ડૉ. ભરત કાનાબાર કદાચ ડૉ. ભરત પટેલ હોત તો આજે ક્યાંના ક્યાંય પહોંચ્યા હોત

રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલી અશોક ગહલોત વર્સીસ સચિન પાયલોટ જૂથની ભવાઈ વચ્ચે સોમવારે ભાજપે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખપદે સી.આર. પાટીલની નિમણૂક કરી. ગુજરાત ભાજપના પ્રમુખપદે આ પહેલાં જીતુભાઈ વાઘાણી હતા. વાઘાણીની ત્રણ વર્ષની મુદત ગયા વર્ષે જ પતી ગયેલી પણ ગુજરાતના રાજકારણમાં એ વખતે કશું કરવા જેવું હતું નહીં ને પછી કોરોના આવી ગયો તેમાં વાઘાણીને ભાજપે ખેંચ્યે રાખેલા. કોરોનાના કારણે લદાયેલા લોકડાઉનમાં રાજકીય પક્ષે કશું કરવાનું નહોતું ને આમ પણ ભાજપમાં જે કંઈ થાય એ બધું ઉપરથી જ થાય છે એ જોતાં વાઘાણીએ ઝાઝું કશું કરવાનું પણ નહોતું તેથી એ શોભાના ગાંઠિયાની જેમ પ્રમુખપદે બેસી રહેલા.

મીડિયા પાસે કોરોનાને કારણે પૂરતા સમાચારો હતા તેથી વાઘાણી પ્રમુખપદે રહે કે જાય તેની કોઈ ચિંતા પણ નહોતું કરતું. વચ્ચે વચ્ચે કોઈ વાઘાણી રહેશ કે જશે તેનો કોઈ ડબકો મૂકી દે ત્યારે બે-ચાર દિવસ એ ચર્ચા ચાલતી. વાઘાણી જશે તો તેના સ્થાને પટેલ આવશે કે કોળી આવશે કે ક્ષત્રિય આવશે કે ઓબીસી આવશે એવી ટિપિકલ જ્ઞાતિવાદી માનસિકતા સાથેની ચોવટ શરૂ થઈ જતી. વચ્ચે વિજય રૂપાણી સરકારના પ્રધાન પુરૂષોત્તમ સોલંકીના ભાઈ હીરાભાઈ સોલંકીએ પોતે પ્રમુખ બનવા ઉધામા શરૂ કરેલા. કોળી યુવા સંગઠનોના નામે શક્તિપ્રદર્શન પણ શરૂ કરેલાં તેથી ભાજપ કોળીઓને રાજી રાખવા કોઈ કોળીને પ્રમુખપદે બેસાડશે એવી વાતો શરૂ થઈ ગયેલી. મીડિયામાં બેઠેલા પોતાની મતિ પ્રમાણે પતંગો ચગાવ્યા કરતા પણ કોઈને કોણ પ્રમુખપદે આવશે તેનો અંદાજ જ નહોતો.

અચાનક જ રાજકીય બોમ્બ ફૂટ્યો ને સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખપદે બેસાડવાની જાહેરાત થઈ. આ જાહેરાતે મીડિયાના ખેરખાંથી માંડીને ભાજપના ધુરંધરો સુધીના બધાને હતપ્રભ કરી દીધા કેમ કે સી.આર. પાટીલ ટિપિકલ જ્ઞાતિવાદી સમીકરણોમાં ક્યાંય ફિટ જ બેસતા નથી. પાટીલને ઘણા મૂળ મહારાષ્ટ્રીયન ગણાવે છે પણ તેમને મહારાષ્ટ્રીયન ન ગણાવી શકાય. એ અત્યારના મહારાષ્ટ્રમાં આવેલા પ્રદેશમાં જન્મ્યા પણ એ વખતે ગુજરાત ને મહારાષ્ટ્ર એક જ હતાં એ જોતાં જન્મના કારણે પણ તેમને મહારાષ્ટ્રીયન ન ગણી શકાય. એ રીતે ગણવા જાઓ તો લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાની ગણાય ને મુખ્યમંત્રી વિજય રૂપાણી બર્મીઝ ગણાય કેમ કે એ રંગૂનમાં જન્મ્યા છે.

પાટીલ મહારાષ્ટ્રના પ્રદેશમાં ભલે જન્મ્યા પણ એ ઉછર્યા ગુજરાતમાં, નોકરી ગુજરાતમાં કરી ને આખી જિંદગી ગુજરાતમાં રહ્યા. રાજકીય કારકિર્દી પણ ગુજરાતમાં બનાવી ને ગુજરાતી લોકોએ જ તેમને ત્રણ-ત્રણ વાર સાંસદ તરીકે ચૂંટીને લોકસભામાં મોકલ્યા. તેમની કર્મભૂમિ ગુજરાત જ રહી છે એ જોતાં પાટીલ સંપૂર્ણપણે ગુજરાતી જ છે. એ મરાઠીભાષી સમુદાયમાંથી આવે છે પણ ભાષાને પ્રાદેશિકતા સાથે કંઈ લેવાદેવા નથી. કોઈ પણ પ્રદેશમાં રહેનારો માણસ ગમે તેટલી ભાષા બોલી શકે એ જોતાં પાટીલ મરાઠીભાષી હોય તો પણ મહારાષ્ટ્રીયન નથી. જે રીતે મુંબઈમાં રહેનારા ગુજરાતી ભાષા બોલનારા મહારાષ્ટ્રીયન છે એ રીતે પાટીલ પણ ગુજરાતી જ છે. આ સ્પષ્ટતા એટલા માટે જરૂરી છે કે, રાજકીય અને બીજાં કારણોસર પાટીલને મહારાષ્ટ્રીયનમાં ખપાવવાની કોશિશ થઈ રહી છે પણ આ મુદ્દો વાહિયાત અને અપ્રસ્તુત છે.

જો કે પાટીલ ટિપિકલ જ્ઞાતિવાદી સમીકરણો અંગેની માન્યતાઓમાં ફિટ નથી બેસતા એ હકીકત છે. તેના કારણે ઘણાંને આ નિમણૂકથી આશ્ચર્ય થયું છે પણ તેમાં કંઈ નવાઈ પામવા જેવું કંઈ નથી. સી.આર. ઉર્ફે ચંદ્રકાન્ત રઘુનાથ પાટીલની ગુજરાત ભાજપ પ્રમુખપદે નિમણૂક ટિપિકલ નરેન્દ્ર મોદી સ્ટાઈલની છે. મોદી લોકોને આંચકા આપવા માટે જાણીતા છે. લોકો અને ખાસ તો મીડિયા જે ધારણા બાંધીને બેઠું હોય તેનાથી સાવ અલગ રીતે વર્તીને કશુંક કરવું એ મોદીની સ્ટાઈલ છે. લોકોને ચોંકાવી દેવા એ મોદીની આદત છે. પાટીલ ક્યાંય ચિત્રમાં જ નહોતા ને તેમને પ્રદેશ પ્રમુખ બનાવીને મોદીએ પોતાની એ આદતનો વધુ એક વાર પરચો આપ્યો છે.

પાટીલ મોદીની અત્યંત નજીક છે અને પાટીલની નિમણૂકમાં આ બાબતે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેનો ઈનકાર ન થઈ શકે પણ સામે મોદીએ જે પગલું ભર્યું છે એ હિંમતભર્યું છે તેનો પણ ઈનકાર ન થઈ શકે. મોદીએ પાટીલની નિમણૂક દ્વારા ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદી સમીકરણોને તોડવાનો જે પ્રયાસ કર્યો છે એ અત્યંત સરાહનિય છે. ગુજરાતમાં જ નહીં પણ દેશના બીજાં રાજ્યોમાં પણ જ્ઞાતિવાદી સમીકરણો એ હદે ઘર કરી ગયાં છે કે જ્ઞાતિવાદથી ઉપર કોઈ વિચારી જ શકતું નથી. ગુજરાતમાં પણ એ જ હાલત છે ને મોટા ભાગના હોદ્દા જ્ઞાતિવાદી સમીકરણોના કારણે જ અપાય છે. સંગઠનમાં કે પ્રધાનમંડળમાં પણ અમુક જગાઓ ચોકક્સ જ્ઞાતિના ધારાસભ્યોથી જ ભરવી ને કેટલાક મહત્ત્વના હોદ્દા તો ચોક્કસ જ્ઞાતિને જ આપવા એવી માન્યતા ઘર જ કરી ગઈ હતી. મોદીએ વિજય રૂપાણીને મુખ્યમંત્રીપદે બેસાડીને આ માન્યતાને તોડવાનો પ્રયાસ કરેલો પણ તેમાં ભાજપને હારનો ખતરો ઊભો થઈ ગયો પછી ભાજપ પાછો જૂની ઘરેડમાં જ આવી ગયેલો. પાટીલને પ્રમુખપદે બેસાડીને મોદીએ એ ઘરેડને ફરી તોડી છે.

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી છે ને પાટીલ ત્રણ વર્ષ માટે નિમાયા છે એ જોતાં ગુજરાતમાં ભાજપ પાટીલના નેતૃત્વમાં ચૂંટણી લડશે એ નક્કી છે. આ ચૂંટણીમાં શું થશે એ ખબર નથી પણ ભાજપ જીતે તો પાટીલ મુખ્યમંત્રી બની શકે. અલબત્ત એ પહેલાં ભાજપે જીતવું પડે ને પાટીલના નેતૃત્વમાં ભાજપ જીતે એ જરૂરી છે. તેનું કારણ એ કે, પાટીલના નેતૃત્વમાં ભાજપ નહીં જીતે તો હાર માટે જ્ઞાતિવાદી સમીકરણોને જવાબદાર ગણાવી દેવાશે. ભાજપે જ્ઞાતિવાદી સમીકરણોને અવગણીને મોટી જ્ઞાતિના કોઈ નેતાને બદલે મોદીના માનીતાને આગળ કર્યો તેમાં તેની બાજી સંકેલાઈ એવી વાતો વહેતી થઈ જશે. જ્ઞાતિવાદી સમીકરણોની ચુંગાલમાંથી ગુજરાતને બહાર કાઢવાની તક રોળાઈ જશે. ભાજપ માટે હરિયાણામાં એવું થયું જ છે.

હરિયાણામાં મુખ્યમંત્રીપદે તો જાટ જ બેસે એવી માન્યતા હતી પણ મોદીએ તેના બદલે પંજાબના અને ખત્રી સમાજના મનોહરલાલ ખટ્ટરને ગાદી પર બેસાડેલા. ભાજપને 2014માં હરિયાણામાં સ્પષ્ટ બહુમતી મળેલી પણ 2019માં પનો ટૂંકો પડ્યો ને જેજેપી સાથે જોડાણ કરી સરકાર બનાવવી પડી. તેના કારણે એવી વાતો શરૂ થઈ કે, ભાજપે જાટ મતદારોને અવગણ્યા તેમાં આ દશા થઈ. બાકી જાટને સાચવ્યા હોત તો ફરી સ્પષ્ટ બહુમતી મળી હોત. ભાજપે પણ આ કારણે પ્રદેશ પ્રમુખપદે જાટ ઓ.પી. ધાનકરને મૂકવા પડ્યા છે. પાટીલ નિષ્ફળ જશે તો ભાજપ ગુજરાતમાં પણ એ જ રસ્તે જશે ને પાછો જ્ઞાતિવાદી સમીકરણોના આધારે નિમણૂકો કરવી પડશે.

ગુજરાતને જ્ઞાતિવાદી સમીકરણોની ચુંગાલમાંથી કાઢવું એટલા માટે જરૂરી છે કે, આ સમીકરણોના કારણે ટેલેન્ટની તો કંઈ કિંમત જ નથી રહી. માણસના માથા પર કઈ જ્ઞાતિનું લેબલ લાગેલું છે એ જ મહત્ત્વનું થઈ ગયું છે. તેનું પરિણામ એ આવ્યું છે કે, અમુક જ્ઞાતિના માણસોને તો રાજકીય પક્ષો ટિકિટ માટે ગણતરીમાં નથી લેતા. વ્યક્તિ ગમે તેટલી હોંશિયાર હોય, તેનામાં ગમે તેવા નેતૃત્વના ગુણ ભર્યા હોય, પ્રમાણિક હોય, દેશ માટે કશુંક કરી શકવા સક્ષમ હોય, ઉચ્ચ શિક્ષિત હોય ને તમે ગણાવો એ બધી લાયકાત તેનામાં હોય. જૂની વારતામાં આવતા બત્રીસ લક્ષણા પુરૂષ કે સર્વગુણ સંપન્ન બધાં લક્ષણો તેનામાં હોય તો પણ જ્ઞાતિનાં સમીકરણોમાં ફિટ ન બેસે તો તેની કોઈ ગણતરી જ નહીં. આપણે ત્યાં ડૉ. ભરત કાનાબાર આ વિચારધારાનો ભોગ બનીને પાછળ રહી ગયા છે. જો તેઓ ડૉ. ભરત પટેલ હોત તો આજે ક્યાંના ક્યાંય પહોંચી ગયા હોત. આ વાત ભલે કોઈ કહેતું ન હોય પણ બધા જાણે છે. તેઓ પોતે પણ જાણતા હશે છતાં નિઃસ્વાર્થ ભાવે પક્ષ અને પ્રજાની સેવામાં લાગેલા છે.

આ સ્થિતિ આપણા માટે શરમજનક કહેવાય કેમ કે જ્ઞાતિના આધારે કઈ રીતે કોઈ જનપ્રતિનિધિ બનવા લાયક છે કે નહીં એ કઈ રીતે નક્કી થાય? આ ધારાધોરણ પ્રમાણે તો નાની નાની જ્ઞાતિઓને ટિકિટ જ ના મળે. સોની, લોહાણા, મોચી, રાવળ, લુહાર જેવી સંખ્યાબંધ જ્ઞાતિના ટેલેન્ટેડ લોકોને તક જ ન મળે એવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી. મોદીએ એ સ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો છે તેથી તેની સફળતા જરૂરી છે.

પાટીલની નિમણૂક દ્વારા ભાજપ તેના અસલી સ્વરૂપમાં પાછો ફર્યો છે એમ પણ કહી શકાય. મોદી મજબૂત બન્યા પછી ગુજરાતમાં ભાજપના પ્રમુખપદે પટેલની જ નિમણૂક થઈ તેના કારણે એવી માન્યતા બંધાઈ કે, ભાજપ પ્રદેશ પ્રમુખપદ પટેલને જ આપે છે. મોદીના સમયમાં પહેલાં પરસોત્તમ રૂપાલા, પછી આર.સી. ફળદુ ને છેલ્લે જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ બન્યા. મોદી વડા પ્રધાન બન્યા પછી વચ્ચે થોડો સમય વિજય રૂપાણી પ્રમુખપદે આવેલા પણ મોટા ભાગનો સમય પટેલો જ રહ્યા તેના કારણે આ છાપ પડી. આ છાપ ખોટી છે કેમ કે ભાજપમાં પટેલ સિવાયના પ્રમુખ બનતા જ રહ્યા છે. મોદીના આગમન પહેલાં છ વર્ષ પ્રમુખ રહેલા રાજેન્દ્રસિંહ રાણા ક્ષત્રિય હતા તો વજુભાઈ વાળા કાઠી હતા. દક્ષિણ ગુજરાતના દિગ્ગજ કાશીરામ રાણા ઓબીસી સમાજના હતા. કેશુભાઈ પટેલ અને ડો. એ.કે. પટેલ પાટીદાર હતા પણ મકરંદ દેસાઈ અને શંકરસિંહ વાઘેલા પાટીદાર નહોતા.