આઠ પોલીસના હત્યારા ડોન દુબેને ગોતવા ઘાંઘી થયેલી યોગી સરકાર

ઉત્તર પ્રદેશના કાનપુરમાં વિકાસ દુબે નામના ડોન કહેવાતા ક્રૂરતાથી આઠ પોલીસોની હત્યા કરી એ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાંથી ગુંડારાજ નાબૂદ કરી નાંખ્યું હોવાના ફાંકા મારતા યોગી આદિત્યનાથની ઈજ્જત પણ તકલાદી હોવાનો ખેલ ખુલ્લો કરી નાંખ્યો છે. આ બેઈજ્જતી ઓછી હોય એમ હત્યાકાંડના ત્રણ દિવસ પછી પણ ઉત્તર પ્રદેશ પોલીસ દુબે અને તેના ગુંડાઓને પકડી શકી નથી તેમાં યોગીની આબરૂનો વધારે કચરો થતો જાય છે. તેના કારણે ધૂંધવાયેલા યોગીએ દુબેના પરિવાર પર ખીજ કાઢવા માંડી છે.
પોલીસને બેહેમીથી મોતને ઘાટ ઉતારી દીધા પછી ફરાર થઈ ગયેલા દુબેને પકડવા યોગીએ આખા રાજ્યની પોલીસને ધંધે લગાડી છે. યોગીએ 25 ટીમો બનાવી છે ને દુબેની માહિતી આપનારને પચાસ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરી નાંખ્યું. દુબે ખતરનાક ગુંડો છે તેથી તેના વિશે માહિતી આપવામાં લોકોને તકલીફ પડે છે. પચાસ હજાર રૂપરડીમાં કોઈ દુબે વિશે કશું ન કહે એવું લાગતાં યોગીએ ઈનામ વધારીને લાખ રૂપિયા કરી નાંખ્યું એ છતાં ત્રણ દિવસ પછી પણ ન પકડાયો એટલે યોગીએ તેની સંપત્તિનો દાટ વાળવા માંડ્યો છે. યોગીના ફરમાનથી દુબેના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું ને તેની મોંઘીદાટ કારોનો પણ ખુરદો બોલાવી દેવાયો. દુબેની બીજી સંપત્તિ શોધી શોધીને તેને ટાંચમાં લેવાની મથામણ પણ શરૂ કરી દીધી છે. યોગી પોતાની આબરૂ બચાવવા માટે જીવ પર આવી ગયા છે તેથી હજુ શું શું કરશે એ રામ જાણે.
ઉત્તર પ્રદેશની પોલીસ જે કંઈ કરી રહી છે એ કાયદાકીય રીતે ખોટું છે પણ દુબે કંઈ સંત માણસ છે નહીં કે પોલીસે કાયદાની ચિંતા કરવાની હોય. આ હત્યારો છે ને પોલીસને ક્રૂરતાથી રહેંસી નાંખીને ભાગેલો છે એ જોતાં તેની સંપત્તિનો ખુરદો બોલાવાય કે તેના પરિવારને ઉઠાવીને અંદર કરી દેવાય તેમાં કશું ખોટું નથી. દુબેના ગુંડાઓએ કુહાડીઓથી પોલીસોનાં ગળાં વાઢી નાખેલાં ને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી પોલીસોની હત્યા કરી છે. આઠ-આઠ પોલીસોની આ રીતે હત્યા કરનારા દુબે કે તેના માણસો સામે જે કંઈ કરાય એ ન્યાય જ કહેવાય, પછી એ પગલાં કાયદાની મર્યાદામાં હોય કે ન હોય. જે લોકો પોતે કાયદાને માન આપવામાં કે તેને પાળવામાં નથી માનતા એવા ગુંડાઓ સામે લડવામાં કાયદાને કોરાણે મૂકવો પડે તો તેમાં કશું ખોટું નથી. યોગી એ રીતે કશું ખોટું નથી કરી રહ્યા પણ તકલીફ એક જ છે કે, આ બધું બહુ મોડું થઈ રહ્યું છે ને યોગીજી ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં મારવા નીકળ્યા છે.
દુબે છાપેલું કાટલું છે ને તેની સામે 60 કરતાં વધારે તો કેસ નોંધાયેલા છે. પાછું એવું પણ નથી કે, દુબે રાતોરાત ફૂટી નીકળેલો ગુંડો છે ને આ બધા કેસ રાતોરાત તેની સામે નોંધાઈ ગયા છે. ઓછામાં ઓછા ત્રણ દાયકાથી તેનું નામ ગાજે છે ને ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર તરીકે એ પંકાયેલો છે. દુબે સામે પહેલો કેસ 1990ના દાયકાની શરૂઆતમાં નોંધાયેલો કે જ્યારે તેણે એક પ્રિન્સિપાલની હત્યા કરી નાંખેલી. એ પછી પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે ડિબ્બા નિવાડા ગામમાં ઘુસીને તેણે પાંચ લોકોને પતાવી દીધેલા. આ હત્યાકાંડે તેને જાણીતો કરી દીધો પણ 2000ની સાલમાં દુબેએ ભાજપના નેતા સંતોષ શુકલાની હત્યા કરી પછી લોકો દુબેના નામથી થરથર કાંપવા માંડ્યા.
ઉત્તર પ્રદેશમાં એ વખતે રાજનાથસિંહની સરકાર હતી ને સંતોષ શુકલા રાજનાથ સરકારમાં રાજ્ય કક્ષાના પ્રધાનને સમકક્ષ હોદ્દો ધરાવતા સંસદીય સચિવ હતા. દુબેએ કાનપુર પાસેના શિવાલી પોલીસ સ્ટેશનમાં ઘુસીને શુકલાની હત્યા કરી નાંખેલી. સંખ્યાબંધ પોલીસો આ હત્યાના સાક્ષી હતા પણ કોઈએ દુબેને રોકવાની કોશિશ સુધ્ધાં ન કરી. શુકલાની હત્યા કરીને દુબે બાપના બગીચામાં ટહેલતો હોય એ રીતે પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો. દુબે એ વખતે બહુજન સમાજ પાર્ટી સાથે જોડાયેલો હતો ને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર હતી છતાં રાજનાથની સરકાર તેનું કશું ઉખાડી શકી નહોતી.
દુબે હત્યા કર્યા પછી આરામથી પોતાને ગામ જતો રહ્યો ને પોતાની સલ્તનત ચલાવવા માંડ્યો. ઉત્તર પ્રદેશમાં 2002માં ભાજપના ટેકાથી માયાવતી મુખ્યમંત્રી બન્યાં ત્યારે દુબેએ આત્મસમર્પણની વિધિ પતાવી. એ શરણે આવી ગયો પણ તેની સામે કોઈ જુબાની આપવા તૈયાર જ નહોતું તેથી કેસ ફાઈલ થઈ ગયો. ભાજપના રાજ્ય કક્ષાના પ્રધાનની કક્ષાના નેતાની હત્યા કરી છતાં કશું ન થયું પછી તો દુબે છાકટો જ થઈ ગયો ને છેલ્લા બે દાયકામા તેણે રીતસરનો કાળો કેર જ વર્તાવી દીધો. યોગી સત્તામાં આવ્યા ત્યાં સુધીમાં દુબે ફાટીને ધુમાડે જતો જ રહેલો. યોગીએ ઘણા ગુંડાઓ સામે સપાટો બોલાવ્યો છે પણ દુબે બચી ગયેલો. હવે દુબેએ મોટો કાંડ કરી નાંખ્યો ત્યારે યોગી ધૂંધવાયા છે પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું છે.
જો કે માત્ર યોગીનો વાંક કાઢી શકાય તેમ નથી કેમ કે યોગી તો હમણાં આવ્યા છે. દુબે છેલ્લા બે દાયકાથી બચતો રહ્યો છે ને કોઈ મુખ્યમંત્રી તેનું કશું બગાડી શક્યા નથી. તેનું કારણ એ છે કે રાજકારણીઓના તેના પર ચાર હાથ છે. દુબે રાજકારણીઓને સાચવે છે ને રાજકારણીઓ તેને સાચવે છે તેમાં દુબે જેવો ગુંડો બે દાયકાથી પોતાનો ખેલ ચલાવ્યા કરે છે. ઉત્તર પ્રદેશનું રાજકારણ હળાહળ જ્ઞાતિવાદી છે ને ત્યાં ગુંડાગીરી પણ જ્ઞાતિવાદના ધોરણે ચાલે છે. જેની મોટી મતબેંક હોય એ જ્ઞાતિના ગુંડાને બચાવવા બધા રાજકારણીઓ મેદાનમાં ઉતરી આવે ને દુબે તેના કારણે જ બચી ગયો. દુબે બ્રાહ્મણ છે ને ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ મતબેંક બધા પક્ષો માટે મહત્ત્વની છે તેથી કોઈ ને કોઈ રાજકારણી દુબેનો બાપ બનીને તેને બચાવી લેતો.
દુબેએ 1990ના દાયકામાં ગુંડાગીરી શરૂ કરી ત્યારે ભાજપના હરિકૃષ્ણ શ્રીવાસ્તવ સૌથી પહેલાં તેના બાપ બનેલા. એ વખતે ભાજપ સવર્ણોનો પક્ષ ગણાતો ને બ્રાહ્મણો ભાજપની સાથે હતા તેથી કલ્યાણસિંહની સરકાર વખતે દુબેને અભય વચન મળી ગયેલું. શ્રીવાસ્તવ 1996માં બહુજન સમાજ પાર્ટીમાં ગયા એટલે વિકાસ પણ તેમની આંગળી પકડીને બસપામાં જતો રહ્યો એટલે માયાવતી તેનાં રક્ષણહાર બની ગયાં. માયાવતી અને કાંશીરામ શરૂઆતમાં બ્રાહ્મણોને ભરપેટ ગાળો આપતાં. તેમને મનુવાદી કહીને ભાંડતાં પણ સત્તા માટે એ જ બ્રાહ્મણોના પગોમાં આળોટી ગયાં તેથી તેમને શ્રીવાસ્તવ જેવા નેતાઓની ને દુબે જેવા ગુંડાઓની જરૂર હતી જ. માયાવતીએ દુબેને પડખામાં લીધો એટલે તેને કોઈ રોકનારું રહ્યું જ નહીં ને રાજ્યના પ્રધાનની પોલીસ સ્ટેશનમાં ધસી જઇને હત્યા કરવા છતાં એ બચી ગયો.
માયાવતીને બ્રાહ્મણ મતો મેળવવામાં સૌથી વધારે મદદ સતિષ મિશ્રાએ કરી પણ બીજા એક બ્રાહ્મણ નેતા પણ માયાવતીને બહુ કામ લાગ્યા. આ નેતા એટલે બ્રિજેશ પાઠક. પાઠક વ્યવસાયે વકીલ છે ને લખનૌના છે. પાઠકે દુબેને પોતાની પાંખમાં લઈ લીધા એટલે દુબેની તાકાત વધી ગઈ. આ પાઠક સાહેબને પછી બ્રાહ્મણ મતો માટે અમિત શાહ ભાજપમાં લઈ આવેલા. પાઠક અત્યારે યોગી સરકારમાં કાયદા પ્રધાન છે. પાઠક અને દુબેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દુબે માટે તો પાઠક પ્રધાન બન્યા એટલે સૈયા ભયે કોટવાલ તો ફિર ડર કાહે કા જેવું થઈ ગયેલું. આ માહોલમાં યોગી દુબેને કરી પણ શું શકે ? અમિત શાહ જેને લીલા તોરણે પોંખીને પક્ષમાં લાવ્યા હોય એવા ધુરંધર બ્રાહ્મણ નેતાના પાલતુ ગુંડાને હાથ અડાડવાની યોગીની હિંમત ચાલે ખરી ? બિલકુલ ન ચાલે ને એટલે જ ત્રણ વરસ સુધી કંઈ ન થયું. આ તો હમણાં એક કેસમાં દુબે સામે ફરિયાદ નોંધાઈ ને સ્થાનિક અધિકારીએ દુબેને પકડવા જવાની હિંમત બતાવી. બાકી યોગીજી તો ક્યાં કશું કરતા હતા? અધિકારીની આ હિંમત દુ:સાહસ સાબિત થઈ ને આઠ પોલીસો શહીદ થઈ ગયા.
યોગી આદિત્યના પક્ષે બીજી એક તકલીફ એ પણ છે કે, આ હત્યાકાંડ પછી યોગી પણ બલિના બકરા શોધવામાં પડ્યા છે. દુબેને પોલીસ આવી રહી છે તેની માહિતી ક્યા પોલીસે આપી તેની તપાસ કરીને તેમને ફિટ કરવાની મથામણ શરૂ થઈ છે. જે લોકોએ દુબેને માહિતી આપી તેમની સામે પગલાં લેવાવાં જ જોઈએ પણ મોટા અપરાધી તો રાજકારણીઓ છે. યોગીએ તેમની સામે પણ પગલાં લેવાં જોઈએ ને બ્રિજેશ પાઠક જેવા પ્રધાનોને લાત મારીને તગેડી મૂકવાની હિંમત બતાવવી જોઈએ. પોલીસોને સજા ચોક્કસ કરો પણ દુબે જેવા ગુંડાઓને પોષનારા રાજકારણીઓને અંદર કરીને યોગીએ દાખલો બેસાડવો જોઈએ. અસલી મર્દાનગી તેમાં જ છે ને તો જ કાનપુર જેવા હત્યાકાંડ ફરી નહીં થાય.