Wednesday, December 8, 2021
Home તંત્રી લેખ દુબેના એન્કાઉન્ટર પછી પણ હજુ ઉત્તર પ્રદેશ તો ગુનેગારોનું સ્વર્ગ છે

દુબેના એન્કાઉન્ટર પછી પણ હજુ ઉત્તર પ્રદેશ તો ગુનેગારોનું સ્વર્ગ છે

અંતે ઉત્તર પ્રદેશનો ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં પતી ગયો ને મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપાયો તેના ચોવીસ કલાકમાં તો તેની કથા કાયમ માટે સમાપ્ત થઈ ગઈ. પોલીસ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી ગુરુવારે ઝડપાયેલા વિકાસ દુબેને ઉત્તર પ્રદેશથી કાનપુર લઈ જતી હતી ત્યારે આ એન્કાઉન્ટર થયું. ઉત્તર પ્રદેશ પોલીસના દાવા પ્રમાણે, પોલીસ ઉજ્જૈનમાંથી વિકાસ દુબેને ત્રણ કારના કાફલા સાથે લઈને નિકળેલી. વિકાસ દુબેને વચ્ચેની કારમાં રખાયેલો. કાનપુરથી વીસેક કિલોમીટર દૂર અચાનક દુબે જે કારમાં હતો એ કાર પલટી ખાઈ ગઈ કેમ કે વરસાદના કારણે રસ્તા ભીના હતા.

વિકાસ દુબેને લાગ્યું કે, ભાગી જવાની તક છે એટલે તેણે એક પોલીસની ગન આંચકી લીધી ને ભાગવાની કોશિશ કરી પણ સતર્ક પોલીસે તેની પાછળ દોડીને તેને ઘેરી લીધો. પોલીસે તેને શરણે આવવા પણ કહ્યું પણ દુબે ન માન્યો ને પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબમાં પોલીસે પણ બચાવમાં સામો ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં દુબે ઘાયલ થયો ને પોલીસ તેને તાબડતોબ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર પણ ચાલુ કરાઈ પણ ગોળીઓએ વાગવાથી વધારે પ્રમાણમાં લોહી વહી ગયેલું તેથી એ ઝીંક ન ઝીલી શક્યો ને ઢબી ગયો.

દુબેના એન્કાઉન્ટરની પોલીસે જે કથા સંભળાવી એ પુરી ફિલ્મી લાગતી હોવા છતાં સાચી છે. આ કથા સામે ઘણા સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે ને તેમાંથી ઘણા સવાલો તાર્કિક પણ છે. દુબેના એન્કાઉન્ટર પહેલાં સવારે ચાર વાગ્યે કાનપુર પહેલાં આવતા ટોલ પ્લાઝાના સીસીટીવીનો વીડિયો ફરતો થયો છે. આ વીડિયોમાં દુબે બીજી કારમાં બેઠેલો છે જ્યારે જે કાર પલટી ખાઈ ગઈ એ અલગ કાર છે. દુબેને એક કારમાંથી બીજી કારમાં શું કરવા લઈ જવાયો એ સવાલ થઈ રહ્યો છે. દુબેને ઉજજૈનથી કાનપુર લઈ જવાતો હતો ત્યારે મીડિયાના માણસો કાર લઈને સતત તેમનો પીછો કરતા હતા. દુબેનું એન્કાઉન્ટર કરાયું એ સ્થળથી બે કિલોમીટર દૂર બધી કારોને રોકી દેવાઈ હતી ને આગળ નહોતી જવા દેવાઈ તેના કારણે એન્કાઉન્ટરનો પ્લાન પહેલેથી ઘડાયેલો એવું લાગે જ. દુબેનું એન્કાઉન્ટર થયું એ ગામનાં લોકોએ બંદૂકની ગોળી છૂટવાના અવાજ સાંભળ્યા પણ કાર પલટી ખાઈ ગઈ ને એક્સિડન્ટ થયો છે તેના અવાજ કોઈએ નહોતા સાંભળ્યા. દુબે ખૂનખાર અપરાધી હતો છતાં પોલીસ તેને હાથકડી પહેરાવ્યા વિના જ લઈ આવતી હતી તેના કારણે પણ લાગે જ કે બધું પહેલેથી નક્કી હતું.

આ સિવાય બીજા સવાલો છે ને મીડિયામાં આ સવાલો ઉઠાવાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં દુબેના સમર્થકો હતા ને હજુય છે. એ લોકો સોશિયલ મીડિયામાં દેકારો મચાવી રહ્યા છે ને પોલીસે કારસો કરીને દુબેને પતાવી દીધો એવું કહી રહ્યાં છે. સવાલો ઘણા છે ને શંકાઓ પણ છે પણ તેનો હવે અર્થ નથી. અત્યારે વાસ્તવિકતા એ છે કે, વિકાસ દુબેનું રામ બોલો ભાઈ રામ થઈ ગયું છે ને આ સવાલો ઉઠાવવાથી એ પાછો આવવાનો નથી.

વાસ્તવમાં આ સવાલો ઉઠાવવા પણ ન જોઈએ કેમ કે વિકાસ દુબે કંઈ સાધુ-મહાત્મા નહોતો. એ ખૂનખાર ગેંગસ્ટર હતો ને તેના નામે 60 કરતાં વધારે ગંભીર ગુના બોલતા હતા. આપણે એ બધા ગુનાની વાત ન કરીએ તો પણ છેલ્લે તેણે પોતાના ગામમાં ઘુસેલા આઠ પોલીસોની હત્યા કરી નાખી એ ગુનો જ એટલો મોટો છે કે, તેને એન્કાઉન્ટરમાં પતાવી દેવાયો હોય તો પણ તેનો અફસોસ ન કરવાનો હોય. દુબેના સમર્થકો ઊહાપોહ કરી રહ્યા છે એમ પોલીસે ઠંડે કલેજે દુબેને પતાવી દઈને તેને એન્કાઉન્ટરમાં ખપાવી દીધું હોય તો પણ પોલીસે કશું ખોટું કર્યું નથી.

દુબેને પકડવા ગયેલી પોલીસ પોતાનું કામ કરવા ગયેલી ને તેમને દુબેએ એકદમ ક્રૂરતાથી મારી નાખ્યા. દુબેએ જે કંઈ કર્યું એ જોતાં તેનો અંજામ એન્કાઉન્ટરમાં આવશે એ નક્કી જ હતું કેમ કે દુબેએ પોલીસની તાકાતને સીધો પડકાર ફેંકી દીધો હતો. દુબે જેવો બે બદામનો ગુંડો આઠ-આઠ પોલીસોની હત્યા કરી નાખે ને પોલીસ હાથ પર હાથ મૂકીને બેસી રહે એ નબળાઈ કહેવાય. દુબેના સમર્થકો પોલીસ પાસેથી એવી અપેક્ષા રાખતા હોય તો તેનાથી મોટી મૂર્ખામી બીજી કોઈ ન કહેવાય. દુબેએ પોલીસોની હત્યા કરીને પોતાનું ભાવિ નક્કી કરી જ નાખેલું. તેનાં કરમ અથવા તો કુકર્મ પ્રમાણે તેનું મોત નક્કી જ હતું ને એ તેને મળ્યું છે.

દુબેના એન્કાઉન્ટરના કારણે યોગી આદિત્યનાથની આબરૂ પણ બચી ગઈ. યોગી ઉત્તર પ્રદેશમાંથી ગુંડારાજ નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે ત્યારે તેમના રાજ્યમાં એક સામાન્ય ગુંડો આઠ-આઠ પોલીસોની હત્યા કરી નાખે એ ઘટનાએ યોગીને જાગતા કર્યા. દુબેના એન્કાઉન્ટર પછી હજુ પણ ઉત્તર પ્રદેશ તો અપરાધીઓના સ્વર્ગ જેવું જ છે. યોગી જેવા નિષ્ઠાવાન અને કડક મુખ્યમંત્રી એકલાથી રાતોરાત તો ચિત્ર ન બદલે. પરંતુ યોગીની મહેનત કાબિલે દાદ છે.

યોગી પર દુબેને સીધો કરી પાઠ ભણાવવાની જવાબદારી હતી. એ પરિસ્થિતિમાં યોગી પાસે દુબેની દવા કરવાના બે જ રસ્તા બચેલા. કાં દુબે આખી જિંદગી જેલમાં સબડે એ રીતે તેને કાયદાકીય રીતે ફિટ કરી દેવો કાં પછી ઉપર પહોંચાડી દેવો. દુબેનો પ્રભાવ જોતાં લાગતું હતું કે, યોગી પહેલો રસ્તો અપનાવશે ને દુબેને બરાબરનો સીધો કરી દેશે. તેની એવી હાલત કરી નાંખશે કે એ આખી જીંદગી બહાર ન આવી શકે. જો કે યોગીએ છેલ્લે છેલ્લે હિંમત કરી નાખીને બીજો રસ્તો અપનાવી દીધો ને દુબેનું ચેપ્ટર કાયમ માટે ક્લોઝ કરી દીધું. હવે જેને સવાલો ઉઠાવવા હોય એ ઉઠાવે ને શંકાઓ કરવી હોય એ કરે. યોગીએ મરણિયા થઈને સાબિત કરી દીધું કે, ઉત્તર પ્રદેશમાં તેમની સરકાર છે ને તેમનું રાજ ચાલે છે એ વિશે કોઈ ભ્રમમાં ન રહે.

દુબેના એન્કાઉન્ટર મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે એન્કાઉન્ટરને ખોટું નથી ગણાવ્યું પણ યોગીની દાનત સામે સવાલ કર્યા છે. દુબેના છેડા ભાજપના ઘણા નેતા સાથે અડતા હતા ને યોગી સરકારના પ્રધાનો સાથે તેની ઊઉઠક-બેઠક હતી. ભાજપના નેતા ને યોગીના પ્રધાનોના પાપ છાપરે ચડીને ના પોકારે એટલે યોગીએ દુબેને કાયમ માટે સૂવડાવી દીધો એવા આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે. પ્રિયંકા ગાંધી લાંબા સમયથી યોગી સરકાર સામે આદું ખાઈને પડેલાં છે. પ્રિયંકાએ આ તકનો લાભ લઈને આક્ષેપ કર્યા છે કે યોગી સરકારે પોતાની નિષ્ફળતા ને પાપ છૂપાવવા છેવટે એન્કાઉન્ટરનું હથિયાર અજમાવ્યું. સમાજવાદી પાર્ટી અને બીજા પક્ષોએ પણ એન્કાઉન્ટરના બહાને ભાજપની ખોટેખોટી ટીકા કરવાનો કાર્યક્રમ શરૂ કરી જ દીધો છે.

કોંગ્રેસ સહિતના વિપક્ષોનું કામ ભાજપની ખોટી ટીકા કરવાનું છે તેથી એ લોકો આવા આક્ષેપો કરે તેમાં નવાઈ નથી પણ તેના કારણે યોગી સરકારને કશો ફરક પડતો નથી. દુબે માટે મુઠ્ઠીભર લોકોને સહાનુભૂતિ હશે પણ મોટા ભાગનાં લોકો એમ જ માને છે કે, દુબે આવા મોતને જ લાયક હતો ને યોગી સરકારે કશું ખોટું કર્યું નથી. દુબેના મોતના કારણે ઘણાં બધા રહસ્યો દફન થઈ ગયાં ને ઘણાંને હાશકારો પણ થયો એ સાચું પણ એમાં માત્ર ભાજપના નેતા જ નથી. દુબેને બીજા પક્ષના નેતાઓ સાથે પણ સારાસારી હતી એ જોતાં આ એન્કાઉન્ટરથી બધા રાજકીય પક્ષોને રાહત થઈ છે.

વિપક્ષો યોગી સરકાર પર નિષ્ફળતાના ને બીજા આક્ષેપો કરે છે એ પણ બકવાસ છે. આ આક્ષેપો કરનારાંને પૂછવું જોઈએ કે, યોગીએ કંઈ ન કર્યું તો તમે પણ અત્યાર લગી દુબેનું શું બગાડી લીધેલું ? દુબેએ છેક 2001ની સાલમાં રાજ્ય કક્ષાના પ્રધાન સંતોષ શુકલાની પોલીસ સ્ટેશનમાં ઘુસીને હત્યા કરી નાખેલી. આ વાતને બે દાયકા થઈ ગયા. આ બે દાયકામાં સમાજવાદી પાર્ટીની બબ્બે સરકારો આવી ગઈ ને માયાવતી પણ બે વાર ગાદી પર બેસી ગયાં. દુબેના ગુંડારાજનો ખાતમો કરવા તેમણે કેમ કશું ના કર્યું ? સંતોષ શુકલાની હત્યા પછી દુબે સંત બનીને બેસી ગયેલો ને કોઈ અપરાધ નહોતો કર્યો એવું તો છે નહીં ? દુબે સામે 60 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે ને તેમાંથી મોટા ભાગના 2000 પછીના છે. છતાં કેમ તેની સામે કોઈ પગલાં ન લેવાયાં ? કોંગ્રેસની ઉત્તર પ્રદેશમાં સરકાર ન આવી પણ કેન્દ્રમાં તો તેની સરકાર હતી જ. કોંગ્રેસે પહેલાં કદી દુબેનો મુદ્દો કેમ ન ઉઠાવ્યો? હવે બધા મચી પડ્યા છે ત્યારે કૂડું કથરોટને હસતું હોય એવું લાગે છે.

error: Content is protected !!