ધારીમાં શ્રી ફળદુ, શ્રી રાદડીયા, શ્રી હકુભાને મેદાનમાં ઉતારાયા

  • જો છેલ્લી ઘડીએ ફેરફાર ન થાય તો ભાજપમાંથી શ્રી જે.વી.કાકડીયાનું નામ નિશ્ર્ચિત જેવુ : બેઠક અંકે કરવા શ્રી ભંડેરી ગામે ગામ ખુંદી વળ્યા છે
  • ભાજપ દ્વારા શ્રી આર.સી. ફળદુને ધારી વિસ્તાર, શ્રી જયેશ રાદડીયાને બગસરા વિસ્તાર અને શ્રી હકુભા જાડેજાને આખી સીટનો હવાલો સોંપાયો
  • કોંગ્રેસમાંથી ઉમેદવાર હવે નક્કી થશે : કોટડીયા પરિવારમાંથી ટીકીટ મળશે કે અન્યને મેદાનમાં ઉતારાશે ? : શ્રી જેની ઠુંમર માટે પણ કાર્યકરોની મહેનત

અમરેલી,
આજથી ધારી બગસરા વિધાનસભાની પેટાચુંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થનાર છે ત્યારે જો છેલ્લી ઘડીએ ફેરફાર ન થાય તો ભાજપમાંથી શ્રી જે.વી.કાકડીયાનું નામ નિશ્ર્ચિત જેવુ છે અને મુળ કોંગ્રેસની આ બેઠક અંકે કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા ધારીમાં શ્રી ફળદુ, શ્રી રાદડીયા, શ્રી હકુભાને મેદાનમાં ઉતારાયા હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળેલ છે.
ધારી બગસરા વિધાનસભા બેઠક મેળવવા માટે ભાજપ દ્વારા વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી. ફળદુને ધારી વિસ્તાર તથા પુરવઠા મંત્રી શ્રી જયેશ રાદડીયાને બગસરા વિસ્તાર અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી હકુભા જાડેજાને આખી સીટનો હવાલો સોંપાયો હોવાનું જાણવા મળેલ છે ભાજપના વરિષ્ઠ આગેવાન અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખ ભંડેરી દ્વારા આ બેઠક ઉપર કાર્યકરોની બેઠકો છેલ્લા ત્રણ માસથી સતત ચાલુ છે અને ભાજપની તૈયારીઓ લગભગ પુરી થઇ ગઇ છે અને ઉમેદવાર પણ નિશ્ર્ચિત જેવા છે છતા જીતશે કમળના આત્મ વિશ્ર્વાસ સાથે ભાજપ અત્યારે મેદાનમાં છે તેવા સમયે કોંગ્રેસમાંથી ઉમેદવાર હવે નક્કી થશે અને ધારી બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા કોટડીયા પરિવારમાંથી શ્રી સુરેશ કોટડીયા, શ્રી પ્રદિપ કોટડીયાને ટીકીટ મળશે કે ડો. કિર્તીભાઇ બોરીસાગર જેવા કોંગ્રેસના સંનિષ્ઠ આગેવાનોને મેદાનમાં ઉતારાશે ? તેવા સવાલ સાથે અમરેલી જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને કોંગ્રેસના ઉભરતા ચહેરા શ્રી જેની ઠુંમર માટે પણ ધારી બગસરા ઉપરાંત જિલ્લાભરના યુવા કોંગ્રેસી કાર્યકરોની મહેનત દેખાઇ રહી છે.