ચીન સાથે લમણા લીધા પછી તરત ભારતે નેપાળ સાથે ધડિકા લેવાના છે

ચીન હવે કાયમી દુ:ખાવો છે. ચીન લાઈન ફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર નવાં લશ્કરી થાણાં બનાવી રહ્યું છે ને સાયબર એટેકે કરીને ભારતના સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કને ખોરવી નાખવાની ફિરાકમાં છે એ વાવડ તાજા છે ત્યાં હવે નેપાળ મેદાનમાં આવ્યું છે. નેપાળે થોડા સમય બહાર પાડેલા નવા રાજકીય આ નકશામાં ભારતના ઉત્તરાખંડના પિથોરાગઢમાં આવેલા કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરા વિસ્તારોને નેપાળનો હિસ્સો બતાવ્યા છે. નેપાળની સ્કૂલોમાં ભણાવાતા નકશાથી માંડીને ચલણી નોટો ને સિક્કા સુધી બધે નેપાળે આ નવો નકશો દર્શાવીને આ વિસ્તારો પોતાના બાપની જાગીર હોય ને ભારતે તેને બથાવી પાડ્યા હોવાનો કુપ્રચાર જોરશોરથી કરવા માંડ્યો છે.
આ મુદ્દે ડખો ચાલે જ છે ત્યાં હવે નેપાળે આ વિસ્તારોમાં જનમત લેવાનું એલાન કર્યું છે. ભારતમાં દર દસ વર્ષે વસતી ગણતરી થાય છે એ રીતે નેપાળમાં પણ દર દસ વરસે વસતી ગણતરી થાય છે. નેપાળનું નેશનલ પ્લાનિંગ કમિશન અને સેન્ટ્રલ બ્યૂરો ફ સ્ટેટિસ્ટિક્સ સંયુક્ત રીતે વસતી ગણતરી કરશે ને 2021ના મે મહિનામાં નેપાળની વસતી કેટલી છે તેનો આંકડો બહાર પાડશે. આ વસતી ગણતરીની ક્વાયત અત્યારથી શરૂ કરી દેવાઈ છે ને નેપાળે આ વખતે કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરા વિસ્તારોમાં પણ વસતી ગણતરી માટે માણસો મોકલવાનું નક્કી કર્યું હોવાના અહેવાલ છે. વસતી ગણતરીની સાથે સાથે નેપાળ સરકાર બીજું એક ફોર્મ પણ મોકલશે ને તેમાં આ વિસ્તારનાં લોકોનો નેપાળમાં જોડાવા મુદ્દે જનમત લેવાશે. આ જનમતમાં ક્યા સવાલો પૂછાશે તેની વિગતો પણ તૈયાર કરી દેવાઈ છે.
નેપાળે સત્તાવાર રીતે આ જાહેરાત કરી નથી, પણ વસતી ગણતરીની ક્વાયત અંગે જે સૂચનાઓ આપવામાં આવી છે તેમાં કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરા વિસ્તારોમાં પણ ઘરે ઘરે ફરીને ગણતરી કરવાનું કહેવામાં આવ્યું હોવાના અહેવાલ છે. નેપાળના મીડિયામાં આ સમાચાર છે ને તેના આધારે ભારતમાં પણ પ્રતિષ્ઠિત ગણાતાં રાષ્ટ્રીય અખબારો તથા વેબસાઈટ્સ પર આ સમાચાર છે એ જોતાં આ વાત સાવ મોંમાથા વિનાની તો નહીં જ હોય.
ઉત્તરાખંડ ભારતનો વિસ્તાર છે ને પિથોરાગઢના કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરા વિસ્તારો ભારતનો જ હિસ્સો છે તેથી નેપાળના કહેવાથી વસતી ગણતરી કે જનમત થઈ જવાનાં નથી. ભારતનું આ વિસ્તારો પર શાસન છે ને આ વિસ્તારનાં લોકો ભારતીય જ છે. એ લોકો નેપાળ કે બીજા કોઈની સાથે જાય એવી વાત કરવી એ પણ તેમના દેશપ્રેમનું અપમાન કર્યું કહેવાય તેથી એ મુદ્દાની તો ચર્ચા જ ના હોય. નેપાળ સરહદે આપણું લશ્કર તૈનાત છે ને આપણા લશ્કરમાં આપણી સરહદોની સુરક્ષા કરવાની તાકાત છે જ.
આ સંજોગોમાં નેપાળથી વસતી ગણતરી કરનારા ઉત્તરાખંડમાં આવીને વસતી ગણતરી કરી જાય ને જનમત લઈ જાય એ વાતમાં માલ જ નથી. આપણું લશ્કર તેમને ઘૂસવાની વાત તો છોડો પણ એ વિસ્તારો પર નજર પણ ન નાખવા દે. જે કોઈ આ વિસ્તારમાં આવવાની ગુસ્તાખી કરે તેના ટાંટિયા તોડીને હાથમાં આપી દેવાની તાકાત આપણા લશ્કરમાં છે જ એ જોતાં નેપાળીઓ કશું કરી શકે એ વાતમાં માલ જ નથી. ટૂંકમાં નેપાળ સત્તાવાર જાહેરાત કરે કે ના કરે, ભારતમાં આવીને વસતી ગણતરી કરવાની કે જનમત લેવાની તેની હૈસિયત જ નથી તેથી એ મુદ્દે ચિંતા કરવાની જરૂર નથી, પણ સવાલ ચિંતાનો નહીં, નેપાળ જે હરકતો કરી રહ્યું છે તેનો છે ને લાંબા ગાળે તેની શું અસરો પડશે તેનો છે.
આ વાતને સમજવા પહેલાં તો આ વિવાદને સમજવાની જરૂર છે. નેપાળે જેને પોતાના બાપની જાગીર ગણાવી છે એ કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરા વિસ્તારો ભારતની તિબેટ, ચીન અને નેપાળની સરહદે આવેલા છે. ભારત અને નેપાળની સરહદ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને સિક્કિમ એ ચાર રાજ્યોને અડકે છે. આ પૈકી ઉત્તર પ્રદેશ અને બિહારની સરહદ માત્ર નેપાળને અડકે છે જ્યારે ઉત્તરાખંડ અને સિક્કિમની સરહદ નેપાળ ઉપરાંત ચીન-તિબેટને પણ અડકે છે. કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરા વિસ્તારો ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં છે. નેપાળનો દાવો છે કે, આ વિસ્તાર તેના સુદુરપશ્ર્ચિમ પ્રદેશ રાજ્યના દારચૂલા જિલ્લામાં છે. કાલાપાની ગામની આસપાસનો આ વિસ્તાર હિમાલયમાં ઊંચાઈ પર આવેલો વિસ્તાર છે ને કાલી નદી અહીંથી નિકળે છે.
કાલીને શારદા અને મહાકાલી નદી પણ કહે છે. લિપુલેખ હિમાલયમાંથી પસાર થતો ઉત્તરાખંડ અને તિબેટને જોડતો રસ્તો છે. આ રસ્તો ચીન, તિબેટ અને નેપાળની સરહદો અડકે છે એ ત્રિભેટે પૂરો થાય છે. આ રસ્તાની દક્ષિણ તરફ કાલાપાની વિસ્તાર છે. તિબેટનું તકલાકોટ આ સરહદની અત્યંત નજીક છે. કૈલાસ અને માનસરોવરની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે. લિંપિયાધુરા પાસ પણ રસ્તો છે ને એ ઉત્તરાખંડથી તિબેટ-ચીનની સરહદ સુધી જાય છે. કાલાપાની 372 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે.
ભારત- નેપાળ વચ્ચે સારા સંબંધો હતા ત્યારે કદી આ વિસ્તારોનો વિવાદ ઊભો નહોતો થયો. કાલાપાની વિસ્તાર ભારતનો છે એવું નેપાળે સ્વીકારેલું છે. ભારત અને નેપાળ વચ્ચેની સરહદ ઈ. સ. 1816ના ઈસ્ટ ઈન્ડિયા કંપની અને નેપાળના રાજા પૃથ્વી નારાયણ સિંહ વચ્ચેના સુગૌલી કરાર દ્વારા નક્કી થયેલી. આ કરારમાં કાલી નદીને નેપાળની ભારત સાથેની પશ્ર્ચિમ સરહદ તરીકે સ્વીકારાઈ છે. ભારત અને ચીન વચ્ચે 1962માં યુદ્ધ થયું ત્યારે ભારતે લિપુલેખ પાસ બંધ કરી દીધેલો કે જેથી ચીના ઘૂસણખોરી ન કરી શકે.
ચીને બહુ વિનવણીઓ કરી પછી 1997માં આ રસ્તો ખોલાયો ત્યારે નેપાળે પહેલી વખત ડખો ઊભો કરેલો. નેપાળે એવો મુદ્દો ઊભો કર્યો કે, નકશામાં દર્શાવાયેલી નદી મુખ્ય કાલી નદી નથી પણ કાલાપાની વિસ્તારમાં પશ્ર્ચિમે આવેલી નદી મૂળ કાલી નદી છે તેથી કાલાપાની વિસ્તાર નેપાળનો છે. નેપાળે ઓમ પર્વતને સરહદ તરીકે સ્વીકારવાનું નવું તૂત પણ ઊભું કરેલું. એ પછી નેપાળ ક્યારેક ક્યારેક આ વાત માંડતું પણ નેપાળ અને ભારત વચ્ચે સારા સંબંધો હતા તેથી આ મુદ્દો ચગતો નહોતો. ચીનથી બચવા નેપાળે ભારત સાથે કરાર કરેલા તેથી આ મુદ્દે કદી ડખો થયો નહીં. નેપાળમાં ચીનની પીઠ્ઠુ સામ્યવાદીઓનો પ્રભાવ વધ્યો કે લમણાઝીંક શરૂ થઈ.
નેપાળ આ બધા ઉધામા ચીનના ઈશારે કરે છે એ કહેવાની જરૂર નથી. નેપાળમાં ચીનના પાલતુ એવા સામ્યવાદીઓ રાજકીય રીતે તાકાતવર બન્યા છે ને અત્યારે સત્તામાં છે. દુનિયામાં અત્યારે ચીન સામ્યવાદી શાસન ધરાવતો સૌથી મોટો દેશ છે તેથી દુનિયાભરના સામ્યવાદીઓ માટે ચીન માઈ-બાપ છે. નેપાળમાં તો સામ્યવાદને ઘૂસાડ્યો ને પોષ્યો જ ચીને છે તેથી નેપાળના સામ્યવાદી તો ચીન કહે એટલું જ પાણી પીવે ને ચીન કહે ત્યારે જ એકી ને બેકી કરવા જાય એ કહેવાની જરૂર નથી. ભારત સામેનો સરહદી ડખો તેમણે ચીનના કહેવાથી ઊભો કર્યો છે ને તેનો ઉદ્દેશ ચીનને રાજી કરીને તેની પાસેથી માલ ખંખેરવાનો છે. ચીન લાંબા સમયથી પાકિસ્તાનને પંપાળીને ભારત સામે વાપરે છે. હવે નેપાળનો પણ એ રીતે ઉપયોગ કરવાનો ગંદો ખેલ ચીને શરૂ કર્યો છે. નેપાળ જે નવા નવા દાવ રમી રહ્યું છે તે ચીનના લાભાર્થે જ છે.
ભારતને સીધી રીતે કોઈ ફરક નથી પડતો કેમ કે ભારત નેપાળ-ચીન બંનેને પહોંચી વળવા સક્ષમ છે, પણ આ મુદ્દે ડખા ઊભા કરીને ચીન આપણા માટે કાયમી માથાનો દુ:ખાવો ઊભો કરવા મથી રહ્યું છે એ વાત મહત્ત્વની છે. ચીનની નજર હિમાલયની નજીકના ભારતના તમામ પ્રદેશો પર છે ને નેપાળનો ઉપયોગ આ પ્રદેશો બથાવી પાડવા કરશે એ વાત સમજવી જરૂરી છે. મોટો ખતરો એ છે કે આ વિસ્તારો પર કબજો કરીને ચીન આપણા માટે ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ચીને પાકિસ્તાનનો ઉપયોગ એ રીતે કર્યો જ છે.
લદાખમાં આવેલા અક્સાઈ ચીનના આડત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર ઉપર ચીને 1962માં કબજો કરી લીધેલો. 1950ના દાયકાથી ચીને આ વિસ્તાર પર પોતાનો દાવો કરવા માંડેલો ને 1957માં અક્સાઈ ચીનની વચ્ચેથી પસાર થાય તેવો જિનઝિયાંગ અને તિબેટને જોડતો વેસ્ટર્ન હાઈવે બાંધીને આપણું નાક વાઢી લીધેલું. લેહનું ડેમચોક અત્યારે ભારતના કબજામાં છે ને ભારતીય લશ્કરનું ત્યાં થાણું છે, પણ ચીન આ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કરે છે. પાકિસ્તાને ચીન પર વરસીને અક્સાઈ ચીનનો પાંચ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર ભેટમાં આપી દીધો પછી ચીન ત્યાં અડિંગો જમાવીને બેસી ગયું છે. નેપાળ પણ ચીનનું આંગળિયાત છે ને ભવિષ્યમાં આ વિસ્તારો ચીનને ભેટમાં આપી દે પછી ચીન મેદાનમાં આવે ને મોટો ડખો ઊભો થાય. આ બધા વિવાદો ભારતને આર્થિક રીતે પણ નુકસાનકારક છે કેમ કે ભારતે સરહદો સાચવવા વધારે લશ્કરી ખર્ચ કરવો પડે. માતૃભૂમિ કરતાં વધારે કંઈ મહત્ત્વનું ના હોય એ જોતાં ભારત ગમે તેવી લડાઈ લડવા ને કિંમત ચૂકવવા તૈયાર જ છે. હવે પછી આ લડાઈ ઉગ્ર બનશે તેના આ બધા સંકેત છે.