ચીન હવે ગમે ત્યારે ભારત પર સાયબર હુમલો કરવા તૈયારછે

અમેરિકાની સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ ક્ન્સલ્ટન્સી સ્ટ્રેટપોન દ્વારા ચીન લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ઉપર 13 કે 14 નવાં લશ્કરી થાણાં બનાવી રહ્યું છે એવો રિપોર્ટ તાજો છે ત્યાં અમેરિકાની જ બીજી સંસ્થાએ નવો ધડાકો કર્યો છે. ચાઈનાઝ એરોસ્પેસ સ્ટડીઝ ઈન્સ્ટિટ્યૂટ (સીએએસઆઈ) નામની આ સંસ્થાનો દાવો છે કે, ચીન આપણા સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્ક પર હુમલો કરીને આપણી કોમ્યુનિકેશન સિસ્ટમને જ ખોરવી નાંખવાની ફિરાકમાં છે. આ સંસ્થાએ તો ત્યાં સુધી કહ્યું છે કે ઈ. સ. 2012 થી ઈ. સ, 2018 દરમિયાન ચીને અનેક વાર ભારતના સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્ક પર હુમલો કરીને તેને રફેદફે કરી નાંખવાની કોશિશ કરેલી. આવો એક હુમલો ઈ. સ. 2017માં પણ થયેલો ને ચીને હજુ એ પ્રયત્નો છોડ્યા નથી.
ચીને તો અમેરિકાના સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કને ખોરવી નાંખવા માટે પણ ધમપછાડા કરેલા એવો દાવો પણ આ સંસ્થાએ પેન્ટાગોનના એક રિપોર્ટના હવાલાથી કર્યો છે. અમેરિકાની ટોચની સ્પેસ રિસર્ચ એજન્સી નાસા સાથે સંકળાયેલી જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી (જેપીએલ)ના નેટવર્ક પર હુમલાનો પ્રયત્ન પણ ચીને કરેલો છે. કેલિફોર્નિયામાં આવેલી જેપીએલ નાસાનું ટોચનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે. અમેરિકામાં સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્ક જેપીએલ દ્વારા ચાલે છે. ચીન જેપીએલના નેટવર્કમાં ઘૂસણખોરી કરીને અમેરિકાના સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્ક પર કબજો કરવા ચાહતું હતું પણ ફાવેલું નહીં કેમ કે અમેરિકાની સાયબર સિક્યુરિટી સિસ્ટમ જડબેસલાક છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ચીન આ ઉધામા પછી હવે એવી ટેકનોલોજી વિકસાવવામાં પડ્યું છે કે જેની મદદથી દુશ્મન દેશને સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્ક વિનાનું કરીને પછી તબાહ કરી શકાય.
રિપોર્ટમાં મોટા ભાગની વાતો ટેક્નિકલ છે. ચીનના ગોરખધંધાનો ભાંડો ફોડવા માટે જાહેર કરાયેલી આ ટેક્નિકલ બાબતો વિશે સામાન્ય લોકોને બહુ ખબર ન પડે પણ વિજ્ઞાન જગતે આ વાતને ગંભીરતાથી લીધી છે. સીએએસઆઈએ જે દાવો કર્યો છે તેમાં દમ છે એવું વિજ્ઞાન જગત સ્વીકારે છે ને આ મુદ્દો અત્યારે વિશ્ર્વભરમાં ગંભીરતાથી ચર્ચાઈ રહ્યો છે.
ભારતમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સ્પેસ પ્રોગ્રામ ચલાવે છે. સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્ક સ્પેસ પ્રોગ્રામનો ભાગ જ છે તેથી આ મુદ્દે બોલવા માટે ઈસરો સૌથી વિશ્વસનીય ગણાય, ઈસરોએ પણ આ રિપોર્ટની વાતમાં દમ હોવાનું સ્વીકાર્યું છે ને કબૂલ્યું છે કે, સાયબર એટેક કરીને સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કને ખોરવી નાંખી શકાય છે. ઈસરોએ એ પણ કબૂલ્યું છે કે ભારતમાં પણ સાયબર એટેક કરીને સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કને ખોરવી નાંખવાના ઉધામા પહેલાં થયેલા પણ ઈસરો એલર્ટ છે તેથી આ પ્રયત્નો સફળ નહોતા થયા. ઈસરોએ મોટી કબૂલાત એ કરી છે કે આ સાયબર એટેક દ્વારા ઈસરોની સિસ્ટમને હેક કરવાના ખેલ ક્યાંથી થયા હતા તે ખબર જ નહોતી પડી ને હજુ પણ એ પ્રકારના સાયબર એટેક થાય જ છે.
ચીનના ગોરખધંધા સામે અમેરિકાની બે અલગ અલગ સંસ્થાઓએ આપણને ચેતવ્યા તેના કારણે એવી પણ શંકા થાય કે, અમેરિકા ભારતને ચીન સામે ભિડાવી દેવા માટે તો આ પ્રકારના રિપોર્ટ બહાર નથી પડાવતું ને ? વૈશ્વિક સ્તરે વર્ચસ્વ જમાવવા માટે જાત જાતના દાવપેચ થતા હોય છે. મોટા દેશો નાના દેશોનો ખબર ન પડે એ રીતે વાપરી લેતા હોય છે ને તેમનો પ્યાદા તરીકે ઉપયોગ કરી નાંખતા હોય છે. અમેરિકા તો દાયકાઓથી જગત જમાદાર છે તેથી તેને તો આ પ્રકારના ધંધાઓની ફાવટ હોય જ એ જોતાં આ આશંકા સાવ ફેંકી દેવા જેવી નથી જ. અમેરિકા આપણી પાસેથી પોતાના હેતુ સિદ્ધ કરાવી ન જાય એ માટે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી પણ છે પણ ઈસરોએ કરેલી વાત પછી સીએએસઆઈની વાત વધારે સાચી લાગે છે.
સીએએસઆઈની વાત માનવા માટે બીજું કારણ કોરોના છે. કોરોનાનો ખતરો દુનિયાના સંખ્યાબંધ દેશોમાં હજુ છે જ. જ્યાંથી શરૂ થયો એ ચીન તેનાથી મુક્ત થઈ ગયું છે. કોરોના ચીનની સામ્યવાદી સરકારે બનાવેલું બાયોલોજિકલ વેપન (જૈવિક શસ્ત્ર) છે એવી વાતો કોરોનાનો કેર વર્તાવા માંડ્યો ત્યારથી ચાલી રહી છે. દુશ્મન દેશમાં જીવાણુ અને વિષાણુ છોડીને મોટા પ્રમાણમાં લોકોની હત્યા કરવા માટે રોગચાળો ફેલાવવા બનાવાતા વાઈરસ અને અન્ય વિષાણુ ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ફ વાઈરોલોજીમાં બનાવાય છે અને આ લેબોરેટરીમાંથી જ આ વાઈરસ લિક થયા છે એવા દાવા ઘણ દેશોએ કરેલા.
ચીને કોરોના વાઈરસનો કેર પોતે ફેલાવેલો એ વાત દબાવવા પણ બહુ મથામણ કરેલી. કોરોના વાઇરસ સામે સમગ્ર વિશ્વને સૌથી પહેલી ચેતવણી ચીની ડોક્ટર લી વેન્લીયાંગે આપી હતી. આ ડોક્ટરનું રહસ્યમય સંજોગોમાં મોત થઈ ગયું પણ ચીને તેની વિગતો પણ બહાર નથી પાડી. ડોક્ટર લીએ સમગ્ર વિશ્વને એક વીડિયો ક્લીપ દ્વારા આ વાઇરસ સામે ચેતતા રહેવાનું સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું. પોલીસે તેમના પર સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી લોકોમાં ડર પેદા કરવાનો આરોપ મૂકીને નોટિસ આપી હતી. ડોક્ટર લીએ એ પછી પણ ચેતવણી આપવાનું ચાલુ રાખ્યું ને અચાનક એ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા. પછી એવી વાત બહાર આવી કે, ખુદ ડોક્ટર લી પણ કોરોના વાઇરસનો શિકાર બનીને મૃત્યુ પામ્યા છે.
આમ બધું આકસ્મિક ન જ હોય એ કહેવાની જરૂર નથી. કોરોનાનો કેર દુનિયાના ધનિક ને વિકસિત દેશોમાં સૌથી વધારે ફેલાયો ને બીજા નંબરે ચીન જેમને પોતાના હરીફ માને છે એવા ભારતમાં ફેલાયો. આ સંજોગોમાં ચીને પોતે જ પોતાના દુશ્મનોને તબાહ કરવા આ બાયોલોજિકલ એટેક કરાવ્યો હોવાની પ્રબળ શક્યતા છે જ. અમેરિકા જ નહીં પણ આખી દુનિયામાં તમામ મોટા દેશોને કોરોનાની અસર થઈ છે ને તેમનાં અર્થતંત્ર તબાહ થઈ ગયાં છે. બીજી તરફ ચીનનું અર્થતંત્ર તો પાછું ધમધમવા માંડ્યું છે એ જોતાં ચીને જ આ બાયોલોજિકલ એટેક કરાવ્યો હતો એ કહેવાની જરૂર નથી. હવે જે દેશ દુશ્મનોને પછાડવા માટે બાયોલોજિકલ એટેક કરાવી શકે તેના માટે સાયબર એટેક તો સહજ વાત કહેવાય એ જોતાં આ વાતને ગંભીરતાથી લેવી જ પડે.
ભારતે તો આ ખતરાને એટલે વધારે ગંભીરતાથી લેવો પડે કે ટેકનોલોજીમાં આપણે અમેરિકા કે જાપાન નથી. અમેરિકા, જાપાન સહિતના દેશો ટેકનોલોજીના ક્ષેત્રમાં દાદા છે અને કોઈ પણ પ્રકારના હુમલાને પહોંચી વળવા માટે સક્ષમ છે. આ વાત આપણને લાગુ પડતી નથી. ભારતનો પોતાનો સ્પેસ કાર્યક્રમ છે ને ભારતના પોતાના સેટેલાઈટ પણ છે પણ એ છતાં આપણે બીજા દેશો પર નિર્ભર છીએ કેમ કે આપણી સેટેલાઈટ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઉધારની છે. ચીન તેને રફેદફે કરવાના પ્રપંચ છેલ્લા દોઢ દાયકાથી ચાલુ કર્યા છે ને આ પ્રકારના એટેક થયા છે એવું ઈસરો પોતે કબૂલે છે તેથી આ ખતરો મોટો છે. કોમ્યુનિકેશન નેટવર્ક પરનો હુમલો કેવી અરાજકતા ને અંધાધૂંધી સર્જી શકે એ કોઈને કહેવાની જરૂર નથી.
આપણે એ કારણે પણ આ ખતરાને ગંભીરતાથી લેવો પડે કે ચીન આપણને તેનો સૌથી મોટો દુશ્મન માને છે. ચીનને અમેરિકાને પછાડીને દુનિયાના દાદા બનવાની બહુ ઉતાવળ છે પણ તેનાં અમેરિકા સાથે આર્થિક હિતો પણ મોટા પ્રમાણમાં સંકળાયેલાં છે. આ કારણે તે અમેરિકા સામે મોટો જંગ ખેલવાની હિંમત કદાચ ન કરે. અમેરિકા ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં માને છે એ કારણે પણ ચીન થોડું ડરે પણ આપણને એ ગણકારતું નથી. આપણે ત્યાં ટીવી ચેનલો ચીનને આપણું લશ્કર કેવી રીતે ધૂળ ચટાડી રહ્યું છે ને ચીનને આપણે ધોળા દિને તારા દેખાડી રહ્યા છીએ એવી ગળચટ્ટી વાતોનું ચૂરણ ચટાડીને ભલે લોકોને ભરમાવે પણ એ વાતોમાં દમ નથી. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ચીન આપણને સતત કનડે છે ને સરહદે કંઈક ને કંઈક ડખા ઊભા કર્યા કરે છે એ જોતાં આપણને એ સરળતાથી રહેવા દેવા નથી માગતું એ સ્પષ્ટ છે.
ચીન ભારતને કેમ મોટો દુશ્મન માને છે એ પણ સમજવા જેવું છે. વડાપ્રધાન મોદી આ વાત સારી રીતે સમજે છે. ચીન ભારતને પોતાનો સૌથી મોટો આર્થિક હરીફ બનવાની તાકાત ધરાવતા દેશ તરીકે જુએ છે. ચીનને લાગે છે કે, ભારત પાસે પોતાની જેમ ચમત્કાર કરીને આગળ વધવાની તાકાત છે, ભારત પાસે મેન પાવર છે, કુદરતી સ્રોત છે, પોતાનું આગવું અર્થતંત્ર છે તેથી એ પણ પોતાની જેમ મહાસત્તા બની શકે છે એવું ચીન માને છે. ચીનને પહેલેથી ભારત સાથે વિવાદો પણ છે ને ભારતના ઘણા પ્રદેશો પર પોતાનો દાવો કરે છે. આ બધું અકારણ નથી તેથી ભારતે સતર્ક રહેવાની જરૂર છે જ.