પશુ ચોરીનો વિરોધ કરવા ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા ગામના લોકોએ રસ્તો બંધ કરી દીધો

ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલા વિરમપુર ગામમાં વારંવાર થતી પશુ ચોરીઓ અટકાવવા માટે ગ્રામજનોએ રસ્તો બંધ કરી આંદોલન શરૂ કર્યું છે. પોલીસની નિષ્ક્રિયતાને કારણે વારંવાર થતી પશુઓની ચોરીઓથી કંટાળેલા ૨૫થી વધુ ગામના લોકો ભેગા થયા હતા અને મંગળવારે બાલારામ-અંબાજી માર્ગ બંધ કરી દીધો હતો. તમામ લોકો ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી ચોરો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી રસ્તો નહીં ખોલવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં વારંવાર થતી ચોરીઓને અટકાવવા માટે ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. વિરમપુર તેમજ આજુબાજુના ૨૫ જેટલા ગામની અંદર છેલ્લા એક વર્ષમાં અનેક પશુઓની ચોરી થઈ છે. આ મામલે સ્થાનિક લોકોએ ફરિયાદો પણ આપી છે. જોકે, પોલીસની નિષ્ક્રિયતાને કારણે ચોરો બેફામ બનીને એક પછી એક ચોરીને અંજામ આપી રહૃાા છે. ગ્રામજનોનું માનીએ તો એક મહિનામાં પાંચથી છ ચોરી થાય છે.
ગામ લોકોનાં કહેવા પ્રમાણે તેઓએ અનેકવાર ફરિયાદો નોંધાવી છે, છતાં ચોરો સામે કડક કાર્યવાહી ન થવાના કારણે ચોરીનો સિલસિલો અટકતો જ નથી. આ કારણે હવે ગ્રામજનો પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળી રહૃાા છે. આ વિસ્તારની અંદર મોટાભાગના લોકો પશુપાલન પર નભી રહૃાાં છે. પશુપાલન જ એકમાત્ર આવકનો સ્ત્રોત હોવાના કારણે પશુઓની ચોરી થતાં અહીંના લોકોની હાલત કફોડી બની છે.
ચોરીઓથી કંટાળેલા લોકોએ હવે પોલીસની નિષ્ક્રિયતા સામે ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે અને લોકોએ રસ્તો બંધ કરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આજે બાલારામ અંબાજી રોડને બંધ કરીને વિરામપુર ગામના ગ્રામજનો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા.