ઉકાઇ ડેમની સપાટી ૧૦ ફૂટના વધારા સાથે ૩૨૭.૭૫ ફૂટ થઇ

  • ગત વર્ષે ૨૯૮.૨૫ ફૂટ, ચાલુ વર્ષે ૩૨૭.૭૫ ફૂટ સપાટી
    સુરત,
    ઉકાઇ ડેમના કેચમેન્ટમાં આ વર્ષે સતત ઓછા વધતા પ્રમાણમાં વરસાદ વરસવાનું ચાલુ રહેતા ૨૧ રેઇનગેજ સ્ટેશનમાં મૌસમનો કુલ વરસાદ૮૬૫૬ મિમિ અને સરેરાશ ૧૬.૪૮ ઇંચ વરસાદ થયો છે. જેથી ઉકાઇ ડેમની સપાટીમાં ૧૦ ફૂટનો વધારો થઇને આજે ૩૨૭.૭૫ ફૂટ નોંધાય છે. જે ગત વર્ષ ૨૦૧૯ના આજના દિવસે નોંધાયેલી સપાટી કરતા આ વર્ષે ૨૯ ફૂટ વધુ છે.
    ઉકાઇ ડેમના ઉપરવાસના ભાગોમાં ટેસ્કાથી લઇને નિઝામપુર સુધીના કુલ ૨૧ રેઇનગેજ સ્ટેશનો આવ્યા છે. આ તમામ સ્ટેશનો પર જે વરસાદ નોંધાયો છે તે વરસાદના આંકડા તેમજ હથનુર ડેમમાંથી છોડાયેલું પાણીને ધ્યાનમાં રાખીને કેટલું પાણી ઉકાઇ ડેમમાં આવશે તેની ગણતરીઓ થતી હોય છે. આ ગણતરી વચ્ચે આ વર્ષે ઉકાઇ ડેમના કેચમેન્ટમાં અત્યાર સુધીનો કુલ વરસાદ ૮૬૫૬ મિમિ અને સરેરાશ ૧૬.૪૮ ઇંચ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ચીખલધરામાં ૨૨.૯૬ ઇંચ અને સૌથી ઓછો વરસાદ નિઝામપુરમાં ૨ ઇંચ નોંધાયો છે. સાથે જ ઉકાઇ ડેમની સપાટી ૩૧૭ ફૂટે સ્થિર હતી તે વખતે પાણીની આવક આવવાની શરૂઆત થયા બાદ આજદિન સુધીમાં ૧૦ ફૂટ પાણીની આવક આવવાની સાથે જ આજે સપાટી ૩૨૭.૭૫ ફૂટ નોંધાય છે.
    ઉકાઇ ડેમના રૂલ લેવલ ૩૩૩ ફૂટ કરતા સપાટી હવે સવા પાંચ ફૂટ જ દુર છે. આ સપાટીની સાથે જ ગત ૨૦૧૯ના વર્ષની જૂન, જુલાઇ મહિનાની ઉકાઇ ડેમની સપાટી ૨૯૮.૨૫ ફૂટ નોંધાય હતી. આ વર્ષે જૂન, જુલાઇ મહિનામાં સપાટી ૩૨૭.૭૫ ફૂટ નોંધાય છે. આમ ગત વર્ષ કરતા આ વર્ષે ઉકાઇ ડેમમાં ૨૯ ફૂટ પાણી વધુ છે. હાલ ઉકાઈ ડેમમાં ૧૪,૧૪૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ૧૦૦૦ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહૃાું છે.