12 કલાકમાં છ લેન્ડગ્રેબર્સ,વ્યાજખોરોને પાસામાં ધકેેલાયા

  • વ્યાજખોરો અને ભુમાફીયા સામે અમરેલી કલેકટરશ્રી આયુષ ઓક અને એસપીશ્રી નિર્લિપ્ત રાયનો સપાટો 
  • ધારીના પ્રેમપરાના બે વ્યાજખોરોને ગોધરા અને હીમતનગર જેલમાં મોકલવાનો આદેશ કરાયો ચિતલમાં લેન્ડ ગ્રેબીંગના કેસમાં જામીન ઉપર છુટી ગયેલ ચાર બુટલેગરોને પાસામાં મોકલાયા
  • એક જ દિવસમાં છ-છ અસામાજીકોની સામે પાસાના વોરંટ ઇસ્યું કરતા કલેકટરશ્રી તમામની સામે વોરંટની બજવણી કરી રાજયની વિવિધ જેલમાં મોકલી આપતા એસપીશ્રી

અમરેલી,
અમરેલી જિલ્લાની જનતાનું લોહી ચુસતા વ્યાજખોરો અને સરકારી તથા કોઇની જમીન ધરાર પચાવી પાડનારા ભુમાફીયાઓ સામે અમરેલી કલેકટરશ્રી આયુષ ઓક અને એસપીશ્રી નિર્લિપ્ત રાયએ વધુ એક સપાટો બોલાવ્યો છે અમરેલી જિલ્લામાં માત્ર 12 કલાકમાં છ લેન્ડગ્રેબર્સ,વ્યાજખોરોને પાસામાં ધકેેલી દેવાયા છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, ધારીના પ્રેમપરાના ભરતભાઇ ધનજીભાઇ ઢોલા તથા વાજસુરભાઇ બેચરભાઇ બલદાણીયા નામના બે શખ્સોને વ્યાજખોરી બદલ નવા કાયદા મુજબ પાસા હેઠળ ગોધરા અને હીમતનગર જેલમાં મોકલવાનો કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા આદેશ કરાયો હતો આ ઉપરાંત અમરેલી તાલુકાના ચિતલમાં લેન્ડ ગ્રેબીંગના કેસમાં પોલીસે પકડેલા અને કોર્ટમાં જામીન ઉપર છુટી ગયેલા ચાર બુટલેગરો એવા લેન્ડગ્રેબર્સ મુકેશ તાજુભાઇ ચારોલા, રામજી નથુભાઇ ચારોલા, ગંગુબેન દોલુભાઇ મંદુરીયા, શોભાબેન દેવરાજભાઇ વાઘેલાની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી અને કલેકટરશ્રીએ તમામ સામે પાસાના વોરંટ ઇસ્યુ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ આ ચારેયને પકડી મુકેશને લાજપોર સુરત, રામજીને પાલરા ભુજ, ગંગુબેનને સાબરમતી અને શોભાબેનને પોરબંદર જેલ હવાલે કર્યા હતા.અમરેલી જિલ્લાના ઇતિહાસમાં એક જ દિવસમાં છ-છ અસામાજીકોની સામે પાસાના વોરંટ ઇસ્યું કરવાનો આ પહેલો બનાવ છે અમરેલીના કલેકટરશ્રીએ જારી કરેલા તમામના વોરંટોની બજવણી કરી અપરાધીઓોને રાજયની અલગ અલગ જેલોમાં મોકલી આપતા અપરાધીઓમાં ફફડાટ ફેલાયો છે.