અનામત અને પેટા અનામતના મુદ્દે અદાલત ટીકા કરે છે પણ ફેરફાર નહિ

‘નીટ’ અને ‘જેઈઈ-મેઈન’ પરીક્ષા યોજવાના મુદ્દે ચાલી રહેલા ઘમસાણ વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે અનામત અંગે વધુ એક મોટો ચુકાદો આપ્યો. આપણે ત્યાં શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ (એસસી) માટે 15 ટકા અનામતની જોગવાઈ છે. આદિવાસીઓ એટલે કે અનુસૂચિત જનજાતિ (એસ.ટી.) માટે 7.50 ટકા અનામતની જોગવાઈ છે જ્યારે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે 27 ટકા અનામત છે. ગુજરાતમાં દલિતો કરતાં આદિવાસીઓ એટલે કે અનુસૂચિત જનજાતિ (એસ.ટી.)ની વસતી લગભગ બમણી છે તેથી આ પ્રમાણ ઊલટું છે. મતલબ કે દલિતો માટે 7.50 ટકા અને આદિવાસીઓ માટે 15 ટકા અનામતની જોગવાઈ છે. અન્ય પછાત વર્ગ માટે ગુજરાતમાં પણ 27 2ટકા અનામત છે. મોદી સરકારે અનામતનો લાભ નથી મળતો એવી જ્ઞાતિના આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી છે. આ અનામત જ્ઞાતિ આધારિત નથી પણ તેના કારણે અનામતનું પ્રમાણ વધીને સાઠ ટકામાં અડધો ટકો જ ઓછું રહ્યું છે.છેલ્લા કેટલાક સમયથી આપણે ત્યાં એસસી, એસટી અને ઓબીસી અનામતમાં પણ પેટા અનામત હોવી જોઈએ એવું વાજું કેટલાક લોકો વગાડ્યા કરે છે. તેમની દલીલ એવી છે કે, દરેક કેટેગરીમાં કેટલીક ચોક્કસ જ્ઞાતિઓ જ અનામતનો લાભ લઈ લઈને ધિંગી બની છે જ્યારે કેટલીક જ્ઞાતિઓને તો લાભ મળતો જ નથી. આ લાભ મેળવવામાંથી રહી ગયેલી જ્ઞાતિઓ માટે પેટા અનામત રાખવી જોઈએ કે જેથી તેમનો પણ ઉદ્ધાર થાય ને જે ઉદ્દેશ માટે અનામતની જોગવાઈ કરાઈ છે એ ઉદ્દેશ પણ પાર પડે. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં આ પેટા અનામતની વાતને યોગ્ય ગણાવી છે ને ચુકાદો આપ્યો છે કે, અનામતમાં પણ પેટા અનામત હોવી જોઈએ.

પંજાબ સરકારે 2006 માં એસ.સી. અનામતમાં વાલ્મીકિ અને મઝહબી શીખોને પ્રાથમિકતા આપવાની જોગવાઈ કરતો કાયદો પસાર કરેલો, પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને તેનો ડૂચો કરી નાંખેલો. એ માટેનો આધાર 2004મા સુપ્રીમ કોર્ટે આપેલો ચિન્નૈયાહ કેસનો ચુકાદો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરૂણ મિશ્રાના વડપણ હેઠળની બેંચે હાઈ કોર્ટના ચુકાદાને ફગાવીને એસ.સી. અનામતમાં પેટા અનામતની વાતને યોગ્ય ગણાવી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ચિન્નૈયાહ કેસનો ઉલ્લેખ કર્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ખોટો ચુકાદો આપેલો એવું પણ કહ્યું છે ને આ બહુ મોટી વાત છે. ચિન્નૈયાહ કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે ચુકાદો આપેલો તેથી વર્તમાન બેંચ તેનાથી મોટી હોય તો જ એ ચુકાદાને બદલી શકે. જસ્ટિસ અરૂણ મિશ્રાની બેંચ પણ 5 જજની છે તેથી અનામતમાં પેટા અનામતને બંધારણીય રીતે મંજૂરી નથી મળી પણ સુપ્રીમ કોર્ટે એવો ઈરાદો વ્યક્ત કર્યો છે તેથી આ ચુકાદો મોટો ગણાય જ.

સુપ્રીમ કોર્ટ પોતે જ પોતાના 16 વર્ષ જૂના ચુકાદાને ખોટો ગણાવે એ ઐતિહાસિક કહેવાય તેથી ચિન્નૈયાહ કેસ શું હતો એ સમજવું જરૂરી છે. આંધ્ર પ્રદેશ સરકારે ૨૦૦૦ની સાલમાં અનુસૂચિત જાતિ (શીડ્યુલ્ડ કાસ્ટ-એસ.સી.) માટેની સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતમાં પેટા અનામતનો નિર્ણય લીધેલો. આંધ્રમાં એ વખતે તેલુગુ દેશમની સરકાર હતી ને ચંદ્રાબાબુ નાયડુ મુખ્યમંત્રી હતા. ચંદ્રાબાબુએ જસ્ટિસ રામચંદ્ર રાજુના અધ્યક્ષસ્થાને એક પંચ રચ્યું. બંધારણની કલમ ૩૪૧ હેઠળ એસ.સી. અનામતનો લાભ કઈ કઈ જ્ઞાતિઓને આપવો એ નક્કી કરાયું છે. નેશનલ શીડ્યુલ્ડ કાસ્ટ કમિશને સામાજિક, આર્થિક, શૈક્ષણિક પછાતપણાને આધારે આ જ્ઞાતિઓનો સમાવેશ એસ.સી. અનામતનો લાભ લેનારી યાદીમાં કર્યો હતો ને રાષ્ટ્રપતિએ આદેશ બહાર પાડીને તેને મંજૂરી આપી હતી.

ચંદ્રાબાબુએ બનાવેલા પંચનું કામ એસ.સી. અનામતનો લાભ લેનારી જ્ઞાતની યાદીમાં હોય છતાં જે જ્ઞાતિ આ લાભથી વંચિત રહી હોય તેમની યાદી તૈયાર કરવાનું હતું. જસ્ટિસ રામચંદ્ર રાજુ પંચે આંધ્ર પ્રદેશમાં એસ.સી. અનામતનો લાભ લેનારી 57 જ્ઞાતિઓને ચાર વિભાગમાં વહેંચી નાંખીને કુલ 15 ટકા એસ.સી. અનામતમાંથી ક્યા ગ્રુપની જ્ઞાતિને કેટલા ટકા અનામત આપવી તેની ભલામણ કરેલી. આ પૈકી ગ્રુપ એ અને ગ્રુપ ડીની જ્ઞાતિઓ માટે એક-એક ટકા જ્યારે ગ્રુપ બીની જ્ઞાતિઓ માટે 76ટકા તથા ગ્રુપ સીની જ્ઞાતિઓ માટે 6 ટકા અનામત રાખવાની ભલામણ કરાયેલી.

ચંદ્રાબાબુ સરકારે આ ભલામણો સ્વીકારીને કાયદો બનાવી દીધો ને રાજ્ય સરકારની નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં તેનો અમલ કરવાનું એલાન પણ કરી દીધું. આ કાયદા સામે અનામતનો લાભ લેનારી જ્ઞાતિઓએ જ વિરોધ કરીને તેને હાઈ કોર્ટમા પડકાર્યો હતો. હાઈકોર્ટની પાંચ જજની બેંચે આ કાયદાને બહુમતીથી રદ કરી નાંખ્યો પછી ચંદ્રાબાબુ સરકારે નવો કાયદો બનાવ્યો. તેમાં જોગવાઈઓ એ જ બધી હતી પણ ભાષાકીય રીતે ફેરફાર કરી દેવાયેલો. એ કાયદાને પણ હાઈ કોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યો એટલે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયેલો. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચને આ કેસ સોંપાયેલો. સુપ્રીમ કોર્ટે પણ આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને પડીકું કરી નાંખતાં અનામતમાં પણ પેટા અનામતની વાતનો વીંટો વળી ગયેલો.

હવે 16 વર્ષ પછી સુપ્રીમ કોર્ટે પોતે જ પોતાની પાંચ જજની બંધારણીય બેંચે કાચું કાપેલું એવું જાહેર કરીને આ ચુકાદાની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે ૨૦૦૪માં ચુકાદો આપેલો. જે બેંચે 2004ના ચુકાદાને અયોગ્ય ગણાવ્યો છે એ બેંચ પણ પાંચ જજની છે તેથી એ જૂના ચુકાદાને ના બદલી શકે. 2004 ના ચુકાદાને બદલવો હોય તો લાર્જર બેંચ જોઈએ. મતલબ કે હવે સાત જજની બેંચ ૨૦૦૪ના ચુકાદાને બદલી શકે. સુપ્રીમ કોર્ટની બેંચે ચીફ જસ્ટિસને આ મુદ્દો લાર્જર બેંચને સોંપવાની ને તેની સુનાવણી ફરી કરાવવાની વિનંતી કરવાનો ઈરાદો જાહેર કરી જ દીધો છે એ જોતાં આજે નહીં તો કાલે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી થશે એ નક્કી છે.

આપણે ત્યાં સરકારીતંત્ર હોય કે ન્યાયતંત્ર હોય, કશું તાબડતોબ થતું નથી તેથી હવે પછી આ કેસમાં શું થશે એ કહેવું મુશ્કેલ છે. ચીફ જસ્ટિસ લાર્જર બેંચને કેસ સોંપે છે કે પછી મામલાને ટાળી દે છે એ પણ નક્કી નથી. માનો કે લાર્જર બેંચને સોંપાય તો પણ ક્યારે સોંપાય એ નક્કી નથી. એ વખતે હાલના જજ હશે કે નહીં એ પણ નક્કી નથી. માનો કે તાબડતોબ કેસ લાર્જર બેંચને સોંપાય તો પણ તેમાં જૂના ચુકાદાને અયોગ્ય માનનારા જજ જ હશે કે કેમ એ પણ નક્કી નથી. જે નવા જજ આવે એ જૂના ચુકાદાને યોગ્ય માને એવું પણ બને. ટૂંકમાં શક્યતાઓ બહુ છે તેથી એસ.સી. અનામતમાં પેટા અનામત આવી જ જશે એવું અત્યારથી માની લેવાની જરૂર નથી પણ આ રીતે પેટા અનામત દેશના હિતમાં નથી એ જોતાં એવું ના થાય એવી પ્રાર્થના કરવી જોઈએ.

અનામતમાં જ્ઞાતિ આધારિત પેટા અનામત રાખો તેનો અર્થ છે, પછાત જ્ઞાતિઓમાં ભાગલા પાડીને તેમને સામસામે મૂકી દેવી. આપણો સમાજ આમ પણ જ્ઞાતિઓના આધારે વધારે ને વધારે વહેંચાતો જાય છે ત્યારે પછાત જ્ઞાતિઓમાં પણ ભાગલા પાડવા એ દેશના હિતમાં નથી. ચોક્કસ જ્ઞાતિને અનામતનો વધારે લાભ મળ્યો છે તેથી તેને માટે ઓછી અનામત ને બીજી જ્ઞાતિને વધારે અનામત એ વાત પણ અન્યાયકર્તા કહેવાય. આ જોગવાઈને કારણે જે જ્ઞાતિને ઓછી અનામત આપો એ જ્ઞાતિના સૌથી જરૂરીયાતમંદો તો સાવ રહી જાય તેથી અનામતનો ઉદ્દેશ જ મરી જાય. એ રીતે જ્ઞાતિઓમાં પેટા અનામત આપીને ભાગલા પાડવાનો વિચાર રાજકારણીઓની મતબેંકની લાલચુ ને હલકી માનસિકતામાંથી ઉદ્ભવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેને જરાય પોષવા જેવો નથી. નહિતર દેશ જ્ઞાતિઓ ને પેટા જ્ઞાતિઓમાં વહેંચાઈ જશે ને પરસ્પર નફરત વધશે. પછાતોમાં જેમને અનામતનો લાભ નહીં મળે એ બીજી જ્ઞાતિને દોષિત માનશે ને વેરઝેર વધશે.

આ રીતે પેટા અનામતના બદલે એસસી, એસટીમાં ક્રીમિ લેયર પ્રથા લાવવી જોઈએ. ઓબીસી અનામતમાં ક્રીમિ લેયર છે પણ એ આર્થિક માપદંડ આધારિત છે ને તેનાથી બકવાસ બીજો કોઈ માપદંડ ના હોઈ શકે. તેના બદલે આદિવાસીઓ અને દલિતોમાં અનામતનો લાભ લેનારાંને બાજુ પર મૂકીને જેમને સાવ લાભ નથી મળ્યો તેમને લાભ મળે એવું કરવું જોઈએ.કેન્દ્ર કે રાજ્ય સરકારમાં પ્રધાન હોય તેવા એસસી-એસટી, આ વર્ગમાં આઈએએસ, આઈપીએસ સહિતના તમામ ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરનાં સંતાનો, ડોક્ટર, જે પરિવારમાંથી બે વ્યક્તિને અનામતનો લાભ મળ્યો હોય તેવા પરિવારોને અનામતનો લાભ ના મળે, તેના બદલે જે પરિવારે કદી અનામતનો લાભ નથી લીધો તેમને અનામતનો લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ પ્રકારના માપદંડ રાખવા જોઈએ તો વૈમનસ્ય નહીં ફેલાય, બાકી પેટા અનામત તો ઝેરનાં વાવેતર જ છે.