1200 કરોડનાં કૌભાંડીને પકડતા આઇપીએસ શ્રી ગૌરવ અગ્રવાલ

અમરેલી,
અમરેલીના કેરીયાનાગસ ગામે યુવાન ખેડુત સાથે રૂા.25 લાખની ઠગાઇ કરનાર મુંબઇની કંપનીના સીઇઓને આજે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા આઇપીએસ અધિકારી શ્રી ગૌરવ અગ્રવાલે મુંબઇથી ધરપકડ કરી અને અમરેલી ખાતે તેમની પુછપરછ કરતા ચોકાવનારી વિગતો બહાર આવી હતી. અમરેલી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ શ્રી ગૌરવ અગ્રવાલ (આઇપીએસ) એ જણાવ્યુ હતુ કે અમરેલીના કેરીયાનાગસ ગામના ખેડુત ચીરાગભાઇ રઘુભાઇ ગાંગડીયા સાથે જુલાઇ માસમાં સુશાંત ગાવડે સંદેશ ખામકર, હર્ષલ ઓજે અને એ.એસ. એગ્રી એન્ડ એક્વા એલએલપી કંપનીના જવાબદારોએ રૂા.25 લાખનું રોકાણ કરાવી દર વર્ષે 25 લાખ વળતર તરીકે આપવા કરાર કર્યા હતા. ચિરાગભાઇની જમીનમાં પ્લાન્ટ નાખવાના હતા અને બે વર્ષ સુધી 25 25 લાખ મળી 50 લાખનું વળતર ચુકવવા કરાર કરેલ હોય તે વળતર અને મુદલના 25 લાખ પણ ઉપરોક્ત ચારેય જમી ગયા હતા. અને તેની પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.અમરેલી તાલુકા પોલીસે આ કંપનીમાં સીઇઓ તરીકે કામ કરતા સંદેશ ખામકરની મહારાષ્ટ્રથી ધરપકડ કરી તપાસ કરતા ચોકાવનારી વિગતો સામે આવી છે જેમાં આ ટોળકીએ રોકાણકારોના નાણા બિન સલામત જગ્યાએ રોકી અને પ્રોજેક્ટની શરૂઆતમાં 75 હજાર પગાર અને ત્યાર બાદ છેલ્લે 5 લાખ સુધી પગાર લેતા હતા જેને કારણે આ કંપની ડુબી હતી અને તેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના મળી કુલ 1200 કરોડ આ ટોળકીએ ઉઘરાવ્યા હતા જેમાં 5 હજાર લોકો ભોગ બન્યા છે. આજે સંદેશ ખામકરને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે અને બીજા બે આરોપી જેલમાં હોય તેનો પણ અમરેલી પોલીસ કબજો લઇ આગળની કાર્યવાહી કરશે.