યુપી પોલીસનો હત્યારો દુબ રાતોરાત નેપાળ ભાગી ગયો ?

ઉત્તર પ્રદેશના કાનપુરમાં આઠ પોલીસોની ક્રૂરતાથી હત્યા કરીને ફરાર થઈ ગયેલો ગેંગસ્ટર વિકાસ દુબે હત્યાકાંડના ચાર દિવસ પછી પણ પકડાયો નથી. ગુરુવારે રાત્રે આ ઘટના બની પછી પોતાના પોઠિયાઓ સાથે ફરાર થઈ ગયેલા દુબેને ઝડપવા માટે યોગી આદિત્યનાથની સરકારે પચ્ચીસ તો ટીમો બનાવી દીધી પણ એ પચ્ચીસ ટીમો પાંચ દાડા પછીય એક ગુંડાને પકડી નથી શકી. પકડવાની વાત તો છોડો પણ દુબે ક્યાં ખોવાઈ ગયો તેની પણ ભાળ હજુ સુધી મળી નથી. જૂની હિન્દી ફિલ્મોની ભાષામાં કહીએ તો, દુબે કો ધરતી નિગલ ગઈ યા આસમાન ખા ગયા પતા હી નહીં ચલ રહા હૈ.
જો કે આ તો સત્તાવાર રીતે જાહેર થયેલી વાતો છે ને આપણે ત્યાં પોલીસ કે રાજકારણીઓ સાચું બોલતા જ હોય એ જરૂરી નથી. દુબે પકડાઈ ગયો હોય ને તેની અંદરખાને સર્વિસ ચાલતી હોય એ પણ શક્ય છે. થોડા દાડા આ રીતે સર્વિસ કરીને તેની પાસેથી પોલીસ ને સરકારમાં બેઠેલા તોપચીઓ પોતાને ફાયદો થાય એ બધું ઓકાવી ને પછી દુબેનું રામનામ સત્ય હૈ કરી નાંખે એવું પણ બને.
આપણે ત્યાં પોલીસ નિર્દોષોને ખોટાં એન્કાઉન્ટર્સમાં પતાવી દેતી હોય છે ત્યારે દુબેને પતાવી દેવા માટે તો પૂરતાં કારણો છે. દુબેએ આઠ-આઠ પોલીસોની બેરહેમીથી હત્યા કરી છે એ જોતાં પોલીસ તેને નકલી એન્કાઉન્ટરમાં મારી નાંખે એવું બનવાની પૂરી શક્યતા છે. દુબે સામે આ પોલીસોની હત્યા સિવાય બીજા પણ ઘણા ગુના નોંધાયેલા છે. કુલ મળીને તેની સામે 60 કરતાં વધારે ગુના છે. તેમાં હત્યા ને અપહરણ જેવા ગંભીર ગુના પણ છે એ જોતાં દુબેનું ખરેખર એન્કાઉન્ટર કરી દેવાય તો કોઈને અફસોસ નહીં થાય. ઊલટાનું ધરતી પરથી પાપ ઓછું થશે ને એક પાપી ઓછો થશે. ખુદ દુબેની મા જ દુબેનું એન્કાઉન્ટર કરી નાંખો એવું કહેતી હોય ત્યાં બીજું તો કોઈ અફસોસ કરે પણ શું કરવા?
દુબેના કિસ્સામાં એક શક્યતા એવી પણ વ્યક્ત થઈ રહી છે કે એ નેપાળ ભાગી ગયો છે. ઉત્તર પ્રદેશ અને નેપાળની સરહદ પાસપાસે છે ને સરહદ પર એવો ચાંપતો બંદોબસ્ત છે નહીં કે, એક દેશમાંથી બીજા દેશમાં ના જઈ શકાય. ને જેની પાસે પૈસો હોય તેના માટે તો શું ભારત ને શું નેપાળ ? હથેળી ગરમ કરો એટલે બધા રસ્તા ખૂલી જાય. દુબે પાસે તો હરામની કમાણીનો અઢળક પૈસો છે ને અત્યારે તો તેની ગેઈમ જ કરી નંખાય એવી હાલત છે એ જોતાં પૈસા વેરીને એ નેપાળમાં ભાગી ગયો હોય એવું પણ બને.
જો કે વધારે શક્યતા દુબેને એન્કાઉન્ટરમાં પતાવી દેવાય એવી છે કેમ કે દુબેએ ઉત્તર પ્રદેશ પોલીસ ને યોગી આદિત્યનાથ બંનેના અહમ પર ઘા કરી દીધો છે. પોલીસોનાં ઢીમ ઢાળ્યા પછી એ જે રીતે કુખ્યાત અપરાધી તરીકે આખા દેશની નજરે ચડી ગયો છે એ જોતાં હવે તેના બાપ બનીને બેઠેલા રાજકારણીઓ કે પોલીસ અધિકારીઓ પણ તેનો હાથ પકડવા તૈયાર ના થાય. ઊલટાનું એ લોકો પણ ઈચ્છતા હશે કે દુબેનો કાંટો કાઢી નંખાય તો સારું કે જેથી ભવિષ્યમાં પોતાનું પાપ છાપરે ચડીને પોકારવાનો ડર સાવ જતો રહે. દુબે જીવતો હોય ને પોલીસની પૂછપરછમાં વટાણા વેરવા માંડે તો ઘણાંની હાલત પતલી થઈ જાય. આ સ્થિતિ ના આવે એટલે તેના બાપ બનીને ફરનારા પણ હવે હાથ ખંખેરીને બેસી ગયા જ હશે એ જોતાં દુબેનો ઘડોલાડવો થવાની શક્યતા વધારે છે. આજે નહીં તો કાલે, એ પોલીસની ગોળી ખાઈને મરશે એ નક્કી છે.
જો કે દુબેનું શું થશે તેના કરતાં વધારે મહત્ત્વનો મુદ્દો દુબે જેવા લોકો કેમ પેદા થાય છે તેનો છે ને કમનસીબી એ છે કે, તેના વિશે કોઈ વિચારતું નથી. એ સ્થિતી પેદા ના થાય એ વિશે શું કરવું તેની ચર્ચા કરતું નથી. દુબેએ આચરેલા હત્યાકાંડમાં તપાસનું કેન્દ્રબિંદુ કાનપુર પોલીસના કેટલાક લોકોએ કરેલી ગદ્દારી બની ગયું છે ને આ ગદ્દારી કરનારા પોલીસોને શોધવાથી બધું સરખું થઈ જવાનું હોય એ રીતે યોગી સરકાર પણ વર્તી રહી છે ને પોલીસ પણ વર્તી રહી છે.
કાનપુર પોલીસના માણસોએ દુબેને ફોન કરીને સાવચેત કરી દીધો એ વાત ચોક્કસ મહત્ત્વની છે. એ લોકોએ દુબેને માહિતી ન આપી હોત તો દુબે ઊંઘતો ઝડપાઈ ગયો હોત ને આઠ પોલીસોના જીવ ન ગયા હોત એ સાવ સાચી વાત છે. પોલીસોએ દુબેને સાવચેત કરીને પોલીસોની હત્યા કરવા માટે હથિયારો એકઠાં કરવાની તક પણ આપી દીધી ને હત્યાકાંડ કર્યા પછી ભાગી જવા માટેની ગોઠવણ કરવાનો સમય પણ આપી દીધો. આ પરિસ્થિતિમાં આ ગદ્દાર પોલીસો પોતાના જ આઠ સાથીઓની હત્યા માટે સૌથી વધારે જવાબદાર છે. દુબે કરતાં તેમનું પાપ મોટું છે.
યોગી સરકાર ગદ્દાર પોલીસો ફરતે ગાળિયો કસી રહી છે એ બરાબર છે પણ તકલીફ એ છે કે, એ પોલીસો ફરતે જ ગાળિયો કસી રહી છે. દુબેના પાપમાં બરાબરના ભાગીદાર બીજા કોઈને કશું હજુ સુધી તો થયું નથી ને કશું થાય એવા સંકેત યોગી સરકારે હજુ લગી આપ્યા નથી. આઠ પોલીસોની હત્યાની ઘટના તો દુબેનાં પાપોની ચરમસીમા છે પણ એ પહેલાં દુબેનાં પાપમાં ભાગીદાર છે એ લોકો પણ સજાને લાયક જ છે ને યોગી સરકારે ગદ્દાર પોલીસોની સાથે સાથે એ લોકો ફરતે પણ ગાળિયો કસવો જોઈએ, તેમને પણ ઉઠાવી ઉઠાવીને અંદર કરવા જોઈએ.
દુબેને બધા રાજકીય પક્ષોના નેતાઓ સાથે સારાસારી હતી ને તેને ઘણા રાજકારણીઓએ મદદ કરેલી. એ બધાંનાં નામ શોધવામાં કદાચ સમય જાય પણ જે છીંડે ચડેલા છે તેમને તો ઉઠાવી ઉઠાવીને અંદર કરી જ શકાય. દુબેએ એક વીડિયોમાં હરિશંકર શ્રીવાસ્તવને પોતાના રાજકીય ગુરુ ગણાવ્યા છે. દુબેના ગુરુ શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સ્પીકર હતા પણ હવે આપણી વચ્ચે નથી તેથી તેમનું કશું કરી ન શકાય પણ બીજા કેટલાય નમૂના એવા છે જ કે જેમના છેડા દુબે સાથે અડકે છે એવું જગજાહેર છે. તેમની સામે તો પગલાં લઈ શકાય કે ના લઈ શકાય ? યોગીમાં હિંમત હોય તો એ કરવું જોઈએ. દુબેને બધા રાજકીય પક્ષોના નેતાઓએ મદદ કરેલી એ જોતાં પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને યોગીએ પાંચ-સાત આવા નમૂનાઓએ અંદર કરીને સપાટો બોલાવી દેવો જોઈએ. એ જ હાલત દુબેના ટુકડા પર નભનારા પોલીસ અધિકારીઓ અને બીજાં લોકોની કરવી જોઈએ.
યોગી રાજકારણને ગુંડાઓ અને અપરાધીઓથી મુક્ત કરવાની વાતો બહુ કરતા રહ્યા છે. દુબેથી જે કંઈ કર્યું એ આઘાતજનક છે ને એવું નહોતું થવું જોઈતું પણ તેના કારણે યોગી પાસે અચાનક જ એક તક આવી ગઈ છે. યોગી ખરેખર અપરાધીઓને રાજકારણીઓથી દૂર રાખવા માગે છે, નેતાઓ અને ગુંડાઓની સાઠગાંઠ તોડીને સમાજમાં નિર્ભિકતાનું વાતાવરણ સ્થાપવા માગે છે એવું સ્થાપિત કરવાનો મોકો તેમની પાસે આવી ગયો છે. યોગીએ આ મોકો ચૂકવા જેવો નથી. અત્યાર સુધી બીજું કોઈ ના કરી શક્યું એ કરી બતાવીને યોગીએ છાકો પાડી દેવો જોઈએ.
યોગી આ દિશામાં પગલાં ભરશે તો એ મોટી વાત હશે કેમ કે આપણે ત્યાં રાજકારણના અપરાધીકરણનો મુદ્દો ગંભીર છે. બધા રાજકારણીઓ અપરાધીઓના સફાયાની વાતો કરે છે પણ કશું કરતા નથી. બલકે તેમને પડખામાં લઈને પોતાની દુકાન ચલાવે છે. ભાજપ પણ તેમાં અપવાદ નથી. ભાજપે પણ બધાં રાજ્યોમાં ગુંડાઓને પોષ્યા જ છે ને સત્તા કબજે કરવા તેમનો ઉપયોગ કર્યો જ છે. યોગીની ઈમેજ અલગ છે કેમ કે એ મૂળભૂત રીતે સામાજિક સેવાના ક્ષેત્રમાંથી આવેલા છે. યોગીનું રાજકારણ હિંદુત્વ આધારિત ચોક્કસ છે પણ એ ગુંડાઓ ને અપરાધીઓથી દૂર રહ્યા છે. ભાજપના બીજા ઘણા નેતા પણ રહ્યા છે પણ એ લોકો સત્તામાં નથી તેથી તેમની વાત કરવાનો અર્થ નથી. યોગી સત્તામાં છે તેથી તેમની પાસે કશુંક કરી બતાવવાની તક છે.