દેશભરમાં સૌપ્રથમ અમદાવાદ સિવિલમાં કોરોનાગ્રસ્ત વયસ્કો માટે અલાયદા વોર્ડ શરૂ કરાયા
અમદાવાદ,
કોરોના વાયરસની ગંભીરતા જોતા જેમાં પણ ખાસ કરીને વયસ્ક દર્દીઓના સ્વાસ્થયની દરકાર કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી. મોદૃી અને હોસ્પિટલના તબીબો દ્વારા કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં જીરીયાટ્રીક કોવિડ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમા ૭૦ વર્ષથી વધુ ઉમ્ર ધરાવતા કોરાનાગ્રસ્ત દર્દીઓને અલાયદૃી સારવાર સાથે સારસંભાળ મળી રહે તે માટે રાજ્યસરકારના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. સામાન્યપણે હોસ્પિટલમાં બાળરોગ વિભાગ, સ્ત્રીરોગ વિભાગ તેમજ પુરુષ રોગના અલાયદા વિભાગ જોવા મળતા હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના ગ્રસ્ત વયોવૃધ્ધ દર્દીઓની દરકાર કરીને તેઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે, પ્રાથમિક સારવારથી લઇ ઇમરજન્સી સારવાર, સારસંભાળમાં કોઈપણ પ્રકારની અગવળ કે તકલીફ ઉભી ન થાય તે કારણોસર સ્વાસ્થય સેવાઓમાં વધુ એક છોગુ ઉમેરવામાં આવ્યુ છે.
કોરોના સંક્રમિત થઈ સારવાર માટે આવતા ૭૦ વર્ષથી વધુ ઉમરના કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ખાસ પ્રકારની સારવાર અને સારસંભાળની જરૂર પડતી હોય છે. તેમાં પણ કોમોર્બિડી ધરાવતા દર્દીઓમાં આવા વાયરસની ગંભીરતા, સંવેદૃનશીલતા વધુ જોવા મળે છે. આવા દર્દીઓની સારવારને લગતી પ્રાથમિક જરૂરિયાત અન્ય દર્દીઓની સરખામણીમાં વધુ સંવેદનશીલ હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ દ્વારા આજ રોજ જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત કરવામા આવ્યો છે. આ જીરિયાટ્રીક વોર્ડમાં દાખલ તમામદર્દીઓ માટે અલાયદા પેશન્ટ અટેન્ડેન્ટની નિમણૂક કરવામાં આવી છે.
જે ૬ દર્દીઓ વચ્ચે એક પેશન્ટ અટેન્ડેન્ટ રહીને વયસ્ક દર્દીઓની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે જમાડવું, પાણી પીવડાવવું, બાથ આપવુ, તેમને પેશાબ માટે લઇ જવું, ડાયપર બદલવા જેવી બાબતોનું ધ્યાન રાખશે. આ વોર્ડમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ જેઓ વયસ્ક દર્દીઓની સારસંભાળમાં અનુભવી હોય તેવા જ નિમણૂક કરવામાં આવશે. ૭૦ વર્ષથી વધુ ઉમરના દર્દીઓને એલોપેથી તેમજ વિવિધ સારવારની સાથે સાથે માનસિક સારવાર પધ્ધતિની પણ કાઉન્સેલીંગની પણ જરૂર પડતી હોય છે જે બાબતોને ધ્યાનમાં રાખીને કાઉન્સેલરની પણ નિમણૂક કરવામાં આવી છે. જીરીયાટ્રીક વોર્ડમાં ઉપલબ્ધ સુવિધાઓની વાત કરીએ તો, વયોવૃધ્ધ દર્દીઓને ચાલવામાં તકલીફ ન પડે તે માટે વોકર્સ મૂકવામાં આવ્યા છે. બાથરૂમ કે ટોયલેટમાં જાય ત્યારે બેસવા કે ઉભા થવામાં તકલીફ ના પડે તે માટે ગ્રેબર લગાડવામાં આવ્યા છે. દર્દીઓ માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્હીલચેર મૂકાયા છે. દર્દીઓના મનોરંજન માટે દરેક કોવિડ વોર્ડમાં ટી. વી. મૂકવામાં આવ્યા છે.