અમરેલીમાં કોરોનાના વધુ 6 શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાં દાખલ

 

અમરેલી, ગઈકાલે તા. 30 મે ના અમરેલીના ગજેરાપરા વિસ્તારના 55 વર્ષીય મહિલાનું મૃત્યુ થયેલ છે. જેમનો કોરોના રિપોર્ટ આજે તા. 31 મે ના પોઝિટિવ આવ્યો છે. આમ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ 1 પોઝિટિવ કેસ મળી કુલ 10 કેસ નોંધાયેલ છે. જેમાંથી એક દર્દીનું દુ:ખદ અવસાન થયું છે અને 2 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.ગજેરાપરા વિસ્તારના મહિલા 28 મે ના અમદાવાદથી અમરેલી આવ્યા હતા. તેમજ આ મહિલા હાઈપર ટેંશન અને અસ્થમાના દર્દી હતા અને વધુ સારવાર અર્થે અમદાવાદ ગયા હતા પરંતુ લોકડાઉન લાગુ કરાતા ત્યાં જ રહ્યા હતા. ત્યારબાદ અમરેલી પરત આવ્યા બાદ આ મહિલાને ગઈકાલે સવારે દાખલ કરવામાં આવ્યા ત્યારે જ એમની પરિસ્થિતિ ઘણી ગંભીર હતી. હાલ, આ મૃતક દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટ્રેસીંગની કાર્યવાહી ચાલી રહી છે. તેમજ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને તા.31થી 20 જુન સુધી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
બીજી તરફ અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં વધ્ાુ 7 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે જેમાં બાબરાના ચરખા ગામના અને તા.14 મે ના સુરતથી આવેલ 42 વર્ષના પુરૂષ તથા બાબરાના જ નિલવડા ગામના તા.7 ના ગાંધીનગરથી આવેલ 26 વર્ષની યુવતીને કોટડાપીઠા પીએચસીમાંથી અમરેલી મોકલાયા છે આ સાથે કુલ 6 દર્દીઓને દાખલ કરી તેમના સેમ્પલ લઇ ભાવનગર મોકલવામાં આવ્યા છે.