ડેવિડ જ્હોને હોકી ઈન્ડિયાના પર્ફોર્મન્સ ડિરેક્ટર પદૃેથી રાજીનામું આપ્યું

હોકી ઈન્ડિયામાં લાંબા સમય સુધી હાઈ પર્ફોર્મન્સ ડિરેક્ટર પદૃે રહેલા ડેવિડ જ્હોને શુક્રવારે રાજીનામું ધરી દીધું છે. નોંધનીય છે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ)એ તેમનો કોન્ટ્રાક્ટ રીન્યૂ કર્યાના ગણતરીના દિવસમાં જ જ્હોને પદૃેથી રાજીનામું આપી દૃેતા ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના મતે હોકી ઈન્ડિયા ફેડરેશનના ટોચના અધિકારીઓ સાથેના મતભેદોને પગલે જ્હોનની અવગણના કરાતી હોવાથી આખરે કંટાળીને તેમણે રાજીનામું આપવાનો વિકલ્પ યોગ્ય ગણ્યો હતો.
સાઈએ તાજેતરમાં જ જ્હોનનો કોન્ટ્રાક્ટ રીન્યૂ કરીને સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી લંબાવ્યો હતો પરંતુ મૂળ ઓસ્ટ્રેલિયાના જ્હોને રાજીનામું આપતા જણાવ્યું કે હોકી ઈન્ડિયા દ્વારા લાંબા સમયથી તેમની અવગણના કરવામાં આવતી હતી. નિકટના વર્તુળોના મતે જ્હોને હોકી ઈન્ડિયા અને સાઈને બે દિવસ પૂર્વે રાજીનામું સોંપ્યું ત્યારે વ્યક્તિગત કારણ હોવાનું જણાવ્યું હતું. હોકી ઈન્ડિયાએ જ્હોનનું રાજીનામું સ્વીકારી લીધું છે જ્યારે સાઈ જે તેના અધિકૃત માલિક છે તેમણે જ્હોનના રાજીનામા અંગે નિર્ણય કરવાનો બાકી છે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.
આ તમામ બાબતોથી વાકેફ એક નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે ડેવિડને લાંબા સમય સુધી હાંસિયામાં ધકેલી દૃેવાતા તે હોકી ઈન્ડિયા પર રોષે ભરાયા હતા. ફેડરેશનના ટોચના અધિકારીઓ ટીમના મહત્વના નિર્ણયો અંગેની ચર્ચા વખતે જ્હોનની અવગણના કરતા હતા. જ્હોનને ફક્ત કોચ તેમજ પ્લેયર્સના ઓનલાઈન ક્લાસિસમાં વ્યસ્ત રાખવામાં આવતા હતા.