1927માં અમરેલી સુધરાઇ પ્રમુખ દિવાબતી જોવા જાતે નિકળતા

અમરેલી જિલ્લામાં યોજાનારી અમરેલી, કુંડલા, બાબરા, દામનગર, બગસરા મળી કુલ પાંચ નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી છે અને નગરપાલિકાના વહીવટ માટે અનેક પ્રકારના સલાહ સુચનો, ફરીયાદો અને ચર્ચા ઓટલા પરિષદમાં થતી હોય છે ત્યારે એ પણ જાણવુ જરૂરી છે કે અમરેલી નગરપાલિકાએ આઝાદી પછી આવેલી સંસ્થા નથી પણ ગાયકવાડના જમાનાથી અમરેલીમાં સુધરાઇ કહેતા નગરપાલિકા અસ્તિત્વમાં હતી અને આજથી 94 વર્ષ પહેલા અમરેલી સુધરાઇમાં કેવા પ્રમુખ હતા તેનું ઉદાહરણ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના વડીલબંધુ એવા શ્રી જગજીવનભાઇ મહેતા પોતાના જીવન સંસ્મરણોમાં આપે છે.
1927ની ગાયકવાડી સુધરાઇના ચેરમેનપદે શ્રી જગજીવનભાઇ મહેતા ચુંટાયા હતા સુધરાઇના ચેરમેન બનતા જગજીવનભાઇ તેમના પુસ્તકમાં નોંધ્ો છે કે અમરેલીની જનતાનું આરોગ્ય જાળવવાની તથા નગરની સફાઇ અને તેને લગતી બીજી અનેક જાતની સેવાઓ આ પદેથી બજાવવાની ઇશ્ર્વરે મને તક આપી છે તો એનો મારે પુરે પુરો લાભ લેવો આવી ભાવના સાથે મેં સુધરાઇના ચેરમેનનું પદ ગ્રહણ કર્યુ હું રોજેરોજ નિયમ મુજબ ઓફીસમાં હાજરી આપતો 11 થી 6 વાગ્યા સુધી નિયમીત કામ કરતો અને સુધરાઇના (ચીફ ઓફીસર) ભગવાનજી ગોરધન હોંશીયાર માણસ હતા પણ ચેરમેન તરીકે ચુંટાયા પછી મેં ગાંધીજી પાસે માર્ગદર્શન માંગ્યુ અને સુધરાઇના વહીવટી પ્રશ્ર્નો અંગેના પુસ્તકોની યાદી મંગાવી શ્રી મહાદેવભાઇએ તે મોકલી તેથી ધીમે ધીમે સુધરાઇના કામોની મને સુઝ પડતી ગઇ.
આ પુસ્તકમાં જગજીવનભાઇએ નોંધ્યુ છે કે, 1927માં તે અમરેલી સુધરાઇના પ્રમુખ હતા ત્યારે દરેક ફરીયાદોનો ચીવટથી નિકાલ કરતા અને રાત્રીના સમયે શહેરમાં થતી રોશની એટલે કે દિવાબતી જોવા જાતે નિકળતા તેનો એક દાખલો ટાંકતા તેમણે જણાવ્યુ છે કે એક નાગરીકે સુધરાઇની ઓફીસમાં આવીને ફરીયાદ કરી કે તેમના વિસ્તારમાં અંધારૂ રહે છે. અને ત્યારે તે જમાનામાં અંજવાળીયા અને અંધાર્યા એટલે કે ચંદ્રના પ્રકાશ ઉપર જાહેર માર્ગમાં બતીઓના શેડયુલ ગોઠવાતા હતા ત્યારે અમરેલીના મુખ્યમાર્ગો ઉપર કીટસન લાઇટ (પેટ્રોમેક્ષ) અને નાના માર્ગમાં ફાનસ થતા હતા પણ એક નાગરિકે ઓછા અંજવાળાની ફરિયાદ કરતા ચેરમેન જગજીવનભાઇ રાત્રે 11-12 વાગ્યે નિકળ્યા અને ફરિયાદ કરનારને સમય આપ્યો હોય તે હાજર ન હતા એટલે રાત્રે બાર વાગ્યે ફરીયાદ કરનારને ઘેરથી ઉઠાડી અને ફરિયાદ વાળી જગ્યાએ જઇને ચકાસણી કરી અને ચકાસણીમાં દેખાયુ કે તેની ફરીયાદ સાચી હતી બે ગલીનો ચોક જ્યાં મળતો હતો ત્યાં બતીને ફેરવવામાં આવી જેથી એકને બદલે બે ગલીઓમાં પ્રકાશ રેલાયો.
આ ઉપરાંત સુધરાઇના ચેરમેન જગજીવનભાઇ મહેતા સવારે પાંચ વાગ્યાથી સફાઇ કામદારો અમરેલીને સ્વચ્છ રાખવા માટે કામગીરી શરૂ કરતા તેનાથી પણ વહેલા ઉઠી અને શહેરના રસ્તા ઉપર સફાઇ કામદારો સ્વચ્છતા રાખે છે નહી તે જોવા જાતે નિકળતા તેના કારણે મુકાદમો એટલે કે સુપરવાઇઝરો પણ બરાબર હાજર રહેવા લાગ્યા રસ્તામાં કોઇ પાણી ન ઢોળે, કચરો ન નાખે એવુ થવા લાગ્યુ પણ લોકોને લાંબા સમયની કુટેવ એટલે ગમે ત્યાં ગંદકી કરી બેસતા આ ઉપરાંત શહેરના કાચા માર્ગો સાફ કરાવતા ચોમાસામાં વરસાદનું પાણી નીકાસ થતા માર્ગો સ્વચ્છ રહેતા હતા જેથી બહેનો કહેતા કે સુધરાઇમાં કોક નવો સાહેબ આવ્યો છે અને કેવુ સરસ કામ કરે છે ગામમાં ગંદકી,કીચડ ઓછા થતા જાય છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલી હદે નગરજનોનું અને પશુઓનું ધ્યાન રાખતી કે સુધરાઇમાં ગાયોના ખરવા માટે ફીનાઇલ અપાતુ હોવાની પણ નોંધ છે જો કે અમરેલીના વહીવટથી થાકીને 6 મહિના માટે જગજીવનભાઇને નાસીક આરામ કરવા પણ જવુ પડયુ હોવાનું તેમણે નોંધ્યુ છે.