રાજુલામાં એક કરોડની મિલ્કતો પરત અપાવતા શ્રી નિર્લિપ્ત રાય

  • એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા વ્યાજંકવાદીઓ સામેની ઝુંબેશના ફળસ્વરૂપે વ્યાજના ચક્રમાં ફસાયેલા અનેક આમ આદમીઓનો છુટકારો
  • રાજુલાના શખ્સ સામે થયેલી અરજીની સીટ દ્વારા તપાસ કરાવતા વ્યાજની રકમ વસુલવા 87 લાખની મિલ્કતોના 13 બાનાખત મળ્યા : 12 બાનાખત રદ કરાયા
  • વ્યાજના ચક્રમાં ફસાયેલા અનેક મજબુર લોકોની મિલ્કતો ખાઇ જનારા વ્યાજખોરો સામેની ઝુંબેશથી હજારો લોકો વ્યાજખોરોની ચુંગલમાંથી મુક્ત

અમરેલી,
અમરેલી જિલ્લા પોલીસને વ્યાજખોરી અંગે મળેલ રાજુલાની એક અરજી આધારે એસપીશ્રી નિર્લિપ્ત રાયના આદેશથી થયેલી તપાસમાં રાજુલામાં ઉંચા વ્યાજે લીધેલ રકમના બદલામાં મિલકતના બળજબરીથી કરાવી લીધેલ 12 જેટલા બાનાખત રદ્દ કરાવવામાં આવ્યા હતા અને 87 લાખની કિંમતની મિલ્કતો છુટી થઇ હતી જેની બજાર કિંમત કરોડોની થાય છે.
જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો, આર્થિક સંકડામણના લીધે, મજબુરીના કારણે પોતાના સારા-નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા, વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે, જેનો ફાયદો ઉઠાવી, વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે અને જો વ્યાજ કે મુદ્દલ ન ચુકવી શકાય, તો આવા વ્યક્તિઓની મિલ્કત ગેરકાયદેર રીતે, ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે. પરંતુ સામાન્ય પ્રજા, આવા વ્યાજંકવાદીઓના ડર, બીકના કારણે તેમના વિરૂધ્ધ ફરિયાદ કરતા નથી, કે તેમની સામે ક્યાંય રજુઆત કરતા નથી. નાણા ધીરધાર અંગેના લાયસન્સ વગર ઉંચા વ્યાજે નાણા ધીરનાર વ્યક્તિઓ, વ્યાજે નાણા લેનાર વ્યક્તિઓ પાસેથી નાણાના બદલામાં તેમની મિલકતના બાનાખત કરાવી લેતા હતાં, અને જો વ્યાજે નાણા લેનાર વ્યક્તિઓ વ્યાજ તથા મુદ્દલ ચુકવી ન શકે, તો તેમની મિલકત પડાવી લેતા હોય છે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય ને આવા વ્યાજખોર વ્યક્તિઓની વિગત વાળી એક અરજી મળતાં, આ અરજી અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ મારફતે તપાસ કરાવતાં, આ અરજીની વિગતમાં તથ્ય જણાતાં, અરજીમાં જણાવેલ નામ વાળા રાજુલાના જયરાજભાઇ મંગળુભાઇ વરૂ, રહે.રાજુલા, સરકારી હોસ્પિટલ પાછળ, ધોળીયો ડુંગરએ કુલ કિં.રૂ.86,97,000/- ની કિંમતની મિલકતના કુલ 13 મિલકતોના બાનાખત કરવામાં આવેલ હોવાનું ખુલવા પામેલ હતું. જે પૈકીના 12 બાનાખત રદ કરાવી, તે મિલકત તેના મુળ માલિકને પરત મળી જાય તે માટે કાર્યવાહી કરવામાં આવેલ છે, અને 1 બાનાખત રદ કરાવવાની કાર્યવાહી હાલ શરૂ છે.આમ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરી કરી, બળજબરીથી કરાવી લીધેલ બાનાખત રદ્દ કરાવી, મિલકત તેના મુળ માલિકોને પરત મળી રહે, તે માટે કાર્યવાહી કરવામાં આવેલ છે.અમરેલી જિલ્લામાં એસપીશ્રીએ 300 જેટલા વ્યાજખોરોનું લીસ્ટ તૈયાર કરતા પોતાનો વારો આવશે એ ડરે અનેક વ્યાજખોરોએ મિલ્કતો પરત આપી છે અને અનેક વ્યાજખોરો ઉઘરાણી કરતા બંધ થઇ ગયા છે.