોજન છે. એરપોર્ટથી કમલમ સુધી કાર્યકર્તાઓ વડાપ્રધાનનું વિવિધ રીતે સ્વાગત કરશે. યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પાંચ હજાર યુવાનો બાઇક રેલીમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે વડાપ્રધાન 11 વાગ્યાની આસપાસ પહોંચશે, જ્યાં તેઓ ભાજપના નેતાઓ અને તમામ ધારાસભ્યો સાથે મીટીંગ કરશે. કમલમાં આમંત્રિત માત્ર 430 લોકો જ હાજર રહી શકશે.
કમલમ ખાતે બેઠક કર્યા બાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ વડાપ્રધાન અમદાવદના વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનમાં હાજરી આપશે. આ સંમેલનમાં ગુજરાતના જિલ્લા અને તાલુકા લેવલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. સરપંચ સંમેલનમાં બે લાખથી વધુ લોકોને ભેગા થાય તેવી શકયતા છે લગભગ 1.75 લાખ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બાકીના 75 હજાર જેટલા પાર્ટીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ ભાજપ શહેર સંગઠન, તમામ કોર્પોરેટરો, તમામ ધારાસભ્યોને તેમજ કાર્યકર્તાઓને કામગીરીમાં લાગી જવા માટે સૂચના અપાઈ છે.
ત્યાર બાદ બીજા દિવસે 12મી માર્ચે વડાપ્રધાન ગાંધીનગરના વલાદ ખાતે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સવારે 11 વાગ્યાની આસપાસ રક્ષાશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે 6.30 આસપાસ વડાપ્રધાન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નો શુભારંભ કરાવશે. જ્યાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ગુજરાતમાં ચાલુ વર્ષે ચૂંટણી આવતી હોવાથી વડાપ્રધાનની આ મુલાકાત ખુબ અગત્યની રહેશે.